Gujarat Polls 2022/ રાહુલ ગાંધી અને કેજરીવાલ આ અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવશે, ભાજપના વર્ચસ્વને લપડાક આપવાનો પ્રયાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આ અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન રાહુલ દાહોદ અને કેજરીવાલ રાજકોટમાં જનસભાને સંબોધશે

Top Stories Gujarat
11 10 રાહુલ ગાંધી અને કેજરીવાલ આ અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવશે, ભાજપના વર્ચસ્વને લપડાક આપવાનો પ્રયાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આ અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન રાહુલ દાહોદ અને કેજરીવાલ રાજકોટમાં જનસભાને સંબોધશે. છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ધરાવતા ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. AAP ગુજરાતમાં શાસક પક્ષના મુખ્ય પડકાર તરીકે કોંગ્રેસને બદલવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધી મંગળવારે આદિવાસી બહુલ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધશે. બીજી તરફ કેજરીવાલ બુધવારે રાજકોટ શહેરમાં રેલીને સંબોધશે. 1 મેના રોજ, કેજરીવાલે ભરૂચ જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) નેતા છોટુ વસાવા સાથે સંયુક્ત રીતે આદિવાસી રેલીને સંબોધિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલે દાહોદની મુલાકાત લીધી હતી અને આદિવાસી વિસ્તાર માટે રૂ. 22,000 કરોડના વિવિધ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. કોંગ્રેસના નિવેદન મુજબ દાહોદની ઐતિહાસિક નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવશે અને કાર્યક્રમ બાદ તેઓ પાર્ટીના ધારાસભ્યોને મળશે તેમજ રાજ્યના આદિવાસી વિસ્તારોના નેતાઓ સાથે વાતચીત કરશે.

કોંગ્રેસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલીનો હેતુ આદિવાસીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં આદિવાસીઓ મુશ્કેલીમાં છે. AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે કેજરીવાલ 11 મેના રોજ રાજકોટમાં એક રેલીને સંબોધશે અને તેમની ગુજરાત મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ પછીથી જાહેર કરવામાં આવશે.