સુરેન્દ્રનગર/ પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના અભિનંદન સંદેશામાં લખ્યું છે કે, હિન્દુ સમુદાયે કેનેડિયન બિઝનેસ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Gujarat
Untitled 67 પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો

કેનેડામાં હિન્દુઓની પ્રગતિ, સંગઠન ભાવનાના હેતુથી કેનેડિયન હિન્દુ ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો છે. મકરસંક્રાંતિના શુભ દિવસે, કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ના શાનદાર ઉદઘાટન સમારોહના સાક્ષી બનવા માટે 250થી વધુ વ્યક્તિઓ ઓનલાઇન જોડાયા હતા. જેમાં પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિતિ રહી હતી.

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડાની પ્રથમ સંસ્થા છે. જે હિન્દુ બિઝનેશ એન્ટરપ્રાઇઝ, યુવા વ્યાવસાયિકો અને અન્ય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે જે તેમના પોતપોતાના ક્ષેત્રોમાં ટોચ પર છે જે ક્યારેય એકીકૃત પ્રતિનિધિત્વ ન હોવા છતાં હિન્દુઓ લાંબા સમયથી કેનેડિયન અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યાં છે. કેનેડિયન હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા અને તેમને એક થવામાં મદદ કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ નરેશકુમાર ચાવડા, ઉપ પ્રમુખ અને કાર્યકારી મહાસચિવ કુશાગ્રદત્ત શર્મા સહિતના ડાયરેક્ટરો અને એડવાઇઝરી બોર્ડના સમર્થનથી કરવામાં આવ્યું હતુ. સંસ્થા પાસે પહેલેથી જ 3જી પેઢીના કેનેડિયનોથી લઇને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા અને ફિજીના રહેવાસીઓ જોડાયેલા છે.

મૂળ પાટડી તાલુકાના ખોબા જેવડા દસાડાના વતની એવા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશકુમાર ચાવડા ટોરેન્ટો, ઓન્ટારિયોમાં વરિષ્ઠ ઇમિગ્રેશન કાયદા વિશેયજ્ઞ છે. તેમણે ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સંસ્થા કેનેડામાં હિન્દુ વેપારીઓ માટે અભિવ્યક્તિ, પ્રતિનિધિત્વ અને સુધારણા કરવા તત્પર છે. નરેશકુમાર ચાવડાએ વધુમાં જણાવ્યું કે, કેનેડિયન હિન્દુઓએ કેનેડાના વિકાસ માટે દરેક ક્ષેત્રે યોગદાન આપ્યું છે. પછી એ મેડિકલ ક્ષેત્ર હોય, કૃષિનું ક્ષેત્ર હોય અને કેનેડાની બેન્કોમાં પણ ક્યાંકને ક્યાંક હિન્દુ જોવા મળે છે. કેનેડાના દરેક નાના-મોટા બિઝનેશમાં હિન્દુઓ છે. એટલે જ કેનેડિયન હિન્દુઓ એ દેશની કરોડરજ્જુ છે.

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશકુમાર ચાવડાએ જણાવ્યું કે, બધી રીતે સક્ષમ હિન્દુઓમાં એક જ વાતનો અભાવ હતો કે, હિન્દુઓનું સંગઠન નહોંતુ. કેનેડામાં વર્ષોથી વસતા હિન્દુ પરિવારો હવે એક છત્ર નીચે આવ્યા છે. એમણે આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. કારણ કે, સંસ્થાનું સ્લોગન અંગ્રેજીમાં હતુ તેનું સ્પષ્ટ સંસ્કૃત ભાષાંતર કરી આપ્યું હતુ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના અભિનંદન સંદેશામાં લખ્યું છે કે, હિન્દુ સમુદાયે કેનેડિયન બિઝનેસ લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અને મને ખાતરી છે કે, ચેમ્બર ઓફ કોમર્સ પ્રતિનિધિત્વ, વિકાસ અને સુધારણા માટે અનિવાર્ય મંચ બનશે. કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો આ ઉદઘાટન પ્રસંગ ચોક્કસપણે યાદગાર અનુભવ બની રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા યુએસએના કાયદાકીય અને શૈક્ષણિક નિષ્ણાંત પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદા હતા. જ્યારે અન્ય વિશેષ અતિથિઓમાં એમપી ચંદ્રા આર્ય, એમપી મેલિસા લેન્ટ્સમેન, એમપી દિપક આનંદ, મંત્રી નીના ટંગરી, કાઉન્સિલર દીપિકા દીમેર્લા, ટોરેન્ટોના સીજીઆઇ અપૂર્વ શ્રીવાસ્તવ અને જેફરી આર્મસ્ટ્રોંગનો સમાવેશ થાય છે. પ્રીમિયર ડગ ફોર્ડ, કેનેડિયન વિપક્ષી નેતા એરિન ઓ’ટૂલ તરફથી વિશેષ વિડીયો શુભેચ્છાઓ પ્રાપ્‍ત થઇ હતી. ભારતીય રાજદૂત અજય બિસરિયા, બ્રેમ્પટન ટ્રેડ બોર્ડના સભ્ય કંવર ધાંજલ અને ફેડરેશન ઓફ કેનેડ‍ા નેપાળ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિજય પૌડેલ, આધ્યાત્મિક વડાઓ ડો.એચ.આર.નાગેન્દ્રજી, શ્રીશ્રી રવિશંકરજી, સ્વામી ભારત ભૂષણ, ઓપી તિવારીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજી તરફથી વિશેષ અભિનંદન વિડીયો સંદેશાઓ પણ પ્રાપ્ત થયા હતા.