સમસ્યા/ ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?

દેશભરમાં ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતમાતાના મંદિર પણ કાયમી રાષ્ટ્રધ્વજ લહેરાય અને આગામી પેઢીને દેશદાઝ માટેની વધુ પ્રેરણા મળે તેવી ભાવનગર પંથક વાસીઓની લાગણી અને માગણી છે.

Gujarat Mantavya Exclusive Others
ભારતમાતા

દેશદાઝ હોવી અને દેશપ્રેમ હોવાની માત્ર વાતો થવી બને બાબતો એકબીજાથી ખૂબ જ અલગ છે. આઝાદીનાં 75 વર્ષ થતાં આપણે અમૃતમહોત્સવ તો ઊજવી રહ્યા છીએ અને ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છીએ પરંતુ દેશ અને આપણા દેશની સંપતિનું રક્ષણ કરવાનું ક્યાંક ચૂકી ગયા છીએ. આઝાદીકાળથી દેશમાં સ્થાપત્યો, કલાઓ અને કેટલીક પરંપરાઓ ભારતના ગૌરવસમી રહી છે જે સમયાંતરે લુપ્ત થતી આવી છે. આઝાદીની ચળવળો માટેની બેઠકો જ્યાં ભરાઈ તેવા સ્થાપત્યો આજે ખંડેર બની ગયા છે. આ સ્થાપત્યોને આગામી પેઢી માટે ફરીથી ઉપલબ્ધ કરાવી દેશને વાત્સવમાં ગૌરવવંતો  બનાવી શકાય અને દેશ પ્રત્યેની આપણી ફરજ તેમજ સ્નેહ દાખવી શકાય.ભારતમાતાના મંદિર……

ભારતમાતા મંદિર
હજારો પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી હતી આ સ્થળ ઉપર..

ભાવનગર જિલ્લાનાં છોટેકાશી ગણાતા સિહોરથી માત્ર 15 કિલોમીટર દૂર મઢડા ગામ આવેલું છે. જ્યાં 100થી વધુ વર્ષો જૂનું  ભારતમાતાનું મંદિર આવેલું છે. આ સ્થાનનો આઝાદીમાં પણ મોટો ફાળો છે કારણકે આ જ મંદિરના પટાંગણમાં આઝાદી મેળવવા માટેની યોજનાઓ થતી. સભાઓ સંબોધાતી અને લોકોમાં દેશદાઝ જગાવવામાં આવતી હતી. કચ્છી જૈન શિવજીભાઈ દેવશીભાઈએ આ અલૌકિક અને અલભ્ય મંદિરની સ્થાપના કરી હતી જે આજે તેમની ત્રીજી ચોથી પેઢી સંભાળી રહી છે પરંતુ સરકારની મદદ વિના કશું શક્ય નથી તેમભારતમાતાના મંદિરની જાળવણી માટે સરકારી સહાય અને સરકારની મહેનત તેમજ ઈચ્છાશક્તિ આવશ્યક છે. એક સમયે આ મંદિરમાં 100 વર્ષથી જૂનાં મંદિરમાં આઝાદી પહેલા અંગ્રેજો સામે લડતની થતી તૈયારીઓ થતી હતી. મંદિરની બીજી દિશામાં તે જમાનામાં હજારો પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ ધમધમતી હતી. ભારતમાતા મંદિરનાં પરિસરમાં ધ્યાનમંદિર પણ બનાવાયું છે. જેનાં ભોંયરાની અંદર સાધકો સાધના કરતાં હતા. હાલના તબક્કે ભારતમાતાનાં મંદિર સિવાય કશું રહ્યું નથી. એ સમયગાળામાં વણાટશાળા ચાલતી હતી. તેમાં ખાસ કરીને વિધવાઓને વિશેષ સ્થાન અપાતું હતું. વિધવા મહિલાઓ માટે અત્રે 18 જેટલા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેઓ ત્યાંજ રહી શકે પણ આજે મહિલા સશક્તિકરણની મોટી મોટી વાત થાય છે પરંતુ આ સ્થાન ઉપર મહિલાઓ માટે આત્મનિર્ભર બની શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. આથી જ ગ્રામજનોમાં અને સિહોર તેમજ ભાવનગર પંથકમાં ક્યાંક મંદિર અને દેશનું ગૌરવ હણાયું હોય એવો કચવાટ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય ભાવનાથી બનેલા સ્થળે આજે માત્ર મંદિર ઊભું છે પરંતુ ત્યાં દેશનું ગૌરવ વધારી શકે તેવી પ્રવૃતિઓ બંધ થઈ ચૂકી છે.

ભારતમાતા મંદિર
વિધવા મહિલાઓ માટે અનેક સુવિધાઓથી સજ્જ હતું એ સ્થળ આજે ખંડેર બની ગયું છે .

બલુંદ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં કચ્છી જૈન શિવજી દેવશીનાં પૌત્ર જીતુભાઈ કચ્છી જૈને જણાવ્યું હતું કે મારા દાદાએ એ સમયે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતાનાં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ એક લેખક, કલાકાર,રાષ્ટ્રભક્ત હોવા ઉપરાંત આધ્યાત્મિક અંતરને સ્પષ્ટવક્તા પણ હતા. અને ગાંધીજી અહીં વારંવાર આવતા હતા. મઢડા ગામે ગાંધીજીની મુલાકાતો અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી ગ્રામજનોને એક તબક્કે એવું લાગતું હતું કે ગાંધીજી અહીં જ સાબરમતી આશ્રમ જેવો બીજો આશ્રમ બનાવશે. કચ્છી જૈન પરિવાર સાથે પણ ગાંધીજીને ઘનિષ્ઠ નાતો હતો.

ભારતમાતા મંદિર
એકસમયે ઘમઘમતું ધામ આજે ઉજ્જડ….

આઝાદીના સંઘર્ષકાળ દરમિયાન ભારતમંદિરની જાહોજલાલી અદ્દભૂત હતી. શિવજી દેવશી એક સંત પુરૂષ હતા અને તેમનાં અનુયાયીયો દેશભરમાં હતા. તેઓ મંગળબાબા તરીકે ઓળખાતા હતા અને આ સ્થળને વિકસાવવવા માટે સતત પ્રયત્નો થતાં હતા. ભાવનગર સ્ટેટ દ્વારા આ માટે જમીન 99 વર્ષનાં લીઝ પર આપવામાં આવી હતી અને આ સ્થળને વિકસાવવવા માટે કહેવાયું હતું પરંતુ દિવસો જતાં આ સ્થળ ઉજ્જડ બની રહ્યું છે. ખંડેર બનતા બચાવવા અને આ સ્થળને ફરીથી વિકસાવવા સરકાર આગળ આવે અને રાષ્ટ્રમાતાનાં મંદિરને દેશ વિદેશમાં નામના મળે એવું વિકસાવવે તેવી જ લોકલાગણી છે.

સરકાર આ સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવે : ભાવસંગભાઈ ડોડીયા (માજી સરપંચ)

ભાવસંગભાઈ ભારતમાતા મંદિર

દેશની અંદર ભારત માતાના નારા ગુંજી રહ્યા છે ત્યારે ગામવાસીઓની માંગણી એવી છે કે, જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મુકવામાં આવે અને લોકોને દર્શનનો લાભ થાય.  સરકાર આ સ્થાનને પર્યટન સ્થળ તરીકે વિકસાવે અને ભારતમાતાના મંદિરનો દેશ વિદેશમાં મહિમા થાય એવી જ અમારી માગ છે.

ભારતમાતા મંદિરમાં કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકતો રહે : જામશંગભાઈ પરમાર (અગ્રણી)

ભારતમાતા મંદિર

આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ છે. દેશભરનું સૌથી પહેલું ભારતમાતાનું મંદિર બનેલું છે. 1925માં મહાત્મા ગાંધી તથા લોકમાન્ય તિલક મોખડકાથી પગપાળા મઢડા ગામે આવેલા ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કાર્ય કરેલું. આ મંદિરની અંદર અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી તાળા ખુલ્યા નથી. આ મંદિરને ખુલ્લું કરવા ગુજરાત ભરના લોકોની માગ અને કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકતો રહે અને કાયમી ધોરણે દર્શનાર્થી મંદિરમાં દર્શન કરી શકે એવી માગણી ભાવનગર પંથકમાંથી ઊભી થઈ રહી છે.

આ પણ વાંચો : વડોદરામાંથી દેશબંધુઓ માટે મોકલાઈ રાખડી અને બેન્ડેડ : સાથે લખાયો આવો લાગણીસભર સંદેશ