ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને બુધવારે કોમનવેલ્થ ગેમ્સના ઉદઘાટન સમારોહ માટે ભારતીય ટુકડીનો ધ્વજ વાહક બનાવવામાં આવી છે. ગુરુવારે યોજાનાર ઓપનિંગ સેરેમનીમાં કુલ 164 ખેલાડીઓ ભાગ લેશે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ બર્મિંગહામમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર પૈકીની એક છે. તેણે ગોલ્ડ કોસ્ટ અને ગ્લાસગોમાં છેલ્લા બે તબક્કામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સિંધુ ગોલ્ડ કોસ્ટમાં 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ધ્વજવાહક હતી.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના એક અધિકારીએ જણાવ્યું કે, “સિંધુને ઓપનિંગ સેરેમની માટે ભારતીય ટીમની ધ્વજવાહક બનાવવામાં આવી છે. અગાઉ આ જવાબદારી ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને આપવામાં આવનાર હતી. જોકે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને ઈજા થઈ હતી, જે બાદ તે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા હતા. ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું, મને એ વાતનો અફસોસ છે કે હું બર્મિંગહામમાં દેશનું પ્રતિનિધિત્વ કરી શકીશ નહીં. ખાસ કરીને ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ધ્વજવાહક બનવાની તક ગુમાવવાથી હું નિરાશ છું.
ચોપરાએ કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં તમામ દેશવાસીઓ તરફથી મને જે પ્રેમ અને સન્માન મળ્યું છે તેના માટે હું તમારા બધાનો આભાર માનું છું. મને આશા છે કે તમે બધા મારી સાથે આવી જ રીતે જોડાઈને કોમનવેલ્થ ગેમ્સમાં આપણા દેશના તમામ ખેલાડીઓને સમર્થન આપતા રહેશો. જય હિન્દ.
નોંધનીય છે કે સિંધુએ આ વર્ષે બે સુપર 300 ટાઇટલ જીત્યા છે જેમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનનો સમાવેશ થાય છે. તે ટોચના ખેલાડીઓ સામે સારું પ્રદર્શન કરી શકતી નથી જે તેના માટે ચિંતાનો વિષય છે. તાજેતરમાં થાઈલેન્ડની રત્ચાનોક ઈન્થાનોન, ચીનની ચેન યુ ફેઈ અને કોરિયાની એન સે સામે હારી ગઈ હતી. જો સાતમી ક્રમાંકિત સિંધુ શરૂઆતના બે રાઉન્ડ જીતવામાં સફળ થાય છે, તો તેણીનો સામનો ત્રીજી ક્રમાંકિત એન સે યંગ સામે થઈ શકે છે, જેણે ભારત સામે 5-0નો પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે.