ranchi news/ ઝારખંડમાં મોટી દુર્ઘટના! રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, 2 પાઇલટ સહિત 7 લોકોના કમકમાટીભર્યા મોત

ઝારખંડના ચતરામાં 23 ફેબ્રુઆરીએ એક ચાર્ટર એર એમ્બ્યુલન્સ (Air Ambulance) ક્રેશ થઈ છે. વિમાનમાં દર્દી, ડોક્ટર અને 2 પાઇલટ સહિત 7 લોકો સવાર હતા. બચાવ કામગીરી શરૂ.

Top Stories NATIONAL India Breaking News
Air Ambulance

Ranchi Air Ambulance Crash News: ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલું એક મેડિકલ ચાર્ટર વિમાન સોમવારે રાત્રે ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ગંભીર રીતે દાઝેલા દર્દીને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ માર્ગમાં કાળનો પંજો પડ્યો હતો.

ઉડાન ભર્યાના 23 મિનિટમાં સંપર્ક તૂટ્યો

રેડબર્ડ કંપનીનું ‘બીચક્રાફ્ટ કિંગ એર B90L’ વિમાન સોમવારે સાંજે ૭:૧૧ કલાકે રાંચી એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયું હતું. જોકે, ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ સાંજે ૭:૩૪ કલાકે વિમાનનો એર કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડી જ વારમાં વિમાન ચતરાના સિમરિયાના ગાઢ જંગલોમાં તૂટી પડ્યું હતું.

Air Ambulanceમાં કોણ કોણ હતું સવાર?

દેવકમલ હોસ્પિટલ (Ranchi) ના CEO અનંત સિંહાએ જણાવ્યું કે, લાતેહાર જિલ્લાના ચંદવા ગામના રહેવાસી સંજય કુમાર (41 વર્ષ) 16 ફેબ્રુઆરીએ 65 ટકા દાઝી ગયા હતા. તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી રિફર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી અને સાંજે 4:30 વાગ્યે તેમને હોસ્પિટલથી એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ કે સારવાર મળે તે પહેલા જ સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ લોકોની યાદી

આ અકસ્માતમાં મેડિકલ ટીમ, પાઇલટ્સ અને દર્દીના પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા છે: 1. કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાઇલટ) 2. કેપ્ટન સબરાજદીપ સિંહ (કો-પાઇલટ) 3. સંજય કુમાર (દર્દી) 4. અર્ચના દેવી (દર્દીના સંબંધી) 5. ધ્રુવ કુમાર (દર્દીના સંબંધી) 6 ડો. વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) 7. સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ)

ખરાબ હવામાન બન્યું કારણ?

પ્રાથમિક અહેવાલો મુજબ, રાંચી અને તેની આસપાસના વિસ્તારોમાં ખરાબ હવામાન અને લો-વિઝિબિલિટીને કારણે પ્લેન રડાર પરથી ગાયબ થઈ ગયું હોઈ શકે છે. એરપોર્ટ ડિરેક્ટરે પુષ્ટિ કરી છે કે પ્લેને રાંચીથી ઉડાન ભરી હતી પરંતુ વારાણસી એર કંટ્રોલ સાથે તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. વિમાન ક્રેશ થવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ટેકનિકલ ખામી અથવા ખરાબ હવામાનની આશંકા સેવાઈ રહી છે.


આ પણ વાંચો : એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે ઇટાલિયન મીડિયા રિપોર્ટમાં પાયલોટ પર ગંભીર આરોપ, ફ્યુઅલ સ્વીચ મુદ્દે તપાસ તેજ

આ પણ વાંચો : અમેરિકામાં રસ્તા વચ્ચે જ પ્લેનનું ક્રેશ લેન્ડિંગ, અનેક ગાડીઓ સાથે અથડાયું

આ પણ વાંચો : વિજયપુરામાં પ્રાઈવેટ ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, એન્જિનમાં ટેક્નિકલ ખામીની આશંકા