પ્રહાર/ ABG શિપયાર્ડના કૌભાંડ મામલે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

“મોદી યુગ દરમિયાન, અત્યાર સુધી 5,35,000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી થઈ છે. જનતાના પૈસાની આટલી હેરાફેરી 75 વર્ષમાં ક્યારેય થઈ નથી.

Top Stories India
5 13 ABG શિપયાર્ડના કૌભાંડ મામલે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

ABG શિપયાર્ડના 22,842 કરોડ રૂપિયાના બેંક કૌભાંડને લઈને વિપક્ષનો મોદી સરકાર પર હુમલો વધી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, “મોદી યુગ દરમિયાન, અત્યાર સુધી 5,35,000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી થઈ છે. જનતાના પૈસાની આટલી હેરાફેરી 75 વર્ષમાં ક્યારેય થઈ નથી. લૂંટ અને છેતરપિંડીના આ દિવસો માત્ર મોદીના મિત્રો માટે જ સારા દિવસો છે.

ભાજપે એબીજી બેંક ફ્રોડનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો. પાર્ટીના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે કહ્યું કે એબીજી શિપયાર્ડને લોન યુપીએ સરકારમાં આપવામાં આવી હતી જ્યારે મોદી સરકારે આ ચોરી પકડી છે. તેમણે કહ્યું કે સરકાર પર કોંગ્રેસનો હુમલો એ ચોર પોલીસને ગુના માટે જવાબદાર ઠેરવવા જેવો છે. 2014માં મોદી સરકાર આવી તે પહેલા તમામ પૈસા આપી દેવામાં આવ્યા હતા અને એનપીએ પણ મોદી સરકાર બની તે પહેલા કરવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર ‘લૂંટ એન્ડ રન’ કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ચંદીગઢમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી, વિજય માલ્યા, જતીન મહેતા, ચેતન અને નીતિન સાંડેસરા અને અન્ય ઘણા કૌભાંડીઓ બેંકોને છેતરીને દેશ છોડીને ભાગી ગયા છે. એબીજી શિપયાર્ડના સીએમડી ઋષિ કમલેશ અગ્રવાલ આ યાદીના નવા રત્ન છે.

સુરજેવાલાએ જણાવ્યું હતું કે, “એબીજી શિપયાર્ડ અને તેના પ્રમોટરો દ્વારા આચરવામાં આવેલ ભારતની સૌથી મોટી બેંક છેતરપિંડી સ્પષ્ટપણે મોદી સરકારની ટોચ પર સત્તામાં રહેલા લોકોની ભાગીદારી, સાંઠગાંઠ અને મિલિભગત દર્શાવે છે.” સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યો કે, નાદારીની પ્રક્રિયા શરૂ થયા પછી મોદી સરકારને FIR નોંધવામાં 5 વર્ષ કેમ લાગ્યા?
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં ABG શિપયાર્ડની નાદારીની પ્રક્રિયા 1 ઓગસ્ટ, 2017 ના રોજ શરૂ થઈ હતી અને કોંગ્રેસે 15 ફેબ્રુઆરી, 2018 ના રોજ કૌભાંડ વિશે ચેતવણી આપી હતી, એમ તેમણે જણાવ્યું હતું. સ્ટેટ બેંકે 8 નવેમ્બર 2019 અને 20 ઓગસ્ટ 2020ના રોજ કંપની અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તો પછી FIRને 5 વર્ષ કેમ લાગ્યા?