Surendranagar News: સુરેન્દ્રનગરમાં સળંગ બીજા દિવસે પેટ્રોલ પમ્પ પર લાઇનો જોવા મળી હતી. લોકો કલાકોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક પેટ્રોલ પમ્પ પર ડીઝલ ખાલી હોવાનું સામે આવ્યું છે. ડીઝલ ન મળતાં વાહનચાલકોમાં ચિંતા અને અસમંજસ છે.
પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાઇનો
પેટ્રોલ ભરાવવા માટે લોકો તેમના કામધંધા પડતા મૂકીને અને સવારને ઊંઘ પણ છોડીને વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી ગયા છે. હાઈવે પર વાહનોની કતારના લીધે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. વાહનોને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક કલાકોથી પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડ્યો છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર આવેલા પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો હોવાને લીધે અનેક પેટ્રોલ પંપ સંચાલકોએ ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી જ વેચાણ અટકાવી દીધું હતું. આ સ્થિતિના પરિણામે મોડી રાત્રે અને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પેટ્રોલ માટે એક પંપથી બીજા પંપ સુધી ભટકવાની નોબત આવી છે.
ક્યારે મળશે પેટ્રોલ? કોઈ જાણકારી નહીં
સપ્લાય ખોરવાઈ જવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કંપનીઓ તરફથી નવો જથ્થો ક્યારે આવશે તેની કોઈ સત્તાવાર જાણકારી પંપ સંચાલકો પાસે પણ નથી. આ અનિશ્ચિતતાને કારણે લોકોમાં ‘પેટ્રોલનો ભાવ વધારો’ અથવા ‘લાંબી અછત’ હોવાની અફવાઓ પણ જોર પકડી રહી છે.
