રાજકીય અખાડો/ પાટીદારોનું ‘પાસ’ શોધે છે, રાજકીય પક્ષનો ‘સાથ’, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદારો ક્યા પક્ષને ટેકો આપશે, તે અંગે સતત સસ્પેન્સ વધી રહ્યો છે

Mantavya Exclusive
bjp 4 પાટીદારોનું 'પાસ' શોધે છે, રાજકીય પક્ષનો 'સાથ', વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં નવી રાજકીય ધરી ઉભી થઈ રહી છે, જેમાં 15 ટકા મત ધરાવતા અને 70 જેટલી બેઠકો પર પ્રભુત્વ મેળવી શકે તે પાટીદાર સમાજ પણ ચૂંટણી સમયે ટિકિટોની માંગણી કરતો હોય છે, આ વખતે પણ પાટીદાર સમાજના આગેવાનો ટિકિટો માંગી રહ્યા છે, પણ એ પહેલા પાટીદાર સમાજમાં અલગ અલગ રાજકીય મંચ ઉભા થવા લાગ્યા છે, તે સંજોગોમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ રાજકીય પક્ષનો સાથ શોધી રહ્યું છે.

દર ચૂંટણીની જેમ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે પાટીદારો ક્યા પક્ષને ટેકો આપશે, તે અંગે સતત સસ્પેન્સ વધી રહ્યો છે. ખાસ કરીને થોડા સમય પહેલા ખોડલધામના નરેશ પટેલે રાજકીય ઇનીંગ શરુ કરવા કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા ચર્ચાઓ શરૂ કરી હતી, પણ અંતિમ ઘડીએ નરેશ પટેલે તેમનો રાજકીય નિર્ણય મુલત્વી રાખ્યો હતો. તેમ છતાં ચૂંટણી સમયે જ પાટીદાર સમાજ કોઇ મહત્વનો ધડાકો કરી શકે છે.

આ અગાઉ 2015ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોએ મહત્વની ભૂમિકા ભજવીને કોંગ્રેસને બુસ્ટર ડોઝ આપ્યો હતો તો પણ કોંગ્રેસ પાટીદારોને સાચવી શકી નહીં, પરિણામે કોંગ્રેસના અનેક પાટીદાર નેતાઓ ભાજપમાં ભળી ગયા. પણ ટોચના એક સમયે હાર્દિક પટેલને નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક વખત પુન:જીવિત થઇ રહી છે. અને પાસના આગેવાનોએ ટિકિટો માટેની માંગણી પણ શરૂ કરી દીધી છે, તે જોતા ચૂંટણી સમયે ફરી એક વખત પાટીદાર મતોનો વિવાદ સર્જી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોને 20થી 23 ટીકીટ આપવી જોઇએ તેવા પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ માંગણી કરી હતી. આ ઉપરાંત પાટીદાર સંસ્થાના આગેવાન જેરામભાઈ પટેલે પણ પાટીદારો માટે 50 બેઠકોની માંગણી કરી હતી. આ ઉપરાંત એસપીજીના વડા લાલજીભાઈ પટેલે પણ પાટીદારોના પ્રશ્નો ખાસ કરીને આંદોલનના શહીદોના પરિવાર માટે જે વાયદાઓ થયા હતા તેનું પાલન થયું નથી તેવું જણાવીને ચૂંટણી પૂર્વે પાટીદાર મતો માટે કોઇ ભૂમિકા બનાવવાની તૈયારી કરી છે, તો પાટીદાર અનામત આંદોલન સમિતિ આમ આદમી પાર્ટીની સાથે જાય તો નવાઈ નહીં. ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલની ભૂમિકા હજુ નક્કી થઇ નથી તેને પણ વિધાનસભાની ચૂંટણી લડવી છે, પાટીદારોની આ પરિસ્થિતિ વચ્ચે પાસ રાજકીય પક્ષનો સાથ શોધી રહ્યું છે.