યુપીના અખબારો કહે છે તે પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કાબૂમાં રાખવા માટેના સંપૂર્ણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા બે ગુજરાતી નેતાઓનો વ્યૂહ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨ની ચૂંટણી અંગે ભાજપમાં મહામંથન ચાલે છે. સપા-બસપા કઈ ચાલ ચાલવાની ફીરાકમાં છે તેના પાના હજી ખુલ્યા નથી. સ્થાનિક ચૂંટણીમાં અગ્રસ્થાને રહેનાર અને ભાજપને આંચકો આપનાર સમાજવાદી પાર્ટીના નેતાઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં હોવાની છાપ લોકોમાં ઉપસી છે. કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીએ પક્ષને મજબૂત બનાવવા કરેલા પ્રયાસોના કોઈ નિર્ણાયક પરિણામો હજી સુધી દેખાયા નથી. કોંગ્રેસ ઠેરના ઠેર રહેવાને બદલે તેના જનાધારનો પાયો સતત ગબડી રહ્યો છે. જાે આજ પ્રકારની સ્થિતિ ચાલુ રહી તો ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અપક્ષો કરતાં તો નીચેના સ્થાને છે જ પરંતુ હવે કેટલામાં સ્થાને ધકેલાશે તે કહેવું અઘરૂ છે. ભાજપમાં યોગી આદિત્યનાત અને વડાપ્રધાન મોદી વચ્ચે શીતયુદ્ધ ચાલુ છે. મોદીએ ઉત્તરપ્રદેશ મોકલેલા અવિનાશ શર્માને યોગીએ વિધાનસ પરિષદના સભ્ય તો બનાવ્યા પરંતુ મોદી શાહ અને ભાજપના મોવડી મંડળની ભલામણ મુજબ તેમને પ્રધાન બનાવ્યા નથી. પછી ત્રીજા નાયબ મુખ્યમમંત્રી તો તેઓ ક્યાંથી બનાવવાના હતાં ? આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશની સરકારે તાજેતરમાં જે પોસ્ટર બહાર પાડ્યા છે તેમાં યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના ભાજપ પ્રમુખ અને બે નાયબ મુખ્યપ્રધાનની તસ્વીર છે. મોદીની તસ્વીર ગાયબ છે. આ બદી બાબતથી મોદી શાહની જાેડી અકળાઈ છે પણ અત્યારે બીજું કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી તેવું રાજકીય વર્તૂળો કહી રહ્યાં છે.
આ બધા વચ્ચે દિલ્હીમાં બનેલી એક ઘટનાએ મોદી શાહની જાેડીને એક પ્રકારનો ઓક્સીજન પૂરો પાડ્યો છે તેમ ઘણા વિવેચકો કહે છે. પરંતુ હકિકતમાં આ ઓક્સિજન નથી પરંતુ યોગીની સામે પ્રહાર કરવાનું તો ઠીક પણ યોગીને માપમાં રાખી શકે તેવું એક હથિયાર મળ્યું છે. આ હથિયાર છે કોંગ્રેસના યુવા છતાં વરિષ્ઠ કહી શકાય તેવા અને ગાંધી પરિવાર સામે શીંગડા ભરાવનાર જી-૨૩ના નામે ઓળખાતી ટીમના એક સભ્ય જતીનપ્રસાદ કોંગ્રેસ સાથેના બે પેઢીના સંબંધો તોડીને અથવા તો આ પ્રકારના સંબંધો પર પૂર્ણવિરામ મૂકીને ભાજપમાં જાેડાઈ ગયા છે. દેશની મોટાભાગના અખબારોએ કોંગ્રેસને મોટો આંચકો, હાઈ વોલ્ટેજ આંચકો એવા હેડીંગો સાથે જતીન પ્રસાદની કોંગ્રેસમાંથી એક્ઝીટ અને ભાજપમં એન્ટ્રી તેવી વાતો સાથે નોંધ લીધી છે. કોંગ્રેસને તો યુ.પી.ની ચૂંટણીના દાવપેચ ગોઠવાતા હતા ત્યાં આ મોટો આંચકો લાગ્યો જ છે. પ્રિયંકા ગાંધીએ સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવીને જે રીતે યુ.પી.ની સવર્ણવોટ બેંકને કોંગ્રેસ તરફ લાવવા માટે જે પ્રયાસ શરૂ કર્યા છે તેને આંચકો લાગ્યો છે. જાે કે ઉત્તરપ્રદેશના રાજકીય વિશ્લેષકો કહે છે તે પ્રમાણે જ્યારથી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના રાજકારણમાં સક્રિય બન્યા ત્યારથી યુપીએ ટુમાં પ્રથાનપદ ભોગવી ચૂકેલા આ ભૂદેવ નેતાને કોંગ્રેસે સાવ હાંસિયામાં ધકેલી દીધા હતા. તેના પરિણામ સ્વરૂપ જતીનપ્રસાદ પહેલા કોંગ્રેસના કોપભવન સમી જી-૨૩ ટીમમાં સામેલ થયા અને હવે તેમણે કોંગ્રેસ છોડી ભગવો ખેસ પહેરી લીધો છે. જતીનપ્રસાદ મામલે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે શાબ્દિક યુદ્ધ તો શરૂ થયું જ છે. જાે કે કોંગ્રેસ તરફથી સૌથી પહેલો પ્રતિભાવ જી-૨૩ ટીમના મોભી ગણાતા વરિષ્ઠ કોંગ્રેસી પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સીબ્બલે આપ્યો છે. તેમણે કટાક્ષમાં એવું કહ્યું છે કે પ્રસાદને કેટલો પ્રસાદ પણ રાજકારણીની સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રાની ભાષામાં તેમણે ઘણું બધું કહી દીધું છે. તેમનો આડકતરો અર્થ એવો થઈ શકે છે કે કોઈ મોટી સોદાબાજી સાથે જતીનપ્રસાદ કોંગ્રેસ સાથેના પરંપરાગત સંબંધો તોડીને ભાજપમાં ગયા છે. જાે કે કોંગ્રેસી નેતાઓ આવો જ પ્રતિભાવ આપે તે સમજી શકાય તેવી વાત છે.
