ભુજ/ મારાથી વાત નહીં કરે તો હું તને કોઈનાથી પણ વાત કરવા જેવી નહીં રાખું :નિવૃત મામલતદારના પુત્રનો છરીથી યુવતી પર હુમલો

નરેન્દ્રનો ગુનાહિત ભૂતકાળ જાણવા મળતાં યુવતીએ તેની સાથેનો સંબંધ ઓછો કરી દીધો હતો. જેથી નરેન્દ્રએ ફોન પર યુવતી જોડે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું

Gujarat Others

યુવતી તાબે ન થતા નિવૃત નાયબ મામલતદારના પુત્રએ છરીથી હુમલાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.  નિવૃત્ત નાયબ મામલતદારના પુત્ર નરેન્દ્રસિંહ રવાજી જાડેજા સામે ગત રાત્રે પોલીસે આઈપીસી 307, 326, 504 અને જીપી એક્ટ 135 હેઠળ ફરિયાદ નોંધી તેને આજે સવારે દબોચી લીધો છે. યુવતીને સંબંધ રાખવા દબાણ કરી ધાક-ધમકી કરતો હતો

ભુજની નવી રાવલવાડીમાં રહેતી અને TYB.Comમાં અભ્યાસ કરતી 21 વર્ષિય યુવતી દોઢ વર્ષ અગાઉ નરેન્દ્રના પરિચયમાં આવી હતી. બેઉ