આપણે ત્યાં રસ્તા પર રખડતા પશુઓ અને તેમા પણ ખાસ કરીને ગાયો અને આખલા મોટી સમસ્યા બની ગયા છે. આ સમસ્યા હવે જીવલેણ બની રહી છે. તે વાહનચાલકોથી લઈને રસ્તે જતા જનારાના જીવ લઈ રહી છે. પણ કોઈએ આ સમસ્યાના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો નથી. રાજ્યમાં રસ્તા પર ઢોર જોવા જાણે એકદમ સામાન્ય વાત છે. તંત્રએ રસ્તે રખડતા ઢોરોને લઈને તેના માલિકો અને પશુપાલકો સામે કોરડો વીંઝ્યો છે, પરંતુ ક્યારેય સમસ્યાના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો નથી.
જો રાજ્યમાં ગૌવંશ માટે ગોચર જમીન હોય તો તે કંઈ રસ્તા પર રખડતા જોવા ન મળે, પરંતુ જ્યારે પણ કોઈને કોઈ વાત હોય ત્યારે ગોચર જમીન પર જ દબાણ થયેલું જોવા મળે છે. આ ગોચર જમીન પરના દબાણને લઈને કોઈ કશું બોલતું પણ નથી. હજી થોડા સમય પહેલાં જ એક ભૂતપૂર્વ સાંસદે આ રીતે ગોચર જમીન પર દબાણ કરતાં કલેક્ટરે આકરા પગલાં લઈ જમીન ખાલી કરાવતા તે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે કલેક્ટર સામે મોરચે માંડી દીધો હતો. જો કે કલેક્ટરના પગલાં નિયમાનુસાર હોઈ તે કશું કરી શક્યા ન હતા.
ગૌરક્ષા મહત્વનો મુદ્દો છે તો પછી આ જ ગૌરક્ષાનો આધારસ્તંભ ગોચર જમીન છે. ગોચર જમીન જ ન હોય તો પછી ગાયો રહેશે ક્યાં, તે ચરશે ક્યાં. આ મૂળભૂત સવાલ છે. આજે રાજ્યના લગભગ અઢી હજાર જેટલા ગામડામાં ગોચર જમીન નથી. આ જમીનને હવે કયો નિશાચર ચરી ગયો તે સવાલ પૂછવા જેવો છે. આ એક કે બે ગામડાની વાત નથી, હજારો ગામડાની વાત છે. ગામડાઓમાંથી આ રીતે અગોચર થઈ રહેલી ગોચર જમીન ખરેખર મોટી ચિંતાનો વિષય છે.
ગૌરક્ષા માટે વારંવાર મેદાનમાં ઉતરતા અને ગાયોને વિધર્મીઓથી છોડાવતા ગૌરક્ષકો ક્યારેય ગોચર જમીનના મુદ્દે રસ્તા પર ઉતરતા જોવા મળ્યા નથી. તેઓ પણ ક્યારેય ગોચર જમીન બચાવવાને લઈને આંદોલન કરતાં જોવા મળ્યા નથી. આ સિવાય ક્યારેય કોઈ ગોચર જમીન માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા નથી. આમ શું તેમની ગૌરક્ષા ફક્ત ગાયોને કતલખાનેથી બચાવવા પૂરતી જ સીમિત છે, ગાયોની ગોચર જમીન બચાવવાને લઈને જાણે તેમને ન્હાવા નીચાવવાનો સંબંધ નથી. તેમની આવી સ્યુડો ગૌભક્તિ કામની શું, હવે ગોચર જમીન જ ન હોય તો પછી ગોવંશની રક્ષા કઈ રીતે થશે તે મોટો સવાલ છે.
ગુજરાતમાં 2019ના સેન્સસ મુજબ 2.68 કરોડ દૂધાળા પશુ હતા. નિયમ મુજબ દર 100 પશુ માટે 16 હેક્ટર જમીન જોઈએ. આમ રાજ્ય પાસે દૂધાળા પશુઓ માટે 42 લાખ હેક્ટર જમીન આ હિસાબથી હોવી જોઈએ. તેની સામે આજે માંડ આઠથી દસ લાખ હેક્ટર ગોચર જમીન જ વધી છે. પછી આપણે કહીએ કે ગાયો રસ્તા પર રખડે છે, પ્લાસ્ટિક ખાય છે, આખલા રસ્તા પર લોકોના જીવ લે છે, પણ જો ગોચર જમીન ન હોય તો આ જ સ્થિતિ આવવાની જ.
