Surat News/ પલસાણામાં યુવાનની કરપીણ હત્યા પાછળ નીકળ્યું ‘લવ ટ્રાયેન્ગલ’, 3 આરોપીઓની ધરપકડ

સુરતના Palsanaમાં 26 એપ્રિલની રાત્રે થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. એક જ યુવતીના પ્રેમમાં અદાવત રાખી ૩ શખ્સોએ પ્રીતમ નામના યુવકને પતાવી દીધો હતો.

Top Stories Gujarat Surat
Surat Palsana Murder Case Solve

Surat Palsana Murder Case Solve: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે થયેલી પ્રીતમ નામના યુવકની હત્યાની મિસ્ટ્રી પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી છે. ફિલ્મી પ્લોટ જેવી લાગતી આ ઘટના પાછળ ‘પ્રેમ પ્રકરણ’ અને ‘જૂની અદાવત’ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Palsana : ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ

ઘટનાની વિગત મુજબ, 26 એપ્રિલની રાત્રે કારેલી ગામની રાહી સોસાયટી પાસે ભરાતા રવિવારી હાર્ટ બજારમાં પ્રીતમ પર ત્રણ શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પ્રીતમના છાતી અને પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધો હતો. ગંભીર ઈજાઓને કારણે પ્રીતમે દમ તોડી દીધો હતો. આ મામલે મૃતકના રૂમ પાર્ટનરે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી.

પ્રેમ પ્રકરણ નીકળ્યું કારણ

પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. જે. ઝીલેરિયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને દબોચી લીધા છે, જેમાં મુખ્ય સૂત્રધાર નીતિન કૈલાશ બિઝાગરે, આકાશ રમેશ પાથકર અને સની વિઠ્ઠલભાઈ પેંડાકરનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી નીતિન અને મૃતક પ્રીતમ બંને એક જ યુવતીને પ્રેમ કરતા હતા, જે બાબતે અગાઉ પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ જ અદાવતનો બદલો લેવા માટે નીતિને તેના મિત્રો સાથે મળીને પ્રીતમને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે લઈ જઈ ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’ કર્યું હતું. હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. હાલ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પલસાણા પોલીસે ઝડપથી ગુનો ઉકેલીને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રભાવ પાડ્યો છે.


આ પણ વાંચો: સુરતમાં ડમ્પરની ટક્કરે L&Tના યુવાન એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: સુરતમાં દેશનું પહેલું બેરિયર વગરનું ટોલ પ્લાઝા શરૂ, જાણો કેવી રીતે ઊભા રહ્યા વગર કપાશે ટોલ ટેક્સ?

આ પણ વાંચો: સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગડબડ,ઘી-આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ, મનપાની કડક કાર્યવાહી