lakhimpur kheri violence/ લખીમપુર ખીરી કેસ : સંયુક્ત કિસાન મોરચા દ્વારા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન,લખનૌમાં થશે મહાપંચાયત

સંયુક્ત કિસાન મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે કે, 12 ઓક્ટોબરના રોડ દેશભરના ખેડૂતો લખીમપુર ખીરી ખાતે પહોંચશે તથા લખનૌ ખાતે મહાપંચાયત પણ કરશે તથા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન પણ કરવામાં આવશે.

Top Stories India
રેલ રોકો આંદોલન

લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ખેડૂતોના મોતનો મામલો શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. દિવસે દિવસે મામલો ગરમાતો જાય છે. ખેડૂત સંગઠનોના નેતાઓ લખીમપુર ખીરી મામલે આગળ આવ્યા છે અને તેમને પત્રકાર પરિષદ કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર અને તેમના દીકરા આશિષ મિશ્રાની ધરપકડની માંગ કરી છે. સાથે જ અજય મિશ્રાને કેબિનેટથી હટાવવા માટે માંગ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે કે, 12 ઓક્ટોબરના રોડ દેશભરના ખેડૂતો લખીમપુર ખીરી ખાતે પહોંચશે તથા લખનૌ ખાતે મહાપંચાયત પણ કરશે તથા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન પણ કરવામાં આવશે.

ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે આ મુદે કહ્યું છે કે, આ પહેલા 12 તારીખના રોજ જે ખેડૂત અને પત્રકાર શહીદ થયા છે તેમના માટે લખીમપુરના તિકોનિયા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. દેશભરના ખેડૂતો 12 ઓક્ટોબરના રોજ લખીમપુર પહોંચશે. લખીમપુરની ઘટના જલિયાવાલા બાગથી ઓછી નથી.  તેમણે કહ્યું હતું કે, દેશના દરેક નાગરિક સંગઠનોને વિનંતી છે કે, તેઓ પોતાના શહેરમાં કેન્ડલ માર્ચ કાઢે. અમે સંપૂર્ણ દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે, રાત્રે આઠ કલાકે પોતાના ઘરની બહાર મીણબત્તી પ્રગટાવે.

યાદવે વધુમાં જણાવ્યું છે કે, 12 તારીખના રોજ લખીમપુરમાં દિવંગત ખેડૂતોની અસ્થિ કળશ યાત્રા યુપીમાં નીકળશે. ખેડૂતો અસ્થિઓને લઈને અન્ય રાજ્યમાં પણ જશે અને ત્યાં પણ વિસર્જિત કરવામાં આવશે. 15 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવશે. 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને 26 ઓક્ટોબરના રોજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂત નેતા ડોક્ટર દર્શનપાલે શનિવારે કહ્યું હતું કે, આ ઘટનામાં ખેડૂત શહીદ થઇ ગયા છે અને કિસાન મોરચો અંત સુધી તેમની સાથે રહેશે અને તેમના વતી લડશે. તેમણે ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે આતંકનો માહોલ બનાવવાની કોશિશ કરી છે. લખીમપુરમાં પંજાબ ખેડૂતોને ખતરો છે.

ખેડૂત નેતાએ કહ્યું હતું કે, 25 સપ્ટેમ્બરના રોજ અજય મિશ્રાએ લખીમપુર ખીરીમાં એક ભાષણ આપ્યું હતું. અજય મિશ્રાએ ખેડૂતોને લઈને ઘણું કહ્યું હતું.  અજય મિશ્રાએ કહ્યું હતું કે, લોકોને તે યુપીથી કાઢી મુકશે પણ 3 તારીખના રોજ આ ષડયંત્રને અંજામ આપ્યો હતો. અજયના દીકરાએ થાર જીપથી ખેડૂતો પર હુમલો કર્યો હતો.

ખેડૂત નેતા જોગિન્દર ઉગ્રહાએ કહ્યું હતું કે, આપણું આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. અમને ખાલિસ્તાની કહેવામાં આવ્યું છે, આતંકવાદી કહેવામાં આવ્યું છે પરંતુ ત્રણ મહિનાથી ભાજપ સરકાર હિંસા પર ઉતરી આવી છે.