પશુપાલકો બિચારા વર્ષોથી તંત્ર પાસે કોતરોમાં પડેલી અને ખરાબાની પડેલી જમીનને ગોચર જમીન તરીકે આપવા માંગ કરે છે, પરંતુ તેમની માંગ તંત્રના હેરા કાને અથડાઈને પરત ફરી છે. તંત્રને તેમની વાતમાં રસ જ નથી. આ તે કેવી વિડંબના કે રાજ્યને દૂધ ઉત્પાદન તો વધારે જોઈએ છે, પરંતુ તેની સામે પશુના ચારા માટે ગોચર જમીન આપવી નથી. પછી આ પશુઓ બીજાને ચારો બનાવશે ત્યારે રાજ્ય જાગશે.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ ગોચર જમીન પર દબાણનો મુદ્દો ઊભો થાય અને હોહા થાય ત્યારે તંત્ર આદેશો છોડે છે, બધે જાણે બુલડોઝર ફરી વળ્યું હોય તેમ બતાવવામાં છે, કેટલીક દુકાનો અને કેટલાક દબાણ તોડવામાં આવે છે. થોડો સમય કાર્યવાહી ચાલે છે, પછી બધુ હતુ તેમનું તેમ થઈ જાય છે. તંત્ર કાર્યવાહી કરે ત્યારે દબાણ કરનારા તત્વો થોડા સમય માટે અદ્રશ્ય થઈ જાય છે, પરંતુ જેવી કાર્યવાહી પૂરી થાય અને વાહવાહી થઈ જાય પછી બધુ ખતમ થઈ જાય છે. રાતના અંધકારમાં નહી ધોળા દિવસે ગોચર જમીન પર દબાણ થાય છે. પણ તંત્રથી ગોચર જમીન દબાણમુક્ત થઈ શકતી નથી.
આમ એકબાજુએ રાજ્યએ પોતે સતત દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદનનો જશ લેવો છે, પરંતુ ગાય માટેની ગોચર જમીન ફાળવવી નથી. તંત્ર દૂધાળા પશુઓ જ નહી પશુપાલકો સાથે પણ ઢોર જેવો જ વ્યવહાર કરે છે. ભૂમાફિયા અને શક્તિશાળી રાજકીય આગેવાનો આગળ જાણે તંત્ર મૌન સાધીને સમાધિમાં બેસી ગયું હોય તેવી સ્થિતિ છે. આ લોકો કેટલીય જમીન ઓળવી ગયા અને કેટલી જમીન પર તેના દબાણ છે તેનો કોઈ હિસાબ નથી. તેમની સામે તંત્રની આંખ પણ ઊંચી થઈ શકતી નથી.
શહેરો વિકસતા છેડે આવેલા રબારીઓ અને ભરવાડોને તેમની વસાહત માટે નવી જમીન અપાય છે, પરંતુ તેટલી જ જમીન તેમના દૂધાળા પશુઓ કે ઢોર માટે આપવામાં આવતી નથી. દર વખતે તેમને જ મળનારી ગોચર જમીન પર કાપ આવે છે. બીજી બાજુએ પશુપાલક પાસે પશુઓની સંખ્યા સતત વધતી જાય છે. છેવટે તે રસ્તા પર જ દૂધાળા પશુઓને છોડી દેવાનું મુનાસિબ માને છે. હવે જો તંત્ર પૂરતા પ્રમાણમાં ગોચર જમીન આપે તો પછી કયો પશુપાલક તેમના ઢોરને રસ્તા પર છોડી દે. આ રીતે ગમે ત્યારે કોઈને પણ ફંગોળી દેતા ઢોરો રસ્તા પર જોવા મળે પણ નહીં. તંત્રની એક જ નિષ્કાળજી પશુપાલકો, ઢોરોથી માંડીને રસ્તા પર જનારા લોકો માટે કેટલી જીવલેણ બની રહી છે તે આનું ઉદાહરણ છે. આમ તંત્રએ દૂધ ઉત્પાદનમાં ટોચ પર હોવાના ઢંઢેરા પીટવાની સાથે-સાથે ગોચર જમીનના મુદ્દે પશુપાલકોની વિનંતીને માન આપીને જમીન ફાળવે તો પણ તે સાચી ગૌસેવા કરી કહેવાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
