શરતોને આધિન/ કોંગ્રેસમાં જોડાવા તૈયાર છું, શંકરસિંહ વાઘેલાની કમબેકની તૈયારીઓ.. પરંતુ..

જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહેશે તો તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ શકે છે જો કે વાત આટલાથી અટકતી નથી તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે

Top Stories Gujarat Others
2 34 કોંગ્રેસમાં જોડાવા તૈયાર છું, શંકરસિંહ વાઘેલાની કમબેકની તૈયારીઓ.. પરંતુ..

ગુજરાતમાં ચૂંટણીને લઇને વાતાવરણ ગરમાયુ છે. તેમાં પણ કોંગ્રેસ માટે તો વિધાનસભા ચૂંટણી જંગ ખરાખરીનો ખેલ બની ગયો છે. પાર્ટી મજબૂત થવાની જગ્યાએ એક પછી એક બધા કોંગ્રેસને અલવિદા કહી રહ્યાં છે. પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો સૂર આ બાબતે જરા જુદો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા છે અને કહ્યું છે કે જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહેશે તો તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જો કે વાત આટલાથી અટકતી નથી તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈને ગંભીર નથી 

શંકરસિંહ વાઘેલાએ રવિવારે કહ્યુ હતુ કે, ‘રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધનો માહોલ છે, પરંતુ કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈને ગંભીર નથી જોવા મળતી. રાજ્ય વિઘાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં પહેલાં તેમણે રઘુ શર્મા જેવા એક જુનિયર નેતાને પ્રદેશ પ્રભારીની જવાબદારી સોંપી છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે ગયા શુક્રવારે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યાં આગામી કેટલાંક દિવસમાં ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે.

ચૂંટણી જાહેર થયા પછી વાપસી નહીં કરું

કોંગ્રેસમાં વાપસીના સંકેત આપતા નિવેદન વિશે પૂછવા પર 82 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે, ‘મેં કહ્યુ હતુ કે જો પાર્ટી, સોનિયાજી અને રાહુલજીને રસ હોય તો પછી વાત થશે. મેં મારી ઇચ્છા પ્રમાણે હમણાં વાત કહી છે. જો તેઓ મળે છે તો વાત થશે કે તેમના મનમાં શુ ચાલે છે અને મારે શું કહેવું છે.’ શંકરસિંહે કહ્યુ હતુ કે, ‘તેમણે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા, વરિષ્ઠ નેતા ભરત સિંહ સોલંકી અને પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ સાથે વાત કરી છે. તમામને આમાં રસ છે કે તેઓ કોંગ્રેસમાં વાપસી કરે.

વધુમાં તેમણે કહ્યું કે નિર્ણય તો હાઇકમાન્ડને જ કરવાનો છે.’ મનમોહન સિંહના નેતૃત્વવાળી પહેલી સરકારમાં કાપડમંત્રી રહેલા વાઘેલાએ કહ્યુ હતુ કે, ‘જો ચૂંટણી જાહેર થઈ જાય છે તે પછી મને કહેવામાં આવશે કે કોંગ્રેસમાં આવી જાઓ તો હું નહીં આવું. કારણ કે ચૂંટણીમાં સમય લાગે છે અને જો રિઝલ્ટ જોઇતું જ હોય તો હોમવર્ક તો કરવું જ પડશે ને.

પરાણે નથી જોડાવું પાર્ટીમાં

 સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમને ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં કોંગ્રેસમાં સામેલ થવાનું કહેશે તો તેવું પૂછતા તેમણે કહ્યુ હતુ કે, ‘બિલકુલ, જો તેઓ બોલાવશે તો હું દિલ્હી જઈશ. તેમની સાથે વાત કરીશ અને નિર્ણય લઈશ.’ આ સાથે જ વાઘેલાએ કહ્યુ હતુ કે, ‘હું પરાણે કે કરગરીને કોંગ્રેસમાં જોડાવા નથી ઇચ્છતો. કારણ કે ત્યાં કશું લેવાનું તો નથી બધું આપવાનું જ છે.

ઉલ્લેખનીય છે કે ક્યારેક જનસંઘ અને ભાજપમાં રહેલા વાઘેલા 1998માં કોંગ્રેસમાં જોડાયા હતા અને જુલાઈ 2017માં પાર્ટીથી અલગ થઈ ગયા હતા. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ બનાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપની સરકાર વિરોધી માહોલ છે, પરંતુ કોંગ્રેસ ગંભીર દેખાતી નથી.

કોંગ્રેસે રસ દાખવવો પડશે

વાધેલાએ કહ્યું કોંગ્રેસ નેતૃત્વએ રસ દાખવવો પડશે. શું કોંગ્રેસમાં કોઈ મોટો નેતા નથી, જે ગુજરાતમાં બેસી જાય, કોંગ્રેસને જે લાભ મેળવવો છે તેને કોઈ પહોંચી વળતું નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ગુજરાતમાં કોઈ વરિષ્ઠ નેતાને પ્રભારી બનાવવો જોઈતો હતો. રઘુ શર્મા જુનિયર છે. એવું લાગે છે કે, કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગંભીર નથી. જો વડાપ્રધાન 10 વાર ગુજરાતની મુલાકાત લે છે તો રાહુલે કમસેકમ બે વાર તો ગુજરાત જવું જોઈએ.

શંકરસિંહે આમ આદમી પાર્ટી વિશે કહ્યુ હતુ કે, તેની અસર ગ્રાઉન્ડ લેવલ પર નહીં માત્ર પ્રચારમાં જોવા મળે છે. બધી વસ્તુઓ મફતમાં દેવાની વાત કરનારી પાર્ટીને ચૂંટણીપંચે કહી દેવું જોઈએ કે, તે તેમના વાયદાઓને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરે અને જો તે પૂરાં ના કરી શકે તો તેમની માન્યતા રદ્દ થવી જોઈએ.

ભાજપ પર આરોપ

વાધેલાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે  ભાજપા ગુજરાતમાં વધુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરી રહી છે. કારણ કે તેમની પાસે કરેલા કામો દેખાડવા માટે કંઈ જ નથી. જો તેઓ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સામેલ નહીં થાય અને તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન નહીં આપવામાં આવે તો તેઓ આ ચૂંટણીમાંથી સાઇડમાં ખસી જશે.

શંકરસિંહ વાધેલાની વાત પરથી કોંગ્રેસમાં એટલુ તો સ્પષ્ટ થઇ જ ગયું હશે કે, ગુજરાતની કમાન પકડવા અને બરોબર કસવા માટે વાધેલાએ તૈયારી બતાવી છે. હવે જોવાનું એ રહ્યું કે સોનિયા-રાહુલ આ બાબતે શું નિર્ણય લે છે.