Junagadh News/ કાગળ પર 75 વિદ્યાર્થીઓ, શાળામાં એક પણ નહીં! મેંદરડાની આશ્રમશાળા સામે યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ

જૂનાગઢના મેંદરડાની આશ્રમશાળા (Ashramshala)માં બોગસ દસ્તાવેજો અને કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકારી ગ્રાન્ટ મેળવવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ. 

Gujarat Others Breaking News
Ashramshala

Junagadh News: જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સુરજગઢ ગામમાં આવેલી ભગવતી આદિજાતિ આશ્રમશાળા (Ashramshala)સામે બોગસ જન્મ દાખલા અને માત્ર કાગળ પર દર્શાવેલા વિદ્યાર્થીઓના નામે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ મેળવવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)એ આશ્રમશાળાની મુલાકાત બાદ શાળાની કામગીરી અને વિદ્યાર્થીઓની હાજરી અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે.

Ashramshala શાળા સામે યુવરાજ સિંહ જાડેજાના આક્ષેપ 

યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)ના જણાવ્યા મુજબ આશ્રમશાળાની મુલાકાત દરમિયાન હાજરીપત્રકમાં વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીની નોંધ જોવા મળી હતી. જોકે શિક્ષણ વિભાગની સૂચના મુજબ આ હાજરી ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી નહોતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે શાળા (Ashramshala) માં લેવાયેલી ત્રિમાસિક પરીક્ષાના પ્રશ્નપત્રો સ્થળ પર ઉપલબ્ધ નહોતા. પૂછપરછ દરમિયાન પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ ઘરે લઈ ગયા હોવાનું જણાવાયું હતું.

75 વિદ્યાર્થીઓના નામ સામે સ્થળ પર કોઈ વિદ્યાર્થી નહીં હોવાનો દાવો

યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)એ આરોપ મૂક્યો છે કે શાળાના રેકોર્ડમાં આશરે 75 વિદ્યાર્થીઓનો પ્રવેશ દર્શાવી નિભાવ ગ્રાન્ટ (Grant), રહેણાંક ગ્રાન્ટ અને માળખાકીય સુવિધાઓ માટે સરકારી ફંડ મેળવવામાં આવે છે. તેમના દાવા મુજબ સ્થળ મુલાકાત દરમિયાન એક પણ વિદ્યાર્થી હાજર મળ્યો નહોતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી અને સરકારી ફંડના ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે.

બોગસ જન્મ દાખલા અને LC બનાવ્યાનો પણ આક્ષેપ

યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)એ વધુમાં આરોપ મૂક્યો છે કે કેટલાક બાળકોના બોગસ વયપત્રક, જન્મના દાખલા અને એલસી બનાવીને તેમને શાળાના રેકોર્ડમાં વિદ્યાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે ભૂતકાળમાં શાળાની મુલાકાત લેનારા વિવિધ અધિકારીઓની વિઝિટ બુકની નોંધ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

પ્રિન્સિપાલે શું કહ્યું?

આશ્રમશાળાના પ્રિન્સિપાલ નિમિશ રાજ્યગુરુના જણાવ્યા મુજબ તેઓ વર્ષ 2017-18થી આ સંસ્થામાં કાયમી વિદ્યાસહાયક તરીકે કાર્યરત છે અને અન્ય કર્મચારીઓના અભાવે ચાર્જ સંભાળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શાળામાં ત્રણ રૂમ, એક હોલ અને એક કોઠાર છે. શાળાના રેકોર્ડમાં આશરે 65થી 75 વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે, પરંતુ સ્થળ પર વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી રહેતી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

ગ્રાન્ટની ચુકવણી ગેરરીતિની શંકાને કારણે રોકાઈ

આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ ઇન્ચાર્જ કમિશનર અજય આચાર્યના જણાવ્યા મુજબ વર્ષ 2025માં આ સંસ્થા રાજકોટ કચેરી હેઠળ આવ્યા બાદ અધિકારીઓ દ્વારા સુરજગઢ આશ્રમશાળાની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરીને મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની ગંભીર સ્થિતિ અને ગેરરીતિની શંકાને ધ્યાનમાં રાખીને રાજકોટ કચેરી હેઠળ આવ્યા બાદ આશ્રમશાળાને નિભાવ ભથ્થાની કોઈ ચુકવણી કરવામાં આવી નથી.

Junagadh જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ અંગે શું કહ્યું?

જૂનાગઢ (Junagadh) જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ આશ્રમશાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત હોવાથી તેની જાળવણી, નિભાવ અને રેકોર્ડની ચકાસણીની જવાબદારી મુખ્યત્વે સંબંધિત વિભાગની છે.

તેમણે જણાવ્યું હતું કે મુદ્દો ધ્યાનમાં આવ્યા બાદ આદિજાતિ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. શાળાની તપાસ પૂર્ણ કરીને અહેવાલ રાજ્ય કચેરીને મોકલવામાં આવ્યો છે અને રાજ્ય કક્ષાએ પણ તપાસની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જણાવાયું છે.

જવાબદાર સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ખાતરી

અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મામલે તપાસ કરીને ઉપલબ્ધ આધાર અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તપાસ દરમિયાન જે પણ તથ્યો સામે આવશે અને જે વ્યક્તિની જવાબદારી નક્કી થશે તેની સામે નિયમ મુજબ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુરજગઢ (Surajgarh)ની ભગવતી આદિજાતિ આશ્રમશાળાની માન્યતા રદ કરવા અંગેનો અંતિમ નિર્ણય ગાંધીનગર કક્ષાએ વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાયું છે.


આ પણ વાંચો: અમરેલીમાં યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું

આ પણ વાંચો:શિક્ષકોની લાંચ અંગેની ફરિયાદઃ યુવરાજસિંહ જાડેજા અને છોટાઉદેપુર નગરપ્રમુખ સામસામે

આ પણ વાંચો: યુવરાજસિંહ જાડેજાનો વધુ એક પેપેર લીકનો આક્ષેપ…, જુઓ Video