ગણતંત્ર દિવસ/ ”કર્તવ્ય પથ”, નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખીને સૌએ રોમાંચ-હર્ષોલ્લાસથી વધાવી

ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રુફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં આકર્ષણ જન્માવ્યું.23 સાંસ્કૃતિક ઝાંખીઓ, શસ્ત્રો- સૈનિક શક્તિનું પ્રદર્શન તથા સૈનિકોના જાંબાઝ કરતબોએ લોકોના દિલ જીત્યા, જયારે નારીશક્તિને નિરૂપતી નૃત્યનાટિકા જોઈ સૌ કોઈ ભાવવિભોર થયા.

Gujarat Others
''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત''

 ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” : દેશના 74-મા ગણતંત્ર દિવસની આજે રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ”રાષ્ટ્રીય સમર સ્મારક” ખાતે વડાપ્રધાનશ્રી તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ; મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના  શાનદાર સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ” ખાતેથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી (Abdel Fattah El-Sisi)ના મુખ્ય અતિથિ પદે હાજર રહયા હતા.

રાષ્ટ્ર ગાન બાદ સેનામાં અપ્રતિમ શૌર્ય દાખવનારા વિવિધ મેડલ જીતનારા સૈનિકોએ સલામી મંચને સલામી આપ્યા બાદ, ક્રમશઃ દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક ઝાંખીઓનું આ પરેડમાં પ્રદર્શન થયું હતું. અત્રે નોંધનીય છે કે, ઇજિપ્તની સૈન્ય ટુકડીએ પણ આ પરેડમાં ભાગ ગઈ ગૌરવાન્વિત થઇ હતી.

ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.

ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદનની બાબતોને આવરી લેવામાં આવી હતી.

આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર – ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ તા.25 જાન્યુઆરીના રોજ અન્ય રાજ્યોના સાંસ્કૃતિક ઝાંખીના કલાકારો સાથે ગુજરાતના કલાકારો તથા પ્રતિનિધિઓએ વડાપ્રધાન નિવાસસ્થાને જઈ તેમની મુલાકાત લઇ પ્રોત્સાહક બળ મેળવ્યું હતું.

આજરોજ યોજાયેલી પરેડમાં ભારતીય સેનાની વિવિધ રેજીમેન્ટ તથા અત્યાધુનિક શસ્ત્ર-સરંજામનું નિદર્શન થવાની સાથે દેશની વિવિધતામાં એકતાને દર્શાવતી અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહીત કુલ 23 ઝાંખીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક ઝાંખીઓના પ્રદર્શન બાદ સેનાના જાંબાઝ સિપાઈઓ દ્વારા બુલેટ પર દર્શાવેલ વિવિધ કરતબો અને વાયુસેનાના ફાઈટર વિમાનોએ દર્શાવેલા જીવ સટોસટના એર-શૉથી  ઉપસ્થિત સૌ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. આ કાર્યક્રમના અંતે નારીશક્તિનું નિદર્શન કરતુ સંગીતમય નૃત્ય કથાનક અત્યંત પ્રભાવક રહી હતી.

બર્ફીલા પવનો અને ગાઢ ધુમ્મસ છતાં આજના રાષ્ટ્રીય દિવસે  દેશ પ્રત્યેના આદરભાવને વ્યક્ત કરવામાં દેશવાસીઓનો જુસ્સો જરાય ઓછો વર્તાયો નહોતો. વહેલી સવારથી જ દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર પહોંચવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંકીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ સુશ્રી અવંતિકાસિંઘ ઔલખ, માહિતી નિયામકશ્રી આર.કે.મહેતા, અધિક નિયામકશ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.

આ પણ વાંચો:કુનો નેશનલ પાર્કમાં 6 મહિનામાં અઢી ગણી થઈ જશે ચિત્તાની સંખ્યા, જાણો આ સારા સમાચારનું કારણ?

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું- માતા પાસેથી શીખો ટાઈમ મેનેજમેન્ટ, ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે

આ પણ વાંચો:CM યોગી સામે ખુરશી માટે મંત્રી અને પૂર્વ મંત્રી વચ્ચે ઝપાઝપી, ગણતંત્ર દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