Dharm & Bhakti: દિવાળી (Diwali 2025)નો પંચદિવસીય તહેવાર ધનતરેસથી લઇને ભાઇબીજ (Dhanteras-Bhaibeej) સુધી હોય છે, જો કે અમુક વર્ષે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે એક ખાલી દિવસ આવે છે અને આ વર્ષે પણ દિવાળી 2025માં પણ એક પડતર દિવસ (Padtar Diwas) છે. જ્યારે પણ પડતર દિવસની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં સવાલ થાય જ છે કે, આ પડતર દિવસ આવે છે શા માટે?
ભારતના નામાંકિત જ્યોતિષીઓ (Astrologers)ના જણાવ્યા પ્રમાણે, આવું થવા પાછળનું કારણ એ છે કે, ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળા (Moon) આધારિત તિથિથી હોય થાય છે. હિંદુ તહેવારો (Hindu Festivals), જેમાં દિવાળી પણ સામેલ છે, તે ચંદ્ર તિથિઓ પર આધારિત હોય છે. જ્યારે અંગ્રેજી કેલેન્ડર સૂર્ય (Sun) આધારિત છે. તહેવારોની વચ્ચે વધારાનો દિવસ એટલે કે પડતર દિવસ અર્થાત્ એક વર્ષ પુરુ થાય અને નવ વર્ષ શરૂ થાય એની વચ્ચેનો વધારાનો દિવસ! જ્યારે બીજી તરફ આપણે રોજિંદા જીવનમાં જે મહિનાઓ અને તારીખને ફોલો કરીએ છીએ, તે અંગ્રેજી કેલેન્ડર (English Calender, ગ્રેગોરિયન કેલેન્ડર) સૂર્ય ઉદય થાય એ પ્રમાણે નિર્ધારિત કરવામાં આવે છે. સૂર્ય આધારિત અંગ્રેજી કેલેન્ડર તથા ચંદ્ર આધારિત હિંદુ પંચાગ વચ્ચે તાલમેલનું ગણિત બેસાડવા માટે પડતર દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે.

હિન્દુ પંચાંગ અને ગ્રેગોરિયન કેલેન્ડરનો સંબંધ
જ્યોતિષીઓના મત મુજબ, પડતર દિવસની પ્રથા આધુનિક ગણતરીઓને કારણે થતી હોય છે, જો કે પંચાંગ (Panchang)ની પ્રાચીન ગણતરીઓ પ્રમાણે જોવા જઇએ તો આવી કોઇ પ્રથા જણાતી નથી.
અંગ્રેજી કેલેન્ડર, જેને ગ્રેગોરિયન કેલેન્ડર પણ કહેવાય છે, તેની શરૂઆત રોમથી થઇ હતી. જ્યારે અંગ્રેજો ભારત (India) આવ્યાં ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર લઈને આવ્યાં હતાં. આ કેલેન્ડરનો સંબંધ ઈશુ ખ્રિસ્તના જન્મ સાથે છે. તેમના જન્મ પહેલાંના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવીસન કહેવાય છે જેને આજે સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ પ્રાપ્ત થયેલી છે.

