શુભારંભ/ પશ્ચિમ કચ્છમાં વધુ એક પોલીસ મથક આવ્યું અસ્તિત્વમાં, આટલા વિસ્તારનો થશે સમાવેશ

પશ્ચિમ કચ્છમાં આવતીકાલથી માધાપર પોલીસ સ્ટેશનના સ્વરૂપમાં નવું ૨૨મું પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે. દોઢ વર્ષ અગાઉ રાજ્ય સરકારે પશ્ચિમ કચ્છમાં નવા પોલીસ મથક શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Gujarat Others
પોલીસ સ્ટેશન

પશ્ચિમ કચ્છમાં આવતીકાલથી માધાપર પોલીસ સ્ટેશન ના સ્વરૂપમાં નવું ૨૨મું પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે. દોઢ વર્ષ અગાઉ રાજ્ય સરકારે પશ્ચિમ કચ્છમાં માધાપર, કોડાય અને પ્રાગપર ખાતે નવા પોલીસ મથક શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત શનિવારથી માધાપર પોલીસ ચોકી સામે આવેલી જૂની દરબારી શાળામાં નવું પોલીસ મથક અસ્તિત્વમાં આવશે. નવા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નલિયા સીપીઆઈ યશોદાબેન એન. લેઉવાને પદભાર સોંપાયો છે.

નવા પોલીસ મથકમાં એક પીઆઈ, એક પીએસઆઈ ઉપરાંત ૪ એએસઆઈ, ૧૯ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ૩૨ કોન્સ્ટેબલ, ૧ ડ્રાઈવર મળી કુલ ૫૮ બીન હથિયારી પોલીસ કર્મચારીઓનું મહેકમ ફાળવાયું છે.

આટલા ગામ-વિસ્તારને લાગુ પડશે માધાપર પોલીસ સ્ટેશન

માધાપર પોલીસ સ્ટેશન અંતર્ગત તેના તાબામાં આવતાં વિસ્તારોની હદ નક્કી કરાઈ છે. માધાપર પોલીસ મથક અંતર્ગત માધાપર નવા વાસ બીટ, જૂના વાસ બીટ, નાગોર બીટ અને લોરિયા આઉટપોસ્ટ બીટનો સમાવેશ કરાયો છે. નવા વાસ બીટ અંતર્ગત નવા વાસ ગામની મહેસુલી હદમાં આવતી તમામ સોસાયટી, વર્ધમાન નગર દક્ષિણ અને ભુજોડીનો સમાવેશ કરાયો છે. એ જ રીતે, જૂના વાસ બીટ અંતર્ગત જૂના વાસની મહેસુલી હદમાં આવતી તમામ સોસાયટી, યક્ષમંદિર, એનઆરઆઈ નગર, વર્ધમાનનગર ઉત્તર અને ગડા ગામનો સમાવેશ કરાયો છે. નાગોર બીટ અંતર્ગત રાયધણપર, નાગોર, ત્રંબો, ગળપાદર, ત્રાયા, નાના અને મોટા વરનોરા, પુંરાસર, સરસપર, પૈયા ગામનો સમાવેશ કરાયો છે. લોરિયા આઉટપોસ્ટ બીટ અંતર્ગત લોરિયા ગામ, જતવાંઢ, ઝુરા, ઝુરા કેમ્પ, નોખાણિયા ગામ, નોખાણિયા ફાયરીંગ બટ અને બોર્ડરવિંગ કેમ્પ, હનુમાનનગર, ફુલ પાટીયું, સરસપર પાટીયું, રુદ્રમાતા ડેમની ડાબી અને જમણી બાજુનો એરીયા, સુમરાસર શેખ, ઢોરી, ધ્રંગ, નાના અને મોટા કુનરીયા, કોટાય, ફુલાય ગામોનો સમાવેશ કરાયો છે. જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું કે, ટૂંક સમયમાં કોડાય અને પ્રાગપર પોલીસ મથકનો પણ શુભારંભ કરાશે.

માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના ઉપરપંચ અરજણભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે 8 વર્ષ જૂની માંગ સંતોષાઈ  છે. લોકોને પણ હવે ભુજ સુધી લંબાવવું નહિ  પડે.