Rajkot News: એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી (Rajkot Lodhika Sangh Election)ને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણી આવતીકાલે, 8 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાવાની છે. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં સામસામે રહેલા તમામ ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી આ ચૂંટણીને ‘BJP vs BJP’ તરીકે જોવામાં આવી રહી છે.
સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 5 બેઠકો માટે 10 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સંગઠન દ્વારા પાંચ બેઠકો માટે પોતાના પસંદગીના ઉમેદવારોના નામ જાહેર કરીને તેમને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપના જ અન્ય ઉમેદવારો ચૂંટણી (Rajkot Lodhika Sangh Election) મેદાનમાં હોવાથી સહકારી સંસ્થાની આ ચૂંટણીમાં આંતરિક જૂથવાદ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
Rajkot Lodhika Sangh Election: રાદડિયા-કોરાટ જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ
રાજકોટ લોધીકા સંઘની સત્તા પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે સંગઠન સ્તરે મધ્યસ્થીના પ્રયાસો થયા હોવા છતાં આખરે પાંચ બેઠકો પર ચૂંટણી ટાળવામાં સફળતા મળી નથી. ચૂંટણીના પરિણામો બાદ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર કોનું વર્ચસ્વ રહેશે, તે દિશામાં પણ આ ચૂંટણી (Rajkot Lodhika Sangh Election) મહત્વપૂર્ણ બની છે. આથી પાંચ બેઠકોની ચૂંટણીને માત્ર ડિરેક્ટરની ચૂંટણી નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં જૂથોની શક્તિની કસોટી તરીકે પણ જોવામાં આવી રહી છે.
વિજય સખિયાએ પોલીસ પ્રોટેક્શન માગ્યું
રાજકોટ લોધીકા સહકારી ખરીદ-વેચાણ સંઘની 2026ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ભાજપ નેતા વિજય સખિયાએ પોલીસ સુરક્ષાની માગ કરી છે. વિજય સખિયાએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમાં ચૂંટણી પ્રક્રિયા કોઈપણ વિઘ્ન વિના અને પારદર્શક રીતે યોજાય તેમજ ઉમેદવાર તરીકે તેમને સુરક્ષા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પોલીસ પ્રોટેક્શનનો ખર્ચ તેઓ પોતાના સ્વખર્ચે ભોગવવા તૈયાર હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
8 સપ્ટેમ્બરે મતદાન, 9મીએ પરિણામ
ચૂંટણી (Rajkot Lodhika Sangh Election) કાર્યક્રમ મુજબ 8 સપ્ટેમ્બરે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન યોજાશે. ત્યારબાદ 9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ પરિણામ જાહેર થશે. માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી હોવાથી દરેક મત ઉમેદવારો માટે મહત્વનો બની શકે છે. બંને જૂથો માટે એક-એક મત પણ નિર્ણાયક સાબિત થવાની શક્યતા છે.
ભાજપે પાંચ ઉમેદવારો માટે વ્હિપ જાહેર કર્યો
પ્રદેશ સ્તરે સમાધાનના પ્રયાસો થયા છતાં સહમતી ન બનતા ભાજપ દ્વારા પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ પોતાના કાર્યકરો અને મતદારોને આ ઉમેદવારોને મત આપવા માટે વ્હિપ આપ્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં:
કુવાડવા જૂથ બેઠક: અરવિંદ રૈયાણી
માધાપર જૂથ બેઠક: પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા
ખોખડદડ જૂથ બેઠક: બાબુ નસીત
ત્રંબા જૂથ બેઠક: નિતીન રૈયાણી
હલેન્ડા જૂથ બેઠક: મહેશ આસોદરીયા
આ ઉમેદવારોની સામે ભાજપ સાથે સંકળાયેલા અન્ય ઉમેદવારો ચૂંટણી (Rajkot Lodhika Sangh Election) લડી રહ્યા હોવાથી પાર્ટીની અંદરની જ ટક્કર વધુ રસપ્રદ બની છે.
પાંચ બેઠકો પર કોની સામે કોણ?
ચૂંટણીમાં પાંચ બેઠકો પર નીચે મુજબ સીધી ટક્કર જોવા મળશે:
અરવિંદ રૈયાણી vs નીતિન ચોવટિયા
વિજય સખિયા vs પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા જાડેજા)
બાબુ નસીત vs હરજીભાઈ પીપડીયા
અનિરુદ્ધસિંહ જાડેજા vs નિતીન રૈયાણી
મહેશ આસોદરીયા vs ધીરુભાઈ રોકડ
આ પાંચેય બેઠકો પર બંને જૂથોના સમર્થક ઉમેદવારોને જીતાડવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો તેજ બન્યા છે. બંને પક્ષો પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
હવે પરિણામ પર સૌની નજર
રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં એક તરફ ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના જ અન્ય ઉમેદવારો પોતાની જીત માટે મેદાનમાં છે. પરિણામે આ ચૂંટણી (Rajkot Lodhika Sangh Election) રાજકોટના સહકારી રાજકારણમાં આંતરિક શક્તિપ્રદર્શનની મહત્વપૂર્ણ કસોટી બની છે. 8 સપ્ટેમ્બરના મતદાન અને 9 સપ્ટેમ્બરની મતગણતરી બાદ પાંચ બેઠકોમાં કોનો હાથ ઉપર રહેશે અને સંઘની આગામી સત્તામાં કયા જૂથનું વર્ચસ્વ રહેશે, તેના પર હવે સૌની નજર છે.
આ પણ વાંચો:રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી : જયેશ રાદડિયા-અરવિંદ રૈયાણી વચ્ચે જંગ
આ પણ વાંચો:રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે વર્તમાન ચેરમેનની પેનલ આજે ભરશે ફોર્મ