પરંપરાગત રીતે, દિવાળી અશ્વિન મહિનાની અમાસ તિથિ (Amavasya Tithi)એ ઉજવવામાં આવે છે. ઘણી વખત, અમાસ રાત્રે મોડેથી શરૂ થાય છે અને બીજા દિવસ સુધી ચાલે છે. આ કારણથી, દિવાળી કયા દિવસે ઉજવવી તે અંગે મૂંઝવણ થતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે, ચંદ્રની કળાઓ 30 ભાગમાં વહેચવામાં આવી છે, પરંતુ ક્યારેક ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. જેના કારણે દર મહિને પચાંગમાં એકાદ તિથિનો ફેરફાર થતો હોય છે.
આ વર્ષે આસોમાં બે અમાસ તિથિ
આ વર્ષે દિવાળીની અમાસ તિથિ બે દિવસ સુધી ચાલનાર છે, જે એક વિચિત્ર સંયોગ છે. અમુક લોકો પહેલી અમાસના દર્શનના આધારે ઉજવણી કરે છે, જ્યારે અન્ય સ્થળોએ બીજી અમાસના દિવસે દીપોત્સવની ઉજવણી થાય છે. અનેક વખત એવું બને છે કે ધાર્મિક દ્રષ્ટિએ, દરેક જ્યોતિષી ચંદ્રની ગતિ અને તિથિની શરૂઆત અલગ રીતે જોઇ સમજીને ગણતરી કરે છે, જેના કારણે કેટલાક કેલેન્ડર દિવાળી એક દિવસ સુધી તો અન્ય બે દિવસ સુધી દિવાળી દર્શાવે છે. ભારતની સરખામણીએ વિદેશો (Foreign)માં દિવાળી એક દિવસ પહેલાં કે પછી ઉજવવામાં આવે છે. વિશ્વસનીય હિંદુ કેલેન્ડર અથવા સ્થાનિક જ્યોતિષીને અનુસરવું ઉત્તમ છે.

નૂતન વર્ષનો પ્રારંભ દેવદર્શનથી થાય
પડતર દિવસે સૂર્યોદય સમયે અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરુ નથી થઇ હોતી. આ અંગે શાસ્ત્રોક્ત મત અનુસાર, નવા વર્ષની શરૂઆત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ. આથી એક દિવસ ખાલી ગણવામાં આવે છે. આમ બે વર્ષની વચ્ચે બે માંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક પડતર દિવસ ક્યારેક આવી જાય છે.
ખાલી દિવસ આવે એમાં નક્ષત્રનું શું મહત્વ?
‘કૃતિકા’ નક્ષત્ર (Kritika Nakshatra)થી કારતક માસ, ‘મૃગશીર્ષ’થી માગશર, ‘પુષ્ય’થી પોષ, ‘મઘા’થી મહા વગેરે મહિનાની ગણતરી કરવામાં આવે છે. આ જ રીતે, ‘આસો’ માસની અમાસ બાદ, ચંદ્ર ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશ કરતો હોય છે પરંતુ, ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિભ્રમણ સમય ‘પૂર્ણ દિવસ’ ન હોવાથી, ક્યારેક તે ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી આથી કાર્તિક (Kartik) મહિનો શરુ થઇ શકતો નથી અર્થાત્ આ દિવસે તે માસની એકમ તિથિ ગણાતી નથી પણ તેના પછીના દિવસે પણ એકમ હોવાથી સૂર્યોદયની ઉદયા તિથિ પ્રમાણે નવો મહિનો શરૂ થયેલો ગણાય છે. દિવાળી એટલે કે, આસો માસની અમાસ આવે ત્યાર બાદ જ વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાતુ હોય છે પરંતુ, આની સામે નવું વર્ષ (New Year) શરૂ ન થયું હોવાથી આજના આ દિવસને ખાલી દિવસ અર્થાત્ ‘પડતર દિવસ’ રાખવાની પરંપરા શરુ થઇ છે.

પડતર દિવસ નડતર નથી
આમ, વિક્રમ સંવત 2081 અને વિક્રમ સંવત 2082 (Vikram Sanvat 2082)ની વચ્ચે રહેલી આ અમાસ તિથિને પડતર દિવસ કહેવામાં આવેલ છે. દિવાળીની ભાગોળે અને નવ વર્ષના સીમાડે ઊભેલા આ પડતર દિવસને અશુભ ગણવો નહિં. આજના દિવસે સર્વના જીવનમાં રહેલા નડતર અને વિઘ્નો દૂર થાય એ માટે, પ્રભુની આરાધના કરવાનો લાખેણો લ્હાવો લેવો એ છે ખરો ‘પડતર દિવસ’!
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
