US Iran News: ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે એક પછી એક પાંચ જોરદાર વિસ્ફોટો (Qeshm Island Explosion)ના અવાજ સંભળાતા વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. નજીકના બંદર શહેર લેંગેહમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દરમિયાન અમેરિકન અખબાર ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’એ અમેરિકન અધિકારીઓને ટાંકીને કેશ્મ દ્વીપ પર અમેરિકાએ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, ઈરાની અહેવાલોમાં આ વિસ્ફોટો પાછળ અમેરિકા કે ઇઝરાયલનો હાથ હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, ઈરાને બે અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યાનો દાવો (Iran Drone Claim) કર્યો છે.
Qeshm Island Explosion: કેશ્મ દ્વીપ પર વિસ્ફોટથી ચર્ચા તેજ
ઈરાનના કેશ્મ દ્વીપ પર થયેલા વિસ્ફોટોને લઈને અલગ-અલગ દાવા (Iran US Conflict) સામે આવી રહ્યા છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, અમેરિકાએ આ દ્વીપને નિશાન બનાવ્યું હતું. જોકે, ઈરાન તરફથી હુમલાની જવાબદારી અમેરિકા કે ઇઝરાયલ પર મૂકવામાં આવી નથી. ઈરાને બે અમેરિકન જાસૂસી ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો પણ કર્યો છે.
કેશ્મ દ્વીપ અમેરિકાની નજરમાં કેમ છે?
આશરે 1,445 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો કેશ્મ ઈરાનનો સૌથી મોટો દ્વીપ છે. અગાઉ ફ્રી ટ્રેડ ઝોન અને પર્યટન સ્થળ તરીકે ઓળખાતો આ દ્વીપ હવે સૈન્યની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. હોર્મુઝ (Hormuz Strait)ની સામુદ્રધુનીના પ્રવેશદ્વાર નજીક આવેલો હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.
ભૂગર્ભ સૈન્ય નેટવર્ક: અહેવાલો અનુસાર, દ્વીપની અંદર સુરંગો અને મીઠાની ગુફાઓનું મોટું નેટવર્ક છે. ઈરાને અહીં દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમ અને ઝડપી હુમલો કરતી નૌકાઓ રાખી હોવાનો દાવો કરવામાં આવે છે.
દરિયાઈ માર્ગો પર વ્યૂહાત્મક પકડ: કેશ્મ દ્વીપ પર આવેલા સૈન્ય મથકોની મદદથી ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર પર અસર કરી શકે છે. આ માર્ગ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્ત્વનો છે.
તેલ અને ગેસના પુરવઠા માટે મહત્ત્વપૂર્ણ: હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના મુખ્ય તેલ અને ગેસ પરિવહન માર્ગોમાંથી એક છે. અહીં જહાજોની અવરજવર ખોરવાય તો વૈશ્વિક ઊર્જા પુરવઠા અને બજાર પર તેની અસર પડી શકે છે.

ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતીની આશા વ્યક્ત કરી
આ વિસ્ફોટોના અહેવાલો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે અમેરિકા હાલ ઈરાન પર ફરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું નથી. પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે શું અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી બાદ ઈરાન પર હુમલો કરવાની યોજના છે? તેના જવાબમાં ટ્રમ્પે ‘ના’ કહ્યું હતું.
ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતી થવાની આશા પણ વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ઈરાન સાથે મોટા યુદ્ધની આશંકા ઘટતાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ આશરે 10 ડોલરનો ઘટાડો થયો છે. તેમણે આ ઘટાડાને વિક્રમી ગણાવ્યો હતો.
ટ્રમ્પના દાવા પ્રમાણે, અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. જોકે, બંને દેશો વચ્ચે સમજૂતી અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ પણ વાંચો: ઈરાન યુરેનિયમ વિદેશ મોકલશે? હોર્મુઝ જળમાર્ગ ખોલવાની તૈયારી, ટ્રમ્પ બોલ્યા-અમને ઉતાવળ નથી
આ પણ વાંચો: ટ્રમ્પની ઈરાનને ફરી હુમલાની ધમકી! હવે સમુદ્રની અંદરની ઇન્ટરનેટ કેબલ પર ખતરો?
આ પણ વાંચો: ટ્રમ્પની ઈરાનને ફરી હુમલાની ધમકી, તેહરાનનો પલટવારઃ ઈન્ટરનેટ કેબલ કાપવાની ચેતવણી
