Navsari News: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં જમીનની બિનખેતી (NA Permission Fraud) મંજૂરી મેળવવાના મામલે ગેરરીતિનો આક્ષેપ સામે આવ્યો છે. ખેરગામના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી જમીન પર વર્ષોથી શાળા કાર્યરત હોવા છતાં આ હકીકત છુપાવી ખોટા દસ્તાવેજો અને સોગંદનામાના આધારે NA (NA Permission Fraud) મંજૂરી મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ મામલે નવસારી કલેક્ટર કચેરીના નાયબ મામલતદારની ફરિયાદના આધારે ખેરગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૌતેષ જયસુખભાઈ કંસારા અને તેમના માતા નયનાબેન જયસુખભાઈ કંસારા સામે છેતરપિંડી અને કૂટલેખન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
NA Permission Fraud: જમીન પર શાળા હોવા છતાં NA માટે અરજી
કલેક્ટર કચેરીની ચીટનીશ શાખા (જમીન દફતર)માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અમિતકુમાર નાગજીભાઈ દેસાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ખેરગામ મેઇન બજાર વિસ્તારમાં રહેતા નયનાબેન કંસારા અને તેમના પુત્ર ભૌતેષ કંસારાએ ખેરગામના સર્વે બ્લોક નંબર 25ની આશરે 0-23-28 ચોરસ મીટર જમીન માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 65 હેઠળ બિનખેતીની મંજૂરી મેળવવા IORA પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરી હતી. અરજી સાથે વિવિધ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, સરકારી તંત્ર દ્વારા દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જમીન અંગે કેટલીક મહત્વની હકીકતો સામે આવી હતી.
જૂનો કોર્ટ કેસ પણ છુપાવ્યો હોવાનો આક્ષેપ
પોલીસ ફરિયાદ મુજબ, આ જમીન અંગે અગાઉ ચીખલી કોર્ટમાં દીવાની કેસ ચાલી ચૂક્યો હતો. જોકે, NA (NA Permission Fraud) મંજૂરી માટે કરવામાં આવેલી અરજીમાં આ કેસ સંબંધિત વિગતો રજૂ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન આ બાબત સામે આવતા દસ્તાવેજોમાં મહત્વની માહિતી છુપાવવામાં આવી હોવાની શંકા વધુ ઘેરી બની હતી.
જમીન પર 2008-09થી શાળા કાર્યરત
આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે જે જમીન માટે NA મંજૂરી માંગવામાં આવી હતી, ત્યાં વર્ષ 2008-09થી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘પુષ્પશાંતિ’ નામની ધોરણ 1થી 8ની શાળા કાર્યરત હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સ્થળ પર બે માળની શાળા બિલ્ડિંગ અને આશરે 27 જેટલા રૂમોનું બાંધકામ અસ્તિત્વમાં હોવાનું તપાસ રિપોર્ટમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, આ બાંધકામ અંગેની હકીકત છુપાવી જમીન ખુલ્લી હોવાનો ખોટો ભાસ ઊભો કરવામાં આવ્યો હતો.
અન્ય જમીનના ફોટોગ્રાફ રજૂ કર્યાનો આક્ષેપ
આરોપીઓએ સરકારી તંત્ર સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોમાં સ્થળની વાસ્તવિક સ્થિતિ દર્શાવવાને બદલે અન્ય ખુલ્લી જમીનના રંગીન ફોટોગ્રાફ રજૂ કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ રીતે સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરી જમીનના બહુહેતુક ઉપયોગ માટે જાન્યુઆરી 2026માં NA (NA Permission Fraud) હુકમ મેળવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
સ્થાનિક અરજદારની રજૂઆત બાદ મામલો ખુલ્યો
આ સમગ્ર મામલો સ્થાનિક અરજદાર મુસ્તાનશીર એન. વોરાની રજૂઆત બાદ પ્રકાશમાં આવ્યો હતો. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ કરીને જમીનની NA મંજૂરી અને રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ કરવાની માગ કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર દ્વારા સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો.
વાંસદા પ્રાંત અધિકારી અને શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટ
કલેક્ટર કચેરીના આદેશ બાદ વાંસદા પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સ્થળ પર શાળા કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. સાથે જ NA (NA Permission Fraud) મંજૂરી માટે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જમીન પરના બાંધકામ અને અન્ય મહત્વની વિગતો છુપાવવામાં આવી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટરના આદેશ બાદ નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
નવસારી રૂરલ પોલીસે તપાસ શરૂ કરી
નવસારી રૂરલ પોલીસે ભૌતેષ કંસારા અને નયનાબેન કંસારા સામે છેતરપિંડી તથા બોગસ દસ્તાવેજો ઊભા કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ PSI એમ.એલ. સૈયદ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા NA અરજી સાથે રજૂ કરાયેલા દસ્તાવેજો, જમીનની વાસ્તવિક સ્થિતિ, અગાઉના કોર્ટ કેસ તેમજ શાળા બિલ્ડિંગ સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં આગળની તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાત સરકાર દ્વારા બિનખેતીની જમીનની કાર્યપદ્ધતિમાં કરાયો બદલાવ, જાણે બીજુ શું બદલ્યું
આ પણ વાંચો:ભાજપના રાજ્યસભાના ચારમાંથી ત્રણ ઉમેદવાર પાસે કરોડો રૂપિયાની જમીન
આ પણ વાંચો:1500 કરોડના CLU કૌભાંડમાં મોટો ખુલાસો, લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્ર પટેલને પહોંચતો
