રાજકોટ/ રાજકોટ મહાપાલિકાના રૂા.2355.78 કરોડના બજેટને બહાલી, વાહન વેરામાં નજીવો વધારો

વાઇટ ટોપીંગ ટેકનોલોજીનો રોડ બનાવવામાં આવશે. બાળકો માટે ઇન્ટર એક્ટિવ પાર્ક અને નવા ભળેલા વિસ્તારોમાં ગાર્ડની સુવિધા ઉભી કરવામાં આવશે.

Gujarat Rajkot
Untitled 29 રાજકોટ મહાપાલિકાના રૂા.2355.78 કરોડના બજેટને બહાલી, વાહન વેરામાં નજીવો વધારો

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022-23નું મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરેલા રૂા.2334.94 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂા.25.10 કરોડનો વધારો કરી રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપી હતી. કમિશનરે વાહન વેરાના દરમાં વધારો કરવા સુચવ્યો હતો. જેમાં ખડી સમિતિ દ્વારા આંશિક વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં વાહન વેરાનો દર 2.50 ટકાથી 5 ટકા સુધી રાખવાનું સુચન કરાયું હતું. દરમિયાન વિસ્તૃત અભ્યાસના અંતે સ્ટેન્ડિંગ કમિટી વાહન વેરો 1.50 ટકાથી 3 ટકા સુધી મંજૂર કરવામાં આવ્યો છે. જેનાથી વધારાથી 6 થી 7 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. બજેટમાં મોટી-મોટી જાહેરાત કરવાના બદલે શાસકો દ્વારા વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચેરમેન પુષ્કરભાઇ પટેલે પાંચમી વખત બજેટ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પછી સૌથી વધુ વખત કોર્પોરેશનનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ-2022-23ના રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત રાજકોટવાસીઓએ ભાજપ પર વિશ્ર્વાસ મૂકી તોતીંગ બહુમતી આપી હતી. નવી ચૂંટાયેલી પાંખે ગત તા.12/3/2021ના રોજ સત્તા સંભાળી હતી. દશ માસ બાદ મહાપાલિકાના આર્થિક લેખા-જોખા રજૂ કરવાનો અવસર મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત બીજી ફેબ્રુઆરીના રોજ રૂા.2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ મહાપાલિકા દ્વારા 1 થી 2 ટકા મુજબ વાહન વેરો વસૂલવામાં આવે છે. જે વધારી 2.50 ટકાથી 5 ટકા સુધી કરવાની દરખાસ્ત હતી. સ્ટેન્ડિંગ કમિટીએ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી વાહન વેરામાં આંશિક વધારો કરી શહેરીજનોને રાહત આપવામાં આવી છે.

.હાલ મહાપાલિકા દ્વારા એક લાખ સુધીના પર એક ટકા લેખે વેરો વસૂલ કરવામાં આવે છે. જે 2.50 ટકા કરવા સુચવવામાં આવ્યું હતું. દરમિયાન સ્ટેન્ડિંગે 1.50 ટકા વેરો રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 1 લાખથી લઇ આઠ લાખ સુધીના વાહનો પર 2 ટકા વેરો વસૂલવામાં આવે છે જે 2.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે આઠ લાખથી ઉપરના તમામ વાહનો પર 2.75 ટકાથી 5 ટકા સુધી વાહન વેરો વસૂલવાની દરખાસ્ત કરવામાં જેમાં 3 ટકા લેખે વાહન વેરો વસૂલવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે મેટાડોર, મીની બસ, ટ્રક, મોટી બસ પ્રકારના વાહનો પર 2 ટકા વેરો યથાવત રાખવામાં આવ્યો છે. વાહન વેરામાં આંશિક વધારાથી મહાપાલિકાને વર્ષ દહાડે વધારાની 6 થી 7 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

લોકોની સુખાકારી માટે કેટલીક સેવાઓ અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકમાં કોર્પોરેશનની આર્થિક સ્થિતિને સાપેક્ષમાં રાખી વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પ્રામાણીક કરદાતાઓ જ શહેરના વિકાસના સાચા સારથી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે સતત ત્રણ વર્ષથી નિયમિત વેરા વળતર યોજનાને લાભ લેતા કરદાતાઓને મિલકત વેરામાં વિશેષ 1 ટકો વળતર આપવામાં આવશે. જ્યારે દિવ્યાંત મિલકત ધારકોને મિલકત વેરામાં 5 ટકા વધુ વળતર આપવામાં આવશે. ટીપીના રસ્તાઓ માટે બજેટમાં 4.50 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂા.4.50 કરોડનો વધારો કર્યો છે. નવા ભળેલા વિસ્તારોમાં રસ્તા કામો માટે અલગથી 4 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હોમુ દસ્તુર રોડ પર રેલવે ટ્રેક નીચે નાલુ બનાવવા માટે 3 કરોડ ફાળવાયા .

વાઇટ ટોપીંગ ટેકનોલોજીનો રોડ બનાવવામાં આવશે. બાળકો માટે ઇન્ટર એક્ટિવ પાર્ક અને નવા ભળેલા વિસ્તારોમાં ગાર્ડની સુવિધા ઉભી કરવામાં આવશે. બાળકો માટે સ્પોર્ટ્સ ફિએસ્ટા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનો માટે આરોગ્યલક્ષી સેવા-સુવિધામાં વધારો કરવા માટે મહાપાલિકા દ્વારા એક પોર્ટેબલ એક્સરે મશીનની ખરીદી કરવામાં આવશે. જેના માટે રૂા.25 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મોબાઇલ લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવશે.