Ahmedabad News/ પાલડીમાં ભુવાના નામે ઠગાઈ! વિધિના બહાને સોનાના દાગીના લઈ થયો રફુચક્કર

Paldi Fraud Case: અમદાવાદના પાલડીમાં MRએ ભુવો હોવાનું કહી વાસ્તુદોષના નામે વિધિ કરાવી સોનાના દાગીના લઈ લીધાનો આક્ષેપ છે. 12.42 લાખની દવાના મામલે પણ ફરિયાદ થઈ.

Gujarat Top Stories Ahmedabad
Paldi Fraud Case: ભુવો બની દાગીના પડાવ્યા, 12.42 લાખનું દેવું પણ ન ચૂકવ્યું

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં ભુવો હોવાનો દાવો કરીને મહિલાના સોનાના દાગીના પડાવી લેવાના અને દવાના વેપારમાં લાખો રૂપિયાની છેતરપિંડી (Paldi Fraud Case) કરવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાસણા પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ શાહે હર્ષ ઓઝા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ દવાની કંપનીમાં MR તરીકે કામ કરતો હોવાનું કહી પરિવાર સાથે નજીકના સંબંધો બનાવ્યા બાદ પોતે ગોગા મહારાજનો ભુવો (Fake Bhuva Fraud) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઘરમાં બીમારીનું કારણ વાસ્તુદોષ હોવાનું કહી વિધિના બહાને સોનાના દાગીના લઈ ગયાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

દવાઓ આપતાં આપતાં પરિવાર સાથે ઓળખાણ વધી

ફરિયાદ મુજબ, ખ્યાતિ શાહની વાસણામાં શ્રી પાર્શ્વ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દવાની દુકાન હતી. વર્ષ 2023 દરમિયાન હર્ષ ઓઝા તેમની દુકાને આવ્યો હતો અને પોતે દવાની કંપનીમાં MR તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. હર્ષ અવારનવાર દવાઓ આપતો હોવાથી ખ્યાતિ સાથે તેની ઓળખાણ વધી હતી. ખ્યાતિના પતિ પણ દવાનો હોલસેલ વેપાર કરતા હોવાથી હર્ષે મહેસાણા અને પાટણના મેડિકલ સ્ટોરમાં દવાઓ પહોંચાડવાના વ્યવસાયની વાત કરી હતી.

વિશ્વાસ કેળવી પરિવાર સાથે પારિવારિક સંબંધો બનાવ્યા

હર્ષની વાત પર વિશ્વાસ આવતા ખ્યાતિના પતિએ તેની સાથે વ્યવસાય શરૂ કર્યો હતો. સમય જતાં હર્ષના પરિવાર સાથે પણ ખ્યાતિના પરિવારના સંબંધો વધ્યા હતા અને હર્ષ તેમના ઘરે પણ આવતો-જતો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ખ્યાતિની દીકરી વારંવાર બીમાર રહેતી હતી. આ દરમિયાન હર્ષે તેમના ઘરમાં વાસ્તુદોષ હોવાનું કહી બીમારીનું કારણ ઘરનું વાસ્તુ હોવાનું જણાવ્યું હતું. ખ્યાતિએ આ અંગે પૂછતાં હર્ષે પોતે ગોગા મહારાજનો ભુવો હોવાનો દાવો કર્યો હતો અને વિધિ કરવાથી સમસ્યા દૂર થઈ જશે તેમ જણાવ્યું હતું.

Paldi Fraud Case: વિધિના બહાને સોનાના દાગીના લીધા

હર્ષે મેડિકલ સ્ટોરમાં વિધિ કરવાનું કહ્યું હતું. વિધિ દરમિયાન સોનાની વસ્તુઓ મુકવાનું (Gold Jewellery Fraud) કહેવામાં આવતાં ખ્યાતિએ ત્રણ-ચાર સોનાના દાગીના આપ્યા હતા. ફરિયાદ મુજબ, વિધિ પૂર્ણ થયા બાદ હર્ષ આ દાગીના પોતાની સાથે લઈ ગયો હતો. જોકે, ત્યારબાદ દાગીના પરત ન આપતાં મહિલાને શંકા ગઈ હતી.

દાગીનાના મામલાની સાથે વ્યવસાયિક લેવડદેવડમાં પણ હર્ષે મોટી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોરના બિલના આશરે રૂ.12.42 લાખ તેમજ ખ્યાતિના પતિ પાસેથી ધંધા માટે લીધેલી દવાઓના રૂપિયા પણ પરત ન આપ્યાનો આરોપ છે.

વાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી

દાગીના પરત ન મળતાં અને દવાઓના લાખો રૂપિયા પણ ચૂકવવામાં ન આવતાં અંતે ખ્યાતિ શાહે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હર્ષ ઓઝા સામે ફરિયાદ નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા આરોપીએ ખરેખર ભુવો હોવાનો દાવો કરીને વિધિના બહાને દાગીના લીધા હતા કે નહીં, દવાઓની લેવડદેવડમાં કેટલી રકમ બાકી છે અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ‘મિત્ર’ બનીને બે શખ્સોએ આચાર્યને ફસાવ્યા! ક્રેડિટ કાર્ડ-લોનના નામે લાખોની છેતરપિંડી

આ પણ વાંચો: 15 મિનિટમાં લાખોની છેતરપિંડી! કોવાયા ગામમાં મોબાઇલ હેકિંગનો ચોંકાવનારો કેસ

આ પણ વાંચો: શેર બજારમાં નફા મેળવી આપવાના નામે સુરતમાં એન્જિનિયર સાથે છેતરપિંડી, શેર ટ્રેડિંગના નામે ગઠીયાએ 13.10 લાખ પડાવ્યા