india news/ ‘રમઝાનના પવિત્ર મહિનામાં યુદ્ધ દુઃખદ છે…’, PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર વાતચીત

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે ટેલિફોનિક ચર્ચા. PM Modiએ રમઝાનમાં યુદ્ધ પર ખેદ વ્યક્ત કર્યો. ઈરાને બ્રિક્સ પાસે સક્રિય ભૂમિકાની માંગ કરી.

Top Stories NATIONAL India
PM Modi Iran President Call

PM Modi Iran President Call: પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) યુદ્ધની આગ વધુ ભડકી રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન વચ્ચે ગુરુવારે મોડી રાત્રે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ વાતચીત બાદ શુક્રવારે સવારે ઈરાન સરકાર તરફથી એક સત્તાવાર નિવેદન (Readout) જારી કરવામાં આવ્યું છે, જેમાં બંને નેતાઓ વચ્ચે થયેલી ચર્ચાની વિગતો આપવામાં આવી છે. ઈરાને ભારતની શાંતિપૂર્ણ નીતિના વખાણ કર્યા છે અને BRICS સંગઠન પાસે મોટી અપેક્ષા વ્યક્ત કરી છે.

PM Modi Iran President Call

PM Modiએ શું કહ્યું? ‘નવરોઝ’ શાંતિ લાવે તેવી આશા

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘મેહર’ ના રિપોર્ટ મુજબ, પીએમ નરેન્દ્ર મોદીએ રમઝાનના પવિત્ર મહિનામાં ફાટી નીકળેલા આ યુદ્ધ અંગે ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ એવી આશા વ્યક્ત કરી છે કે આગામી નવું વર્ષ (નવરોઝ) આ ક્ષેત્રમાં ફરીથી શાંતિ, સ્થિરતા અને અમન-ચૈન લઈને આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, સંઘર્ષ વધવો તે કોઈપણ પક્ષના હિતમાં નથી, તેથી ભારત કૂટનીતિના માર્ગે ચાલીને શાંતિ સ્થાપવા માટે સકારાત્મક ભૂમિકા ભજવવાના તમામ પ્રયાસો કરશે.

ઈરાને ભારતના વલણની પ્રશંસા કરી

વાતચીત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના સંતુલિત અને રચનાત્મક વલણની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ભારત સરકાર અને ત્યાંની જનતાએ ઈરાન પ્રત્યે જે સહાનુભૂતિ દાખવી છે તે સરાહનીય છે. ઈરાન હંમેશા એક સાચા મિત્ર તરીકે ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે.”

PM Modi Iran President Call

અમેરિકા-ઈઝરાયલના હુમલા પર ઈરાનનો મોટો દાવો

ઈરાનના સત્તાવાર નિવેદનમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ પેજેશ્કિયને કહ્યું કે, જ્યારે પરમાણુ મંત્રણા ચાલી રહી હતી ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો, જે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઘોર ઉલ્લંઘન છે.

ઈરાને નિવેદનમાં ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું છે કે, આ આક્રમકતાના કારણે ઈસ્લામિક ક્રાંતિના નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈ અને વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો શહીદ થયા છે. એટલું જ નહીં, મીનાબની એક પ્રાથમિક શાળાના 168 માસૂમ બાળકોએ પણ આ હુમલામાં જીવ ગુમાવ્યા છે.

BRICS અને ભારત પાસે ઈરાનની શું છે માંગ?

આ વર્ષે ભારત BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સંગઠનનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે, ત્યારે ઈરાને ભારત સમક્ષ એવી માંગ કરી છે કે આંતરરાષ્ટ્રીય મંચોએ હવે ચૂપ ન રહેવું જોઈએ. ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે અમેરિકા-ઈઝરાયલના અત્યાચાર છતાં તેઓ BRICS અને SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) દેશો સાથે સહયોગ વધારવા પ્રતિબદ્ધ છે, પરંતુ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે બ્રિક્સે શાંતિ અને સુરક્ષા માટે વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી વચ્ચે પણ ચોથી વખત મહત્વની વાતચીત થઈ છે, જેમાં ઈરાને સ્પષ્ટપણે માંગણી કરી છે કે બ્રિક્સ દેશોએ ઈરાન પર થયેલા સૈન્ય હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવી જોઈએ.


આ પણ વાંચો: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની કોમામાં? ટ્રમ્પના દાવાથી વધ્યું રહસ્ય

આ પણ વાંચો: યુદ્ધ વધુ ભયંકર બનશે? ઇરાનનો અમેરિકા-ઇઝરાયલને ખુલ્લો પડકાર

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી, ‘ઈરાની નૌકાદળનો નાશ કરીશું’, હોર્મુઝ સ્ટ્રેટ પર વધ્યો તણાવ