Lifestyle/ બાળકોને તૈયાર ટોમેટો સૉસ ખવડાવવાથી નુકસાન થઇ શકે, ડૉક્ટરની ચેતવણી

બજારમાં મળતાં તૈયાર સૉસ અથવા કેચઅપમાં પ્રિઝર્વેટિવ્સના કારણે તમારા બાળકની તંદુરસ્તી લાંબા ગાળે જોખમાઇ શકે છે.

Trending Health & Fitness Lifestyle

Lifestyle: જો તમે પણ તમારા બાળકને બજારમાં મળતાં તૈયાર ટોમેટો સૉસ (Ready made Sauce) અથવા કેચઅપ (Ketchup) ખવડાવો છો તો સાવધાન થઇ જાઓ! આવી ટેવથી તમારું બાળક બીમાર થઇ શકે છે. કેમિકલયુક્ત કેચઅપ ખવડાવવાની જગ્યાએ એને ઘરે બનાવેલો કેચઅપ ખવડાવવો વધુ હિતાવહ છે.

‘આજે શાક સારું નથી લાગ્યું તો ટોમેટો સૉસ કે કેચઅપ સાથે પરોઠા ખાઇ લો’. ‘ટિફિનમાં સેન્ડવિચ અને ફ્રેન્ચ ફ્રાઇસ મૂકી છે, સાથે કેચઅપ લઇ જાઓ’…આ સંવાદો મોટાભાગના ઘરોમાં બોલાતા જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, આવું કરીને તમે બાળકોને બીમારી તરફ ધકેલી રહ્યાં છો?

આ મત અમારો નથી, બાળરોગ નિષ્ણાત તબીબ (Pediatrician)નો છે. તેમના જણાવ્યાનુસાર, બજારમાં મળતાં તૈયાર સૉસ અથવા કેચઅપમાં અત્યંત વધારે માત્રામાં પ્રિઝર્વેટિવ્સ, વધુપડતું મીઠું અને હાનિકારક કેમિકલ્સ હોય છે. આ બધાને કારણે, તમારા બાળકની તંદુરસ્તી લાંબા ગાળે જોખમાઇ શકે છે.

ડૉક્ટરના જણાવ્યાનુસાર, બજારમાં તૈયાર મળતા સૉસ અથવા કેચઅપમાં ઘણી વધારે માત્રામાં પ્રિઝર્વેટિવ્સ (Preservatives) હોય છે. એમની શેલ્ફ લાઇફને 2 થી 3 વર્ષ સુધી લંબાવવા માટે આમ કરવામાં આવે છે. વળી, એમાં સોડિયમની માત્રા પણ ઘણી વધુ હોય છે, જેના સેવનથી બાળકમાં બ્લડ પ્રેશર (Blood Pressure) નું જોખમ વધી શકે છે. આ ઉપરાંત, એમાં શુગર પણ વધારે હોવાથી એનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

ઘણા બધા બાળકો જમવામાં આનાકાની કરે તો, માતા-પિતા એમને સૉસ અથવા તો કેચઅપ સાથે રોટલી-પરોઠા વગેરે આપી દે છે. પણ આ વસ્તુ નાના બાળકના સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે હાનિકારક સાબિત થઇ શકે છે. આવા ખોરાકથી એનું વજન વધતું નથી, સાથે-સાથે હૅલ્થ પણ ખરાબ થાય છે. જો તમે બાળકને એક અનહૅલ્ધી કૉમ્બિનેશનવાળું (Unhealthy Combination) ફૂડ આપો છો તો, લાંબા ગાળે એની તંદુરસ્તી (Health) પર ખરાબ અસરો થઇ શકે છે.

કેચઅપ વિના શી રીતે જમાડશો?

જો તમારા બાળકને દરરોજ કેચઅપ સાથે પરોઠા અથવા રોટલી ખાવાની ટેવ હોય તો આ આદતને છોડાવવા માટે ધીરજથી કામ લો. શરુઆતમાં બાળક કેચઅપ વિના વધારે રોટલી નહિં ખાય, પરંતુ તમારે એની ફ્રિકવન્સી વધારવી પડશે, જેથી એ ધીમે-ધીમે દરરોજ કેચઅપ ખાવાનું છોડી દેશે.એને રમત-રમતમાં પ્રેમથી જમાડવાનો પ્રયાસ કરો.

નાના બાળકોને મલ્ટીગ્રેઇન ફૂડ ખવડાવો

નાની વયના બાળકોને મલ્ટીગ્રેઇન ફૂડ આપવું જોઇએ જે તમે ઘરે જ તૈયાર કરી શકો છો. આ માટે તમે જુવાર, ઘઉં, બાજરી વગેરે મિક્સ કરીને એના લોટમાંથી બાળકો માટે વિવિધ વાનગીઓ બનાવી શકો છો.

ઘરે આ રીતે બનાવો શુદ્ધ કેચઅપ

ઘરે કેચઅપ બનાવવા માટે ટમેટાંને સારી રીતે ધોઇ લો. પછી તેમને મોટા ટુકડાઓમાં સમારી લો. હવે એમને પ્રેશર કૂકરમાં થોડું પાણી ઉમેરીને સાથે બીટ, ઈલાયચી અને તજ નાખીને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ, ઢાંકણું બંધ કરો અને એક સીટી વાગે પછી ગૅસ બંધ કરો. પ્રેશર નીકળે ત્યાં સુધી રાહ જુઓ. હવે ઢાંકણું ખોલીને આખા મસાલા એમાંથી કાઢી લો. હવે ટમેટાની છાલ ઉતારીને મિક્સરમાં પીસી લો. આ પલ્પને સારી રીતે સૂપની ગળણી વડે ગાળી લો ત્યારબાદ, ધીમા તાપે ગૅસ પર ખદખદવા દો. તેમાં ખાંડ, લાલ મરચું, મરી પાઉડર, સૂંઠ, સંચળ અને મીઠું ઉમેરીને હલાવી લો. હવે એની માત્રા અડધી થઇ જાય ત્યાં સુધી પકાવી લો. બીજા દિવસે એમાં થોડું વિનેગર(સરકો) ભેળવી દો. તમારો ઘરે બનાવેલો શુદ્ધ કેચઅપ તૈયાર છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર

આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત