Ajab Gajab News: “ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ….એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ”…..આ મશહૂર ગઝલમાં સોના-ચાંદી (Gold-Silver)ની મહત્તા વિશે બાખૂબી વર્ણન કરવામાં આવેલું છે!
આપણા રોજિંદા જીવનમાં તાંબુ, પિત્તળ, લોખંડ અને એલ્યુમિનિયમ (Copper, brass, iron and aluminum) જેવી અનેક ધાતુઓ ઉપયોગમાં લેવામાં આવે છે, તેમ છતાંયે દાગીના વિષયક કે ધનસંપત્તિના રોકાણ (Jewelry or Investment) ની બાબત હોય ત્યારે લોકો વિશેષ કરીને સોના-ચાંદી તરફ જ વધુ આકર્ષાતા હોય છે!!
આભૂષણો બનાવવામાં સોના-ચાંદી (Gold-Silver) પ્રમુખ ધાતુ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ,પૃથ્વી પર આશરે 95 પ્રકારની ધાતુઓ (Metals) ઉપલબ્ધ હોવા છતાં માનવ સંસ્કૃતિના દીર્ઘકાલીન ઇતિહાસ (Human Culture History)માં સોના અને ચાંદીનું મહત્વ શિરમોર રહેલું છે. વિશ્વભરની પ્રાચીન સંસ્કૃતિઓથી માંડીને રાજવી યુગ દરમિયાન, આ બંને કિંમતી ધાતુઓને વૈભવ, શક્તિ અને સ્થિર મૂલ્યના પ્રતીક તરીકે સન્માન પ્રાપ્ત છે. ચાલો હવે વિગતે જાણીએ કે, આ ધાતુઓની પસંદગી પાછળના કારણો કયા-કયા છે?
ભારત, ઇજિપ્ત, રોમ અને ચીન ની પ્રાચીન સંસ્કૃતિઓમાં સોનું અને ચાંદી એ કેવળ ધાતુ તરીકે નહીં પરંતુ પવિત્ર અને દૈવી પ્રતીક સ્વરુપ ગણાતું હતુ. આ ધાતુઓથી સ્ત્રી-પુરુષો બંનેના આભૂષણો (દાગીના) બનાવવામાં આવતા. રાજકીય અને વ્યાપાર વ્યવહારો માટે સિક્કા ગાળવામાં આવતા અને ખજાનામાં તેમનો અલાયદો સંગ્રહ રાખવામાં આવતો.
હવે આપણને પ્રશ્ન એ થાય કે, આ બંને ધાતુઓમાં એવી કઈ અનોખી વિશેષતાઓ છે જેથી એમને આટલું સન્માન પ્રાપ્ત છે?

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ સોના-ચાંદીનો વ્યાપક ઉપયોગ
સોનું અને ચાંદીનો ઉપયોગ કેવળ આભૂષણો બનાવવા પૂરતો મર્યાદિત નથી પરંતુ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી (Science & Technology)માં પણ તેમનું સ્થાન ઘણું મહત્વપૂર્ણ છે. ચાંદી વીજ પ્રવાહ અને ગરમી (Electricity and Heat) બંનેને ખૂબ અસરકારક રીતે પસાર કરનાર વાહક છે, આથી જ એનો ઉપયોગ સોલાર પેનલ, અદ્યતન બેટરી તથા વિવિધ ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં થાય છે.
સોના વિશે જાણીએ તો સોનાને સહેલાઈથી કાટ (Rust) લાગતો નથી અને તેની સપાટી સ્થિર રહેવાના કારણે તે અવકાશયાનના વિવિધ ભાગો, માઇક્રોચિપ્સ અને સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક સર્કિટ (Spacecraft parts, Microchips,Electronic Circuits)માં અત્યંત ઉપયોગી સાબિત થાય છે. સોનાના આ વિશેષ ગુણધર્મોને કારણે વૈજ્ઞાનિક ક્ષેત્રે એનો ઉપયોગ અનિવાર્ય બની ચૂક્યો છે!

