Noida News : ઉત્તર પ્રદેશના નોઈડામાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ખાનગી કંપનીઓના કર્મચારીઓ દ્વારા શરૂ થયેલ વિરોધ પ્રદર્શન હવે હિંસક (Violence)બની ગયું છે. ખાસ કરીને સેક્ટર 57, 58 અને 59 વિસ્તારોમાં વિરોધીઓએ ભારે તોડફોડ અને અશાંતિ ફેલાવી છે.
માહિતી મુજબ, સેક્ટર 57માં છેલ્લા એક કલાક દરમિયાન આશરે 50 કંપનીઓ અને 200 જેટલા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ કેટલીક કંપનીઓમાં આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તોફાનીઓએ ઇમારતોની બારીઓ તોડી નાખી અને પથ્થરમારો કરતા કર્મચારીઓમાં ભય ફેલાયો, જેના કારણે અનેક લોકોને સ્થળ છોડવું પડ્યું.

સેક્ટર 58માં પણ પરિસ્થિતિ ગંભીર રહી હતી, જ્યાં કામદારોના જૂથોએ ફેક્ટરીઓ પર પથ્થરમારો કર્યો અને એક કંપનીમાં ઘૂસીને તોડફોડ કરી. સેક્ટર 59માં પોલીસેની જીપના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને એક ફેક્ટરીને આગ ચાંપી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિંસક બનેલું પ્રદર્શન
પ્રદર્શનકારીઓ લાકડીઓ અને લોખંડના સળિયા લઈને જૂથોમાં ફરી રહ્યા છે અને સતત પથ્થરમારો કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ તેમણે પોલીસનો પીછો પણ કર્યો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની છે.
પોલીસની કાર્યવાહી
પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે સેક્ટર 57 અને 58માં લાઠીચાર્જ કર્યો હતો. ફેઝ-2 વિસ્તારમાં પથ્થરમારો કરી રહેલા લોકોને વિખેરવા માટે આંસુ ગેસના શેલ (ધુમાડાના ગોળા)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તોફાનીઓએ અનેક સ્થળોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે.

‘ઉશ્કેરણી કરનારાઓ’ની ઓળખ શરૂ
ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે હિંસા (Violence)ભડકાવનાર તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી કે “ઉશ્કેરણી કરનારાઓ” અને “બહારના લોકો” સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
કામદારોના હકો માટે નવી માર્ગદર્શિકા
આ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં, ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમે કામદારોના હકોને મજબૂત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
નવી ગાઈડલાઈન મુજબ:
- તમામ કંપનીઓએ દર મહીનાની 10 તારીખ સુધીમાં કર્મચારીઓને પગાર ચૂકવવો ફરજિયાત રહેશે
- ઓવરટાઈમ અને બોનસની ચુકવણીમાં પારદર્શિતા લાવવી પડશે
- ફરિયાદ નિવારણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી પડશે
જિલ્લા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નિયમોના ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
