નિરાશા/ LRDની પરીક્ષાની ફાઈનલ આન્સર કીમાં કોઈ ફેરફરા નહીં : ભરતી બોર્ડ

આ પ્રશ્ને ગાંધીનગરમાં ઉમદવારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને કહ્યું પાઠ્યપુસ્તકોનો આધાર માન્ય રાખવા અપીલ કરી હતી પરંતુ અંતે ઉમેદવારોની વાત ધ્યાને લેવાની દરકારસુધ્ધા લેવામાં આવી નથી તેવો ઉમેદવારોમાં અસંતોષ જોવા મળે છે.

Top Stories Gujarat Others
LRD

LRDની પરીક્ષાની ફાઇનલ આન્સર કીને લઇને વિવાદ થઇ ગયો છે. એક તરફ ઉમેદવારો તેની વાત રજૂ કરી રહ્યા છે અને બીજે તરફ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે એલઆરડીની ફાઇનલ આન્સર કીમાં કોઇ ફેરફાર નહીં થાય. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યું હતું. જો કે આ નિર્ણયથી ઉમેદવારોમાં નિરાશા અને નારાજગી જોવા મળી રહી છે.

ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આન્સર કી મુદ્દે 1250થી વધુ વાંધા અરજી મળી હતી. જે બાદ 27 એપ્રિલના રોજ બેઠક યોજી તે દિવસે જ ફાઇનલ આન્સર કી વેબસાઇટ પર મુકવામાં આવી હતી. જે બાદ પણ અનેક ઉમેદવારો તરફથી લેખિત અરજીઓ મળી હતી. ઉમેદવારોએ ભરતી બોર્ડ સમક્ષ મુકેલા વિવિધ સોર્સિસ પણ અમે ધ્યાને લીધા છે. બોર્ડ દ્વારા અત્યાર સુધી મળેલા તમામ વાંધાઓની સમીક્ષા કરવામાં આવી છે. 27 તારીખે જે ફાઇનલ આન્સર કી મુકાઇ છે તેમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, યુવાનેતા યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10મી એપ્રિલે લેવાયેલી LRD ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં સાત કે તેથી વધુ પ્રશ્નોના જવાબ ભૂલભરેલાં છે. સાથે જ આ જવાબો ખોટાં હોવાનો દાવો રજૂ કરતી વખતે શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં છપાયેલી વિગતો પણ રજૂ કરી છે. જેની સાથે આન્સર કીના જવાબો સુસંગત નથી. યુવરાજે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સાચું કોણ, શાળામાં ભણાવાયેલાં પાઠ્યપુસ્તકો કે પછી ભરતી બોર્ડના પેપર સેટરો? યુવરાજે ભરતી પરીક્ષાના બોર્ડના અધ્યક્ષ અને IPS હસમુખ પટેલને રજૂઆત કરતાં જવાબ મળ્યો કે અમારા પેપર સેટરોએ જે જવાબ આપ્યાં તે આખરી રહેશે. આ મામલે એક મહત્વની બેઠક યોજાઇ હતી. ચાર દિવસ પહેલા આ પ્રશ્ને ગાંધીનગરમાં ઉમદવારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને કહ્યું પાઠ્યપુસ્તકોનો આધાર માન્ય રાખવા અપીલ કરી હતી પરંતુ અંતે ઉમેદવારોની વાત ધ્યાને લેવાની દરકારસુધ્ધા લેવામાં આવી નથી તેવો ઉમેદવારોમાં અસંતોષ જોવા મળે છે.

આ પણ વાંચો : માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતી પહેલી ગુજરાતી દીકરીને મળો