Business News: ઘરમાં પડેલા જૂના સોના(Gold)ના દાગીના વેચીને રોકડ મેળવવી કે તેને બદલે નવી જ્વેલરી ખરીદવી, એ અચાનક પૈસાની જરૂર પડે ત્યારે સૌથી સહેલો રસ્તો લાગે છે. જોકે સોનીની દુકાને જતાં પહેલાં એ જાણી લેવું જોઈએ કે જૂના સોનાનો ભાવ બજારમાં ચાલતા 22 કે 24 કેરેટના રિટેલ ભાવ પ્રમાણે મળતો નથી.
હાથમાં આવનારી રકમ સોનાની શુદ્ધતા, ચોખ્ખા વજન, જ્વેલર્સના ખરીદ ભાવ અને જુદી જુદી કપાત પર આધારિત હોય છે. ઘણા કિસ્સામાં વજન કે શુદ્ધતાનું કારણ આપીને એવી રકમો કાપી લેવાય છે, જેનું ગણિત ગ્રાહકને સમજાતું નથી. આવા નુકસાનથી બચવા જૂનું સોનું વેચતા પહેલાં આ 8 મુદ્દા અવશ્ય ચકાસો.
1. કુલ વજન અને સોના(Gold)નું ચોખ્ખું વજન અલગ નોંધાવો
જ્વેલર્સ પહેલાં આખા દાગીનાનું વજન કરે છે, જેમાં નંગ, મોતી, મીનાકારી, લાખ અને મીણનું વજન પણ ગણાઈ જાય છે. આ બધું બાદ કરો ત્યારે જ સોનાનું સાચું વજન મળે છે. ઉદાહરણ તરીકે, 20 ગ્રામના હારમાં 1.5 ગ્રામના નંગ હોય તો સોનું 18.5 ગ્રામ ગણાય. એટલે બિલમાં કુલ વજન અને નંગ-પથ્થરનું વજન જુદા જુદા લખાવવા.
2. XRF મશીનથી શુદ્ધતા ચકાસો અને રિપોર્ટ લેખિતમાં લો
22 કેરેટ સોનું સામાન્ય રીતે 91.6% અને 18 કેરેટ સોનું 75% શુદ્ધ હોય છે. દાગીનાને કોઈ નુકસાન કર્યા વિના શુદ્ધતા માપવા જ્વેલર્સ એક્સ-રે ફ્લોરોસેન્સ (XRF) મશીન વાપરે છે. જો જ્વેલર્સ હોલમાર્ક કરતાં ઓછી શુદ્ધતા દર્શાવે, તો તપાસનો રિપોર્ટ લેખિતમાં માંગવો જોઈએ.
3. 20 ગ્રામના હારની કિંમતનું ગણિત
માનો કે 22 કેરેટના 20 ગ્રામના હારમાં 1.5 ગ્રામ પથ્થર છે, તો સોનું 18.5 ગ્રામ થાય. 91.6% શુદ્ધતા પ્રમાણે તેમાંથી આશરે 16.95 ગ્રામ 24 કેરેટ સોનું ગણાય. 24 કેરેટનો ભાવ ₹13,800 પ્રતિ ગ્રામ હોય, તો કિંમત આશરે ₹2,33,855 થાય. તેમાંથી જ્વેલર્સ પોતાનું માર્જિન કે પ્રોસેસિંગ ખર્ચ બાદ કરી શકે છે.
4. રિટેલ નહીં, જૂના સોનાનો ખરીદ દર પૂછો
નવું સોનું જે ભાવે વેચાય છે, તે જ ભાવે જૂનું સોનું ખરીદાતું નથી. હેન્ડલિંગ અને રિફાઇનિંગના ખર્ચને લીધે બાય-બેક રેટ જુદો રહે છે. પ્રતિ ગ્રામ માત્ર ₹100નો તફાવત પણ 50 ગ્રામે ₹5,000નો ફરક પાડી દે છે. તેથી પૂછી લેવું કે જણાવાયેલા ભાવમાં ટેસ્ટિંગ અને રિફાઇનિંગનો ખર્ચ આવી જાય છે કે નહીં.
5. દરેક કપાતનો વિગતવાર હિસાબ માંગો
સોલ્ડરિંગ કે રિપેરિંગથી શુદ્ધતામાં નજીવો ફેર પડી શકે છે, પરંતુ કોઈ કારણ વિના એકસાથે ટકાવારી કાપી લેવામાં આવે તો સવાલ પૂછો. એક કરતાં વધુ જ્વેલર્સ પાસે ભાવ જાણતી વખતે ફક્ત પ્રતિ ગ્રામ દર નહીં, બધી કપાત પછી મળનારી કુલ રકમની સરખામણી કરો.
6. BIS હોલમાર્ક અને HUID નંબરથી ખરાઈ કરો
દાગીના પર BIS હોલમાર્ક અને 6 અંકનો HUID નંબર હોય તો ‘BIS CARE’ એપ પર શુદ્ધતા ચકાસી શકાય છે. તમારી મંજૂરી વિના દાગીના ઓગાળવા કે ઘસવા દેવા નહીં. શુદ્ધતા અંગે મતભેદ થાય તો ફી ભરીને BIS માન્ય કેન્દ્ર પર પરીક્ષણ કરાવી શકાય છે.
7. એક્સચેન્જ અને રોકડના નિયમો પહેલેથી જાણી લો
કેટલાક જ્વેલર્સ પોતાની દુકાનના જૂના દાગીનાના બદલામાં નવી જ્વેલરી લેવા પર પૂરેપૂરી 100% એક્સચેન્જ વેલ્યુ આપે છે. પરંતુ દાગીના આપીને રોકડ લેવી હોય તો 3%થી 5% સુધી રકમ કપાઈ શકે છે.
8. મેકિંગ ચાર્જ અને GST પાછા મળતા નથી, જૂનું બિલ સાચવો
દાગીના ખરીદતી વખતે ભરેલો મેકિંગ ચાર્જ અને GST જૂનું સોનું વેચતી વખતે પાછા મળતા નથી. જૂની ખરીદીનું બિલ હોય અને તેમાં નંગ-પથ્થરનું વજન અલગ દર્શાવ્યું હોય, તો મૂલ્યાંકન સમયે તે ખૂબ કામ લાગે છે.
આ પણ વાંચો: ધનતેરસ પહેલા સોનું-ચાંદી મોંઘું, 2 દિવસમાં Gold ₹7,770 અને Silver ₹14,400 વધ્યા
આ પણ વાંચો: કરવા ચોથ પર સોનાના ભાવમાં ઘટાડો, જાણો 24K, 22K અને 18K Goldના આજના નવા રેટ
આ પણ વાંચો: બે મહિનામાં ચાંદી ₹54,000 સસ્તી, સોનું પણ ₹22,000 ગગડ્યું; જાણો આજે 24 કેરેટ Gold Price
