Rajkot News/ રાજકોટમાં ₹2.37 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો: 23.64 ટન બ્રાસ સ્ક્રેપ બારોબાર સગેવગે થાય તે પહેલાં 3 ઝડપાયા

રાજકોટમાં ₹2.37 કરોડની છેતરપિંડી (Rajkot Brass Scrap Fraud)ના કેસમાં ભક્તિનગર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જામનગર પહોંચાડવાનો 23.64 ટન બ્રાસ સ્ક્રેપ બારોબાર સગેવગે કરવાની કથિત યોજના હતી. પોલીસે ₹2.21 કરોડનો માલ અને ટ્રક કબજે કર્યો છે. મુખ્ય ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Rajkot Brass Scrap Fraud: ₹2.37 કરોડની છેતરપિંડીમાં 3 આરોપીની ધરપકડ

Rajkot News: રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપ (Rajkot Brass Scrap Fraud)ના મોટા જથ્થાને મૂળ સ્થળે પહોંચાડવાના બદલે બારોબાર સગેવગે કરવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. પોલીસે ₹2.37 કરોડની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમદાવાદમાં રહેતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹2.21 કરોડની કિંમતનો 23,640 કિલો એટલે કે 23.64 ટન બ્રાસ સ્ક્રેપ (Rajkot Brass Scrap Fraud) અને ટ્રક કબજે કર્યો છે. બીજી તરફ, દિલ્હીથી રાજકોટ માલ લઈને આવેલા મૂળ ટ્રકના ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિલ્હીથી રાજકોટ આવ્યો હતો બ્રાસ સ્ક્રેપનો જથ્થો

રાજકોટ એસીપી ભાવેશ જાધવના જણાવ્યા મુજબ, ઢેબર રોડ પર આવેલી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટની ઓફિસ મારફતે બ્રાસ સ્ક્રેપનો જથ્થો રાજકોટ લાવવામાં આવ્યો હતો.

31 જુલાઈ 2026ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે દિલ્હીથી RJ-52-GA-4413 નંબરના ટ્રકમાં આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ ભરી રાજકોટ તરફ રવાના કરવામાં આવ્યો હતો. ટ્રકમાં મનોહરસિંગ કરણસિંગ ડ્રાઇવર તરીકે અને પ્રતાપસિંગ ક્લીનર તરીકે હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ટ્રકમાં ભરાયેલા માલમાંથી આશરે 2 ટન માલ રાજકોટની અલગ-અલગ પાર્ટીઓ માટે હતો, જ્યારે આશરે 25 ટન બ્રાસ સ્ક્રેપ (Rajkot Brass Scrap Fraud) જામનગરની અલગ-અલગ પાર્ટીઓને પહોંચાડવાનો હતો.

 એસીપી રાજકોટ શહેર ભાવેશ જાધવ
એસીપી રાજકોટ શહેર ભાવેશ જાધવ

જામનગર પહોંચાડવાના માલને રાજકોટમાં જ રોક્યો

4 ઓગસ્ટના રોજ ટ્રક રાજકોટ પહોંચ્યો હતો. ટ્રાન્સપોર્ટ કચેરી ખાતે રાજકોટની પાર્ટીનો આશરે 2 ટન માલ ઉતારવામાં આવ્યો હતો. બાકીનો માલ જામનગર મોકલવાનો હતો.

પોલીસ ફરિયાદ મુજબ, દિવસ દરમિયાન ભારે વાહનોની શહેરમાં પ્રવેશબંધીનું કારણ દર્શાવી બાકીનો માલ રાત્રે જામનગર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ માલ જામનગર પહોંચાડવાના બદલે અન્ય ટ્રક મારફતે બારોબાર સગેવગે કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો આક્ષેપ છે.આ દરમિયાન મૂળ ટ્રક રાજકોટમાં જ રાખવામાં આવ્યો હતો અને દિલ્હીથી માલ લઈને આવેલા ડ્રાઇવર તથા ક્લીનર ફરાર થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અન્ય ટ્રકમાં માલ લઈ જતા બે શખ્સ ઝડપાયા

ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતાં બ્રાસ સ્ક્રેપનો જથ્થો અન્ય ટ્રક મારફતે લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં આ માલ મહમદ આશીફ હાસ્મી અને રિઝવાન પઠાણ નામના બે શખ્સો લઈ ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.બંને મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને હાલ અમદાવાદમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી આશરે ₹2.21 કરોડની કિંમતનો 23,640 કિલો બ્રાસ સ્ક્રેપ રિકવર કર્યો છે.

કબ્જે કરેલ ટ્રક
કબ્જે કરેલ ટ્રક

Rajkot Brass Scrap Fraud: ત્રીજા આરોપીની પણ ધરપકડ

તપાસ દરમિયાન મહમદ આશીફ હાસ્મીના ભાઈ મોહમદ શેખ ઉર્ફે ઇમરાનની પણ આ કેસમાં સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્રાસ સ્ક્રેપ (Rajkot Brass Scrap Fraud)નો આ મોટો જથ્થો બજાર કિંમત કરતાં આશરે અડધી કિંમતે બારોબાર વહેંચી દેવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, આરોપીઓ માલનો નિકાલ કરે તે પહેલાં જ પોલીસને સમગ્ર કાવતરાની જાણ થઈ જતાં માલ રિકવર કરવામાં આવ્યો હતો.

મુખ્ય ટ્રકના ચાલક-ક્લીનરની શોધખોળ

આ કેસમાં પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાની કિંમતનો બ્રાસ સ્ક્રેપ (Rajkot Brass Scrap Fraud) તથા ટ્રક કબજે કર્યો છે. બીજી તરફ, દિલ્હીથી રાજકોટ માલ લઈને આવેલા ટ્રકના ચાલક મનોહરસિંગ કરણસિંગ અને ક્લીનર પ્રતાપસિંગની શોધખોળ હજુ ચાલુ છે.પોલીસ હવે સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, માલ બારોબાર સગેવગે કરવાની યોજના કેવી રીતે ઘડાઈ અને આ કેસમાં કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:AIથી હિન્દી બોલતી આફ્રિકન યુવતીનો મોટો ખેલ! રાજકોટના ખેડૂત સાથે લાખોની છેતરપિંડી

આ પણ વાંચો:રાજકોટમાં ‘ફેસ્ટિવલ હોલીડે’ના નામે કરોડો સપનાઓ સાથે છેતરપિંડીનો ખેલ! દંપતી સામે રૂ.50 લાખથી વધુની ઠગાઈની FIR

આ પણ વાંચો:રાજકોટમાં 45.60 લાખનો સાઇબર ફ્રોડ. PGVCLના MDના નામે છેતરપિંડી