જતીનપ્રસાદ યુપીમાં શારજહાંપુર અને ધરોહર એમ બે બેઠક પરથી સંસદની ચૂંટણી જીત્યા છે. તો આ જ બેઠકો પરથી ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અને સપાના ટેકા છતાં ૨૦૧૭ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી હારીને હારની હેટ્રીક પણ કરી છે. છેલ્લા થોડા સમયથી જતીનપ્રસાદ બ્રહ્મસમાજના રાજકીય અને સામાજિક ઉત્કર્ષ માટે કામ કરતા હતા અને યુપીની યોગી સરકાર ઠાકુરોની સરકાર હોવાથી બ્રહ્મસમાજને અન્યાય થઈ રહ્યો હોવાની વાત પણ કરતં હતાં. તેમણે બ્રહ્મચેતના સમિતિ નામની સંસ્થાની પણ રચના કરી છે. ધીમે ધીમે તેઓ બ્રહ્મસમાજના આશાસ્પદ ચહેરા તરીકે પણ સ્થાન મેળવી રહ્યા હતાં. ભાજપને અત્યારે એવા નેતાની જરૂર હતી કે જે સપા બસપની યાદવ પછાત મુસ્લિમ મતબેંકનો સામનો કરી ભાજપ ઠાકુરો પર આધારિત પક્ષ છે તેવી છાપ જે યોગી આદિત્યનાથે ઉભી કરી છે તેને પણ તોડી શકે. ભાજપને જતિન પ્રસાદના રૂપમાં આવો એક ચહેરો મળ્યો છે. જે યોગી આદિત્યનાથ કે જેઓ હમણાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીત શાહની જાેડી સામે સીધી રીતે નહિ તો આડકતરી રીતે શીંગડા ભરાવવાની કોશીષ કરી રહ્યા છે તેને પણ અંકુશમાં રાખી શકે.
ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. લોકસભાની ૮૦ બેઠકો છે. ભાજપે મીશન ૨૦૨૨ની સાથે મીશન ૨૦૨૪ને સાથે જ લીધું છે ત્યારે જતીનપ્રસાદનો બેવડો ઉપયોગ કરવાનો વ્યૂહ ભાજપના મોવડી મંડળે બનાવ્યો જ હશે. જી-૨૩ ટીમની સાથે રહેવા સિવાય બીજાે કોઈ વિવાદ કોંગ્રેસમાં પણ જતિન પ્રસાદે ઉભો કર્યો નથી. એક જમાનામાં એટલે કે શ્રીમતી સોનિયા ગાંધીના પ્રારંભિક સમયગાળામાં જતિન પ્રસાદના પિતા જીતેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં શ્રીમતી સોનિયા ગાંધીને પણ પડકાર્યા હતા. તેના પુત્ર જતીન પ્રસાદ સમય આવ્યે યોગી આદિત્યનાથને પડકારી શકશે તેવા ગણિત સાથે તેમને યુપીમાં મજબૂત સવર્ણ-ભૂદેવ ચહેરા તરીકે ઉપસાવવા માટે ભાજપ તેને જરૂરી હોદ્દો પણ આપશે તેવી પૂરી શક્યતા છે.
યુપી ભાજપમાં ઠાકુર યાદવ રજપુત પછાત વર્ગ સાથે સંકળાયેલા ઘણા ચહેરાઓ છે પરંતુ કોઈ મજબૂત સવર્ણ ચહેરો નહોતો. હવે ભાજપ જતીનપ્રસાદને આગળ કરી પોતાની સવર્ણ મતબેંક કે જે યોગી સરકારની કેટલીક નીતિઓના કારણે વિમુખ થઈ છે તેને પરત લાવવા માટે પ્રયાસ કરશે. જાે કે તેમાં તેને કેટલી અને કેવી સફળતા મળે છે તેની પણ ૨૦૨૨માં જ ખબર પડી જશે. બાકી ઘણા કહે છે તે પ્રમાણે સચીન પાયલટ ભાજપમાં જશે તેવી વાત હતી પણ હવે પહેલા જતીને ભાજપમાં એન્ટ્રી લીધી છે. જતીનને ભાજપમાં લાવવા માટે કોંગ્રેસના જ પૂર્વ આગેવાન અને હાલ ભાજપના રાજ્યસભાના સભ્ય ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુ.પી.માં કોંગ્રેસને તો આંચકો લાગ્યો છે પણ બાજપને કેટલા ફળશે તે સમય કહેશે પણ યોગીને કાબુમાં રાખવાનું હથિયાર તો મોદી – શાહને અવશ્ય મળ્યું જ છે તેમ કહી શકાય.