કર્ણાટકમાં હિજાબ પર શરૂ થયેલો વિવાદ સતત વધતો ગયો અને હવે મામલો હાઈકોર્ટમાં છે. આ મુદ્દે હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ આમને-સામને છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનને પણ મોકો મળ્યો અને તેણે તેના પર ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાનને સલાહ આપતાં ઓવૈસીએ કહ્યું કે તેણે ભારતના કોઈપણ મુદ્દામાં પગ નાખવાની કોશિશ કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે મલાલા પર હુમલો પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાનના બંધારણ મુજબ ત્યાં કોઈ બિન-મુસ્લિમ વડાપ્રધાન બની શકે નહીં. અમે પાકિસ્તાનને કહીશું કે તમે અહીં ન જુઓ, ત્યાં જ જુઓ. તમારી પાસે શું ઝઘડા છે તે જુઓ. આ દેશ મારો છે, તમારો નથી. આ અમારા ઘરની સમસ્યા છે. તમે અંદર ધુસવાનો પ્રયત્ન ના કરશો તમને ઇજા થશે.
વાસ્તવમાં કર્ણાટકની એક કોલેજમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં હિજાબ પહેરવાની છૂટ નહોતી. જેના પર યુવતીઓએ વિરોધ શરૂ કર્યો. જ્યારે મામલો વધી ગયો તો આખા કર્ણાટકમાં ફેલાઈ ગયો. આ જ વાત ઘણી કોલેજોમાં થવા લાગી અને હિન્દુ-મુસ્લિમ સંગઠનો એકબીજાની સામે આવી ગયા. હિંદુ સંગઠને વિદ્યાર્થીઓને ભગવા ગમછા પહેરવા અને ક્લાસમાં હાજરી આપવા કહ્યું, જ્યારે મુસ્લિમ છોકરીઓએ કહ્યું કે તેઓ કોલેજમાં જે પહેરે છે તે પહેરવાનો તેમનો અધિકાર છે. આ મામલો દેશભરમાં ફેલાઈ ગયો અને રાજકારણ પણ શરૂ થઈ ગયું. જ્યારે ભાજપના નેતાઓએ હિન્દુ સંગઠનોને સમર્થન આપ્યું હતું, તો કેટલાક નેતાઓ એવા હતા જેમણે મુસ્લિમ વિદ્યાર્થીનીઓના અવાજને સમર્થન આપ્યું હતું. આમાં ઓવૈસી પણ સામેલ હતા.
અસદુદ્દીન ઓવૈસીએ કર્ણાટક હિજાબ વિવાદ અંગે કહ્યું હતું કે, જે પણ કરવામાં આવી રહ્યું છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. તેમણે યુવાનોને કહ્યું કે ગમે તે થાય, તેમણે ઝૂકવું નહીં. જો તે આજે નમશે તો તે કાયમ નમશે. ઓવૈસીએ કહ્યું કે આજે તમારા માથા પર કાળા વાદળો છવાયેલા છે, પરંતુ એક દિવસ આપણો સૂર્ય પણ ઉગશે.