Rajkot News : ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના લોકો સાથે હળદરની ખેતીને નામે 65 કરોડની ઠગાઈના કેસમાં GPID એકટ હેઠળ કંપનીના 3 ભાગીદારોની રેગ્યુલર અને આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી. ધર્મભકિત એગ્રો નામની કંપની પાસેથી 65 કરોડ વ્યાપારના હેતુ માટે મેળવ્યા બાદ 3 વર્ષ સુધી ખેતીલક્ષી કોઈ વ્યવહાર કર્યા વિના એ.એસ.એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા.ના 2 ભાગીદારો શંકર રાધાક્રિષ્નન નાયર અને સાયનાથ શભાજીરાવ હડોલની રેગ્યુલર જામીન અરજી તથા શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવાલની આગોતરા જામીન અરજી રાજકોટની ખાસ અદાલતના જજ જે. આર. શાહ દ્વારા રદ કરવામાં આવી છે.
આરોપીઓ તરફે દલીલો કરવામાં આવી હતી કે, GPID એકટ ફક્ત બાંધી મુદતના ડિપોઝીટરના સરક્ષણ માટે જ ઘડવામાં આવ્યો છે. હાલના કેસમાં ફરિયાદી કંપની અને આરોપીઓ વચ્ચે ધંધાકીય કરાર થયો છે અને ફરિયાદીએ ધંધાકીય રોકાણ કર્યું છે. તેથી, GPID એકટ લાગૂ કરી શકાય નહી અને તેથી આરોપીઓને જામીનમુક્ત કરવા જોઈએ, જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, આરોપીઓએ ફરિયાદી કંપની પાસેથી 65 કરોડ રૂપિયા રોકાણ પેટે મેળવ્યા છે, તે હકિકત નિર્વિવાદીત છે તેમછતાં આરોપીઓએ 65 કરોડની રકમમાંથી એક રૂપિયાનો નફો કે વળતર પણ ફરિયાદી કંપનીને ચૂકવ્યા નથી તેમજ મૂળ રોકાણમાંથી કોઈ રકમ પરત આપી નથી.
આ ઉપરાંત ખેતી કરવા માટે 3 વર્ષમાં કોઈપણ કાર્યવાહી કરી નથી તેમજ 65 કરોડની રકમમાંથી એક મોટો હિસ્સો ત્રણેય અરજદાર આરોપીઓએ પોતાની કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા છે. છેતરપીંડી અને વિશ્વાસઘાતનું આથી મોટુ કોઈ ઉદાહરણ ન હોય શકે. GPID એકટમાં ‘ડિપોઝીટર’ ની પરીભાષા આપી છે, જેમાં ફક્ત બાંધી મુદતની થાપણ નહી પરંતુ, તમામ પ્રકારના કરાર આધારીત નાણાકીય વ્યવહારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અરજદાર આરોપીઓએ ફકત ગુજરાતમાં ફરિયાદી કંપની સાથે જ નહી પરંતુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આ પ્રકારના કલંકીત વ્યવહારો કર્યા છે. અરજદાર આરોપીઓની આ વર્તણુક ધ્યાનમા લઈ અરજદારોની જામીન અરજીઓ રદ કરવી જોઈએ. સરકાર તરફે પી.પી. ની તથા મુળ ફરીયાદી તરફે વકીલની કાયદાકિય રજૂઆતો ધ્યાને લઈને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ જે. આર. શાહ એ.એસ. શાહ એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા.ના 2 પાર્ટનરો શંકર રાધાક્રિષ્નન નાયર અને સાયનાથ શભાજીરાવ હડોલની રેગ્યુલર જામીન અરજી તથા શ્રીનિવાસ તુલસીદાસની આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કેસમાં જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા, અધિક સરકારી વકીલ કે. બી. ડોડીયા અને ફરિયાદી કંપની ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. વતી વકિલ શ્યામલભાઈ એસ. સોનપાલ રોકાયેલા હતા.
આ પણ વાંચો:મેડિકલ કોલેજોમાં 1300 કરોડનું મેગા કૌભાંડ, CBIના દેશવ્યાપી દરોડા
આ પણ વાંચો:PCI અધ્યક્ષના ત્યાં CBIના દરોડા,ઝુંડાલ બંગલા સહિત દિલ્હીની ઓફિસ પર તપાસ,લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ
આ પણ વાંચો:ગુજરાત પોલીસનો વોન્ટેડ આરોપી ઉપવન પવન જૈનની CBIએ UAEથી ધરપકડ કરી
