Inflation/ મોંઘવારીના આકરાં મારથી ત્રસ્ત પ્રજાજનો..

ઉત્તરપ્રદેશ સહીત પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ત્યારથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો ના હતો,હવે પરિણામો આવી ગયા બાદ રોજેરોજ વધારો થવાનું ચાલું થઇ ગયું છે

Top Stories Mantavya Exclusive
17 9 મોંઘવારીના આકરાં મારથી ત્રસ્ત પ્રજાજનો..

@પ્રફુલ્લ ત્રિવેદી 

ઉત્તરપ્રદેશ સહીત પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ત્યારથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો ના હતો,હવે પરિણામો આવી ગયા બાદ રોજેરોજ વધારો થવાનું ચાલું થઇ ગયું છે,પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોઘું થવાનું છે,જેને પગલે તમામ ચીજ-વસ્તુઓના ભાવે વધતી ભીતિ પેદા થઇ છે.

દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે,પાછળને પાછળ CNG-PNGના ભાવમાં વધારો થવા માંડ્યો છે.ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ.ગોવા,પંજાબ,મણીપુર વગેરે રાજ્યોની ચૂંટણીના પરિણામો અવતાની સાથે જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થવાનું ચાલુ થશે તે પૂર્વઅનુમાન સાચુ પડવાની શરૂઆત થઇ ગઇ છે.હજુ પણ ભાવ વધશે તેમ જણાય છે.

બીજી તરફદૂધ,દૂધનીબનાવટો,દહીં,છાશ,પનીર,બટર,ઘી,વગેરેના ભાવમાં વધારો થયો છે.ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવા લાગ્યું છે.એક તરફ બેરોજગારી-મંદી અને બીજી તરફ મોંઘવારીનો બેવડો માર મધ્યમવર્ગ ઝીલી રહ્યો છે.

વિરોધપક્ષો કોંગ્રેસ કે આપ પ્રજાને પડતી આ સમસ્યા અંગે રોડ પર આવતા નથી કે સરઘસ-ધરણાં યોજતાં નથી.ચૂંટણી જીતવા ભર તડકે રોડ-શો  કરતા.રાજકિય પક્ષો પ્રજાના પ્રશ્ને મોં સંતાડે છે.વિપક્ષને કદાચ પોલીસ અને કેસોની બિક લાગે છે,બીજુ ખાટલે મોટી ખોટ એ છે કે તેઓ સરઘસો,ધરણાં,દેખાવો,યોજવા પ્રયત્ન કરે તો સામાન્ય લોકો તેમની સાથે જોડાતા નથી,તેના ત્રણ કારણો છે 1.લોકોને પક્ષોની દાનતમાં વિશ્વાસ નથી,2. આમાં કશું થઇ શકે તેમ નથી તેવી નિરાશા વિંટળાઇ ગઇ છે. 3.ભાજપ વિપક્ષમાં હતો ત્યારે જે હોબાળો કરીને પોતાની સાથે લોકોને આંદોલનમાં જોડતો હતો,તે કળા કે આવડત કે માર્કેટિંગ વિપક્ષમાં નથી.નાગરિકો પણ જાણે કે મોંઘવારી કોઠે પડતી જાય છે. આ બિમારી ઇલાજ રહિત છે. તેમ માનવા માંડવો છે.

નજીકના ભૂતકાળમાં ડોકિયું કરીએ તો એલ.ડી.એન્જિનિયરીંગની હોસ્ટેલના ફુડ બિલમાં વધારો થયો એટલા માત્રથી  નવનિર્માણ આંદોલન ખડું થયું હતું અને આખા ગુજરાતમાં આગ પ્રસરી હતી,ખાધતેલના ભાવમાં વધારો થાય તો અશોક ભટ્ટ ખાલી ડબ્બાઓ વગાડતા સરઘસો કાઢતા હતા,વીજળીના ભાવ વધે તો ફાનસરેલી કાઢતા હતા.2014 પહેલા મનમોહનસિંહની સરકાર હતી ત્યારે મોંઘવારી સામે સુષ્મા સ્વરાજ,સ્મૃતિ ઇરાની સહિતના આગેવાનોએ ગળામાં શાકભાજીના હારડાં પહેરી દેખાવો યોજતા હતા,રાંધણ ગેસના ખાલી બાટલા સાથે ચાર રસ્તે દેખાવો યોજતા હતા.

ભાજપ હાઇકમાન્ડે પણ ચૂંટણી પ્રચારમાં સૂત્ર આપ્યું હતું,બહુત હુઇ મહંગાઇ કી માર, અબકી બાર મોદી સરકાર,હવે ભારતીય જનતા પક્ષ સત્તાસ્થાને પહોંચી ગયા પછી મહંગાઇની મારની યાતનાઓને ભૂલી ગયો છે!ઉપરાંત બેરોજગારી પરાકાષ્ઠાએ છે,જો ઘરની મોટાભાગની વ્યક્તિઓને  કામ મળતું હોય તો આવક વધે તો મોંઘવારીની આટલી બૂમો ન પડે. આવક-જાવકના છેડાઓમાં અસમાન્ય તફાવત હોય ત્યારે જ જીવન દોહ્યલુ બની જાય છે.

સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને અનાજ આપે છે,આ બહુ જ પ્રશંસનીય બાબત છે પણ સાથે સાથે તે હાથોને કામ પણ આપવું જોઇએ,ખેતઉત્પાદન વધારીને ગ્રામીણ અર્થંતંત્રને વેગ આપવાની તાતી જરૂર છે.સરકારની ટેક્સ સહિતની જે કોઇ નીતિ હોય તેની અર્થતંત્ર પર અસર થતી હોય છે.સરકારે મુડીવાદી માનસિકતાને બાજુએ મુકી એવી સર્વગ્રહી નિતીઓને અમલી બનાવવાની જરૂર છે,જે મોંઘવારી નાથી શકે!