વાતચીત/ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું-યુદ્ધથી કોઈ ઉકેલ ન આવી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી

Top Stories India
5 5 PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું-યુદ્ધથી કોઈ ઉકેલ ન આવી શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધથી કોઈ ઉકેલ ન આવી શકે. વાતચીત દ્વારા યુદ્ધનો અંત લાવવાની જરૂર છે. પીએમઓ અનુસાર, પીએમ મોદીએ ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર ચાલવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરતાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુક્રેન સહિત પરમાણુ સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે પરમાણુ સુવિધાઓનો ખતરો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશક પરિણામો લાવી શકે છે. પીએમઓ અનુસાર, વ્લાદિમીર ઝેલેન્સકી સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિ જાળવવાના કોઈપણ પ્રકારના પ્રયાસમાં યોગદાન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં પીએમ મોદીએ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.