સીબીઆઈનાં ડાયરેક્ટર આલોક વર્મા પાસેથી એમનું કામ ખેંચી લેવાનાં મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે. આ પહેલાં કોર્ટમાં 29 નવેમ્બરે સુનવણી થઇ હતી જેમાં સરકારે ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાનાં નિર્ણયને યોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો અને એ દિવસે પણ એમને કોર્ટ તરફથી કોઈ રાહત મળી ન હતી.
સરકાર તરફથી કોર્ટમાં અગાઉની સુનવણીમાં એવી દલીલ રજુ કરવામાં આવી હતી કે, એમની પહેલી ચિંતા એ છે કે સીબીઆઈ પર દેશનાં લોકોનો ભરોસો કાયમ રહે. જે રીતે તપાસ એજન્સીનાં બે સીનીયર ઓફિસર એક બીજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા એનાથી લોકોમાં ખોટો સંદેશો પ્રવર્તી રહ્યો છે. એટલે સરકારે સાર્વજનિક હિત માટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે જેથી સીબીઆઈ પર લોકનો વિશ્વાસ જળવાઈ રહે.
આલોક વર્માએ એમને રજા પર મોકલી દેવાનાં નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, એસકે કોલ અને કેએમ જોસેફ એમ 3 જજની પીઠ આ મામલે સુનવણી કરી રહી છે.
સીબીઆઈ મામલે આલોક વર્માનાં કેસ સિવાય એનજીઓ કોમન કોઝની યાચિકા પર પણ સુનવણી થશે. કોમન કોઝ સંસ્થા દ્વારા સીબીઆઈ ઓફિસરો વિરુદ્ધ એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી હતી.