ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસ કરી રહ્યા છે, ગુજરાતએ ભાજપનો ગઢ છે, જેના લીધે વડાપ્રધાન મોદીએ રાજ્યના પ્રવાસ વધારી દીધા છે. આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસના સમયગાળામાં વડાપ્રધાન વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી આ બે દિવસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અંબાજીમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની શરુઆત ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ થી થશે. રોડ શૉના રૂટ પર સુરત પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. રોડ શૉ બાદ તેઓ નિલગીરી ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભા સંબોધશે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સવારે 11 વાગ્યે 3400 કરોડ રૂ. કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ,બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી ડો.હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધી 87 હેક્ટરથી વધુ વિસ્તારમાં બનેલા જૈવવિવિધતા પાર્કનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. બાળકો માટે બનેલ, મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, પૂછપરછ-આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા-આધારિત સંશોધનો હશે.
સુરતના કાર્યક્રમો યોજી વડાપ્રધાન મોદી ભાવનગર જશે. ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી રોડ શો યોજી સભાને સંબોધશે. ત્યારબાદ ભાવગનરમાં 1,900 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. સભા માટે 8 લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી વડાપ્રધાન રોકાણ કરશે અને સાંજે અમદાવાદ જવા રવાના થશે.
અમદાવાદમાં નેશનલ ગેમ્સનો સાંજે 7 વાગ્યે દેશના સૌથી મોટા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધન કરશે.
અમદાવાદમાં એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે. જેમાં એપેરલ પાર્કથી થલતેજ સુધીનો લગભગ 32 કિમીનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને મોટેરાથી ગ્યાસપુર વચ્ચેનો ઉત્તર-દક્ષિણ કોરિડોરનો સમાવેશ થાય છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં થલતેજ-વસ્ત્રાલ રૂટમાં 17 સ્ટેશન છે. આ કોરિડોરમાં ચાર સ્ટેશનો સાથે 6.6 કિમીનો ભૂગર્ભ વિભાગ પણ છે. ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમને જોડતા 19 કિમીના ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સમગ્ર તબક્કો 1 પ્રોજેક્ટ 12,900 કરોડ રૂ.થી વધુના ખર્ચે બાંધવામાં આવ્યો છે. ભારતીય રેલવે અને બસ સિસ્ટમ એટલે કે BRTS, GSRTC અને સિટી બસ સેવા સાથે મલ્ટી મોડલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં રાણીપ, વાડજ, AEC સ્ટેશન વગેરે પર BRTS અને ગાંધીધામ, કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર ભારતીય રેલવે સાથે કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. કાલુપુર ખાતે, મેટ્રો લાઈન મુંબઈ અને અમદાવાદને જોડતી હાઈ સ્પીડ રેલ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. તેમજ રાત્રે 9 વાગ્યે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં હાજરી આપી અને રાત્રીરોકાણ રાજભવનમાં કરવામાં આવશે.
બીજા દિવસ,30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે, 30 સપ્ટેમ્બરે સવારે સવા દસ વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશને ગાંધીનગર-મુંબઇ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે.ત્યાર બાદ સાડા અગિયાર વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે. જ્યાં અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી કાલુપુર રેલવે સ્ટેશનથી દુરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે. બાદમાં બપોરે સાડા 12 વાગ્યે AEC ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન કરી ગાંધીનગર રાજભવન માટે રવાના થશે. જે પછી સાંજે પોણા પાંચ વાગ્યે બનાસકાંઠાના દાંતામાં 7,200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંજે સાત વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જ્યારે આઠ વાગ્યા આસપાસ ગબ્બર પર્વત પર આરતીમાં ભાગ લેશે. આમ બે દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી રાત્રે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે.