Valsad News: વલસાડ જિલ્લાની એક શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાં ખડભડાટ મચી ગયો છે. કપરાડાના ઓઝર ગામમાં ચાલતી સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નામની શાળાના સંચાલકો વિરુદ્ધ કપરાડાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા જ ચકચાર મચી ગઈ છે
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતાં હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઓઝર ગામમાં સિયોન સિવારતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 1 થી 8 ની અંગ્રેજી માધ્યમની શાળા ચલાવવામાં આવી રહી હતી.
સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટને સરકાર દ્વારા માત્ર ધોરણ 1 થી 8 ના વર્ગો ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગની કોઈપણ જાતની પરવાનગી વિના શાળામાં ધોરણ 9 અને 10 ના પણ વર્ગો ચાલુ કરી દીધા હતા, જેમાં પ્રત્યેક વિદ્યાર્થી પાસે થી 40 હજારથી વધુની ફી વસૂલી અને 20 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો.
જોકે ધોરણ 9 ની એક વિદ્યાર્થીનીના પિતાએ તેની પુત્રીને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવા માટે શાળા પાસેથી સર્ટિફિકેટની માંગ કરતાજ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આથી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. આથી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સામે તપાસ કરતા આક્ષેપો સાચા ઠર્યા હતા.
સરકારની કોઈપણ જાતની પરવાનગી વિના ધોરણ 9 અને 10 ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું બહાર આવતા જ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈ અને શાળાના સંચાલકો વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ શાળાના ફુલજીભાઈ બાબુભાઈ ભસરા સહિત ના સંચાલકો ને આરોપીઓ બનાવતા . હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. સીયોન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં ધોરણ 9 અને 10 માં પ્રવેશ આપવામાં આવેલો હતો તેવા વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, 3 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: વલસાડમાં 14 વર્ષીય સગીરાનો આપઘાત, અતુલ કોલોનીમાં ચકચાર
