ફરાર/ મહારાષ્ટ્રમાં તળોજા જેલની 22 ફુટ ઉંચી દિવાલ કુદીને ભાગ્યો કેદી

ભાંડુપમાં થયેલી હત્યાના કેસમાં ૨૦૧૮થી તળોજા જેલમાં બંધ ૨૮ વર્ષનો આરોપી જેલની ૨૨ ફુટની દીવાલ કૂદીને ભાગી ગયો હતો.

Top Stories
jail મહારાષ્ટ્રમાં તળોજા જેલની 22 ફુટ ઉંચી દિવાલ કુદીને ભાગ્યો કેદી

મહારાષ્ટ્રની એક જેલમાંથી આરોપીએ અશક્ય લાગતું કામ પાર પાડ્યું  છે. જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.  ભાંડુપમાં થયેલી હત્યાના કેસમાં ૨૦૧૮થી તળોજા જેલમાં બંધ ૨૮ વર્ષનો આરોપી જેલની ૨૨ ફુટની દીવાલ કૂદીને ભાગી ગયો હતો. આરોપી વિરુદ્ધ ખારઘર પોલીસ સ્ટેશનમાં જેલ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાગી ગયેલા આરોપી સાથે અન્ય એક આરોપીએ પણ ભાગવાની કોશિશ કરી હતી. જોકે જેલના અધિકારીઓએ તેને પકડી પાડ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ એક મહિના પહેલાં જેલમાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

ભાંડુપમાં ૨૦૧૮માં થયેલી એક હત્યાના કેસના આરોપી સંજય યાદવે જેલ વિભાગના અધિકારીઓને તે બીમાર હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ બપોરે એક વાગ્યે દવા લેવાના બહાને અન્ય કેદી સાનિયો કેની સાથે જેલની હૉસ્પિટલમાં ગયો હતો. એ દરમ્યાન જેલમાં રાખેલા વૉચ ટાવરમાં અધિકારી ન હોવાથી સંજય એના પર ચડી ગયો હતો. ત્યાર બાદ તે ટાવરના બાહરના ભાગ પર પકડ મેળવી એની જ મદદથી ૨૨ ફુટની દીવાલ પર ચડ્યા બાદ ઉપરથી કૂદીને જેલમાંથી ભાગવા સફળ રહ્યો હતો.

તળોજા જેલના એક સિનિયર અધિકારીએ  કહ્યું હતું કે ‘તળોજા જેલના ઇતિહાસમાં હજી સુધી કોઈ આરોપી અહીંથી ભાગવામાં સફળ થયો નથી. એનું કારણ એ છે અહીં સર્કલમાં ૨૨ ફુટની દીવાલો બાંધવામાં આવી છે. આ ઘટના પછી અમે જેલની આસપાસ આવેલી ઝાડીઓ અને અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યો નહોતો. ત્યાર બાદ અમે આરોપી વિરુદ્ધ ખારઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિંદેએ કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી ભાંડુપ વિસ્તારમાં રહેતો હતો. અમારી ટીમે ત્યાં જઈને પણ તપાસ કરી હતી. જોકે ત્યાં આરોપી મળ્યો નહોતો. તેની વધુ તપાસ ચાલી રહી છે.’