Gambhira Bridge News: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદી પરના ગંભીરા બ્રિજનું (Gambhira Bridge) નવું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ રાજ્ય સરકારે નક્કી કરેલી 12 મહિનાની સમયમર્યાદામાં નવા બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા પહેલાં લોડ ટેસ્ટિંગ સહિતની જરૂરી ચકાસણી ચાલી રહી છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં (Gambhira Bridge Opening) આવે તેવી શક્યતા છે.
12 મહિનાની સમયમર્યાદામાં બ્રિજ તૈયાર
ગંભીરા બ્રિજ વડોદરા અને આણંદ વચ્ચેનો (Vadodara Anand Bridge) મહત્વપૂર્ણ માર્ગ છે. જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી. નવી કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગે નિર્ધારિત સમયમર્યાદા જાળવીને બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું છે. હવે બ્રિજ પર અંતિમ તબક્કાની ચકાસણી અને સુરક્ષા સંબંધિત કામગીરી ચાલી રહી છે. વાહનવ્યવહાર શરૂ કરતા પહેલાં બ્રિજની ક્ષમતા અને મજબૂતીની ખાતરી કરવામાં આવી રહી છે.
Gambhira Bridge: આધુનિક ટેકનોલોજીથી બાંધકામ
નવા ગંભીરા બ્રિજના નિર્માણમાં આધુનિક સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્ય બાંધકામમાં ઈપોક્ષી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભેજવાળા વાતાવરણમાં સ્ટીલને કાટથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત બ્રિજના બાંધકામમાં પ્રિકાસ્ટ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે બાંધકામની પ્રક્રિયા ઝડપી બનાવવામાં મદદ મળી છે.
પિલ્લર પર ઈન્સ્પેક્શન પ્લેટફોર્મ

બ્રિજના પિલ્લરો પર ભવિષ્યમાં નિરીક્ષણ અને જાળવણીની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે ખાસ ઈન્સ્પેક્શન પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી ભવિષ્યમાં બ્રિજની નિયમિત તપાસ અને મેન્ટેનન્સ વધુ સરળ બની શકે છે. બ્રિજનું કામ સમયસર પૂર્ણ કરવા માટે સરેરાશ 300 જેટલા શ્રમિકો અને એન્જિનિયરોની ટીમે સતત કામગીરી કરી હતી. પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ બાંધકામનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
ગુણવત્તાયુક્ત સામગ્રી, યોગ્ય આયોજન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નવા બ્રિજને મજબૂત અને લાંબા સમય સુધી ઉપયોગી રહે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
લોડ ટેસ્ટિંગ બાદ મળશે લીલી ઝંડી
નવા બ્રિજને જાહેર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા પહેલાં જરૂરી લોડ ટેસ્ટિંગ અને અન્ય સુરક્ષા ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી સ્તરની અંતિમ કાર્યવાહી હાથ ધરાશે અને ત્યારબાદ બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. બ્રિજ શરૂ થયા બાદ વડોદરા અને આણંદ વચ્ચેનો સીધો વાહનવ્યવહાર ફરી સરળ બનશે અને લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને પણ રાહત મળશે.
જૂનો બ્રિજ ધરાશાયી થતાં 22 લોકોનાં મોત
ગંભીરા બ્રિજની જૂની રચના 9 જુલાઈ 2025ના રોજ ધરાશાયી થઈ હતી. મહી નદી પર બનેલી આ દુર્ઘટનામાં વાહનો નદીમાં ખાબક્યા હતા અને બચાવ કામગીરી દરમિયાન કુલ 22 લોકોનાં મોતની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. આ દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજને લઈને સુરક્ષા અને મજબૂતીના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા હતા. રાજ્ય સરકારે ત્યારબાદ નવા બ્રિજના બાંધકામની જાહેરાત કરી હતી.
હવે વાહનચાલકોની નજર ઉદ્ઘાટન પર
નવા ગંભીરા બ્રિજનું બાંધકામ પૂર્ણ થતાં વડોદરા અને આણંદ જિલ્લાના લોકોમાં રાહત જોવા મળી રહી છે. જોકે, બ્રિજને સત્તાવાર રીતે ક્યારે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે છે તે અંતિમ સુરક્ષા ચકાસણી અને સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: આણંદ-વડોદરા વચ્ચે ફરી જોડાયો સંપર્ક: 20ના મોત બાદ ગંભીરા બ્રિજ તૈયાર
આ પણ વાંચો: આણંદનો ગંભીરા બ્રિજ બીજી એપ્રિલથી ખૂલશે
