સાર્થકતાના પંચામૃત’ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પાંચ નવી પહેલ કરવામાં આવી. જાણીતા પત્રકાર-લેખક અને આંબેડકરવિદ્ કિશોર મકવાણા લિખિત પુસ્તકઃ ‘રાષ્ટ્રપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પંચામૃત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે BAOU દ્વારા સંચાલિત રાજ્યના દરેક પ્રાદેશિક કેન્દ્ર પર અદ્યતન કોમ્યુટર સેન્ટરનું ઇ-લોકાર્પણ, સાઇન લેંગ્વેજ વેબલિંકનું ઇ-ઉદ્ધાટન,ગાર્ગી રીસર્ચ પ્રપોઝલ અન્વયે અનુદાન પ્રદાન,રાજ્યવ્યાપી પ્રતિભાશોધ સ્પર્ધા તેજતૃષાના તેજસ્વી તારલાઓનું અભિવાદન-ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર ના વિચારો નો સંદર્ભ આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,ડૉ બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્રની હંમેશા ચિંતા કરીને એક નવું જ ચિંતન રજૂ કર્યું હતું. તેમણે રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ વ્યવહારનો અનુભવ કરી તેને અનુસરવા પ્રેરણા આપી છે. ડૉ. આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યતા સામે લડનાર એક સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા પરંતુ તેઓ એક મહાન રાષ્ટ્રનિર્માતા છે. રાષ્ટ્ર નિર્માણના દરેક કાર્ય અને વિચારમાં ‘નેશન ફર્સ્ટ’ રહ્યું છે.
સમાજમાં વ્યાપ્ત અસમાનતાઓ અને વિષમતાઓ સામે ડૉ. આંબેડકરનું જીવન-લક્ષ્ય સામાજિક ક્રાંતિ બની જતાં તેઓ વ્યક્તિ મટી સમષ્ટિ બની ગયા તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્રઢતા પૂર્ણ કહ્યુ કે , ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેરણા આપનારું છે. ડૉ. બાબાસાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે. મૂલ્યવાન વિચારોને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સાથે જોડીને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ‘સાર્થકતાના પંચામૃત’નો જે આયામ ઉપાડયો છે.
તેઓએ આંબેડકર યુનિવર્સિટીની શિક્ષણપ્રણાલીના ડિજિટલીકરણની નવતર પહેલને બિરદાવતા કહ્યું કે,આંબેડકર ઓપન યુનિવર્સિટી ઘરેબેઠાં ગંગાની અને છેક છેવાડાના વિસ્તારોને પણ જ્ઞાન સાગરમાં ડૂબકી મારવાની તક દૂરવર્તી શિક્ષણથી પાર પાડે છે. વયના બાધ વગર ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓને આગળ વધવાની સુવર્ણ તક મળે છે તો ભણતરથી વંચિત રહી ગયેલા લોકોને શિક્ષણ મેળવવા માટેનું પ્રોત્સાહન મળે તે માટેના આ પ્રયાસ શિક્ષણના સ્તરને વધારવા અને ગુણવત્તાયુકત બનાવવામાં ચોક્કસ ફાળો આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ પ્રસંગે જણાવ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષમય રહ્યું હતું તેમની વિદ્વતા ના કારણે આજે સમગ્ર રાષ્ટ્ર તેમને ઓળખે છે. આ પ્રખર કોઠાસૂઝ અને વિદ્વતાના કારણે જ બંધારણની રચનામાં તેમનો સિંહફાળો રહ્યો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર જાતિવાદમાં નહોતા માનતા, પરંતુ તેઓ સામાજિક સમરસતાના આગ્રહી હતા. આપણે પ્રસંગોપાત બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવવા માત્રથી સંતોષ ન માનીએ, પરંતુ તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવા પ્રયાસ કરીએ. હું અમારા કાર્યકરોને કહેવા માગું છું કે દલિત પરિવારના ઘરે જઈને ભોજન કરીને સોશિયલ મીડિયા પર તેને પ્રસિદ્ધ કરવાને બદલે તમારા ઘરે દલિત પરિવારને આમંત્રણ આપો. સાથે મળીને રસોઈ બનાવીને બધા સાથે જમો. વિદાય આપતી વખતે દલિત પરિવારના બાળકોને ગિફ્ટ આપો. આવા પ્રયાસોથી જ સાચી સમરસતા પુરવાર થશે અને ભાગલાવાદી રાજકારણનો અંત આવશે. દેશ જ્યારે એક થઈને આગળ વધી શકશે ત્યારે તેને કોઈ રોકી નહીં શકે. ડૉ. બાબાસાહેબ આંબેડકર પર પુસ્તક લખવા અને આગ્રહ કરીને તેમની પાસે પુસ્તક લખાવવા માટે દિલીપભાઈ દેશમુખનો ખાસ આભાર માનું છું તથા યુનિવર્સિટીને સમગ્ર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયે માનવંતા મહેમાનોને આવકારતાં જણાવ્યું કે આજે તેજતૃષા ટેલેન્ટ હંટ સુગમ્ય – 2021 અંતર્ગત સેંકડો વિદ્યાર્થીઓ ઉત્સાહભેર યુનિવર્સિટીના આંગણે આવ્યા છે, એનો અમને અનેરો આનંદ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો સમજવા કરતાં જીવવા જેવા છે. આ યુનિવર્સિટી આંબેડકરજીના વિચારોને જીવે છે તથા તેમના સપનાને સાકાર કરવા સતત મથી રહી છે. છેવાડેના દરેકને કહો કે એક યુનિવર્સિટી આપની રાહ જુએ છે.
આ પ્રસંગે આંબેડકરવિદ્ કિશોરભાઈ મકવાણાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સમરસતા માટે સતત પ્રયાસરત એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલસાહેબના હસ્તે મારા પુસ્તકનું વિમોચન થયું, એ મારા માટે સૌથી આનંદની વાત છે. બાબાસાહેબને માત્ર દલિતના નેતા ગણાવાયા છે, એને કારણે આપણે રાષ્ટ્રીયતાનું દર્શન કરાવનારા આ મહાન નેતાને ઓળખી શક્યા નથી. આજે આધુનિક સમયમાં જે વાતો અને મુદ્દા થકી વિકાસની વાત કરવામાં આવી રહી છે, તે આજથી 75-80 વર્ષ પહેલાં બાબાસાહેબ વ્યક્ત કરી ચૂક્યા હતા. જાપાનનું ઉદાહરણ આપીને તેમણે જાતિવિહીન સમાજની પ્રખર હિમાયત કરી હતી.ભારતે વિકાસની દોડમાં ટોચ પર જવું હશે તો સામાજિક એકાત્મ સાધવું પડશે. બાબાસાહેબ જે ઇચ્છતા હતા, એ રીતે દેશ આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે.