સોનું-ચાંદી આટલા બધા લોકપ્રિય બનવા પાછળના મુખ્ય કારણો
1. તેમની રાસાયણિક મજબૂતાઇ સૌથી અગત્યનું પરિબળ ગણાય છે. વૈજ્ઞાનિક રીતે આવા તમામ તત્ત્વોને ‘નોબલ મેટલ્સ‘ (Noble Metals) તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તે સરળતાથી અન્ય પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી.
2. લોખંડ ધાતુને ઝડપથી કાટ લાગે છે અને તાંબું પણ સમય જતાં તેનો રંગ બદલવા લાગે છે જયારે સોનું લાંબા સમય પછી પણ પોતાની મૂળ ચમક જાળવી રાખવા માટે સક્ષમ છે.
3. હવા, પાણી અને ભેજનો સોના પર બહુ જ ઓછો પ્રભાવ પડે છે તેથી જ સોનું હજારો વર્ષો પછી પણ એની મૂળ ચમક-દમક જાળવી રાખે છે.
આવા ગુણધર્મોને કારણે જ, સોનું તથા ચાંદી પેઢી-દર-પેઢી સંગ્રહ કરવા અને દાગીના બનાવવા માટે વિશ્વસનીય ધાતુઓ માનવામાં આવે છે.
પ્રાચીન સમયથી, ભારતીય સામાજીક પરંપરામાં પણ ચાંદી માટે ‘રૂપું’ અને સોના માટે ‘હિરણ્ય’ (Rupu & Hiranya) જેવા શબ્દો પ્રચલનમાં છે. આજના સાંપ્રત સમયમાં પણ દેશમાં સોનાની માંગ મોટી છે. તેનું મુખ્ય કારણ છે આર્થિક અનિશ્ચિતતા કે સંકટના સમયમાં લોકો સોનાને વિશ્વાસપાત્ર અને મૂલ્ય જાળવી રાખનાર રોકાણ તરીકે પસંદ કરે છે.આથી જ સોનાને લાંબા ગાળાની સુરક્ષિત સંપત્તિ તરીકે માન્યતા મળેલી છે.
આજના આધુનિક સમયમાં પણ લગ્ન (Marriage) અને વિશેષ શુભ પ્રસંગોમાં સોના-ચાંદી ની ખરીદી પ્રથમ કરવામાં આવે છે. એ ઉપરાંત, ઘણા લોકો તેમને એક વિશ્વસનીય રોકાણના દ્રષ્ટિકોણથી મૂલવે છે.

સોના-ચાંદીના વરખ પણ બને છે
પ્રાચીન યુગમાં ધાતુઓના શુદ્ધિકરણ માટે આજના જેવી આધુનિક ભઠ્ઠીઓ (Modern furnaces) અથવા ટેક્નોલોજી ઉપલબ્ધ નહોતી. એ સમયે પણ સોનું અને ચાંદી ઘણી વખત નદીના પટ વિસ્તાર અથવા ખડકોમાં કુદરતી રીતે લગભગ શુદ્ધ હાલતમાં પ્રાપ્ય હતા.
સોનાની નરમાઈ એટલી તો અદભૂત હોય છે કે, 1 ગ્રામ સોનાને ટીપીને ધણી મોટી અને એકદમ પાતળી પરતમાં ફેરવી શકાય છે! મીઠાઈઓ ઉપર લાગતા અસલી વરખ (Gold-silver Foil) પણ સોના-ચાંદીમાંથી બનાવવામાં આવે છે. સોના અને ચાંદીના આવા ગુણોને કારણે જૂના સમયના કારીગરો સરળ ઓજારો વડે પણ નાજુક અને કળાત્મક આભૂષણો તૈયાર કરી શકતા હતા.

ઐતિહાસિક પુરાવા શું દર્શાવે છે?
પ્રાપ્ત પુરાતત્વીય પુરાવાઓ દર્શાવે છે કે, હજારો વર્ષ પહેલાંથી આશરે ઈ.સ. પૂર્વે 5 થી 6 હજાર વર્ષ પહેલા પણ માનવ સભ્યતાઓમાં સોનાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સોનું અને ચાંદી કુદરતમાં દુર્લભ ધાતુઓ છે ખરી પરંતુ એટલી અપ્રાપ્ય પણ નથી કે એ સામાન્ય માનવ જન સુધી ન પહોંચે! કુદરતમાં આ ધાતુઓના ઉચિત સંતુલનને કારણે, ઈતિહાસ (History)માં આ ધાતુઓમાંથી બનેલા સિક્કાઓને મજબૂત કરન્સી તરીકે સ્વીકારાયાનો ઉલ્લેખ છે. ઈ.સ. પૂર્વે આશરે 600 ના સમયગાળા દરમિયાન, આજના તુર્કીયા પ્રાંતમાં સોના-ચાંદીના પ્રારંભિક સિક્કાઓ (Gold-Silver Coins) ચલણમાં આવ્યાના પુરાવા પ્રાપ્ત છે.
હજારો વર્ષો પહેલા, પ્રાચીન યુગમાં લોકો મૃત્યુ પામે ત્યારે એમની કબર (Grave)માં સોના-ચાંદીના આભૂષણો સાથે દફનવિધિ કરવામાં આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આવા આભૂષણોની ચમક હજારો વર્ષો બાદ પણ ઝાંખી નથી પડી! સમય, ભેજ અને માટીનો પ્રભાવ પડતો હોવા છતાંયે એમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે. આવા અદ્ભૂત ગુણધર્મોને કારણે જ સોના-ચાંદીને ‘અમર ધાતુઓ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણીનો ઈતિહાસ 5 હજાર વર્ષ પ્રાચીન…દુનિયાભરમાં ઉજવણીની અજબ પરંપરા…
આ પણ વાંચો: હળાહળ કળિયુગ….પિતાએ સાવકી દીકરી સાથે કર્યા લગ્ન!! અન્ય કિસ્સામાં બહેન ભાઈ સાથે ફરાર…!!
આ પણ વાંચો:
