દેવજી ભરવાડ,મંતવ્ય ન્યુઝ@સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા, મૂળી,લીંબડી, સાયલા, ચોટીલા, થાન અને ચુડા સહિત સાત તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જિલ્લાની વીજ ચેકિંગ ટીમ અને વિજિલન્સ સ્કોર્ડ ની 104 ટીમોએ જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી.

વીજચેકિંગ ટીમે ૧૬૦૦ જેટલા ઘરોમાં અને ૨૦૦ જેટલા વાણિજ્યક વીજ કનેક્શન ચેક કર્યા હતા. વીજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન કસૂરવારો સામે રૂ. 73. 80 લાખનો દંડ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગર અને વિજિલન્સ અધિકારીઓ સાથેની ચેકિંગ ટીમોએ લીંબડી અને ચોટીલા હાઈવે ઉપર ની હોટલો અને પેટ્રોલ પંપ ઉપર પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન ત્રણ હોટલ અને એક પેટ્રોલ પંપ ઝપટે ચડી ગયા હતા.

ચેકિંગ ટીમે હોટલ અને પેટ્રોલ પંપ સામે કાર્યવાહી કરીને રૂપિયા ૧૫.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો. વીજચેકિંગ ટીમની 104 ટીમોએ સાત તાલુકા અને ગ્રામ્ય પંથકને ઘમરોળી ને ચેકિંગ ઝુંબેશ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાનાર હોવાના સંકેતો સાંપડયા છે.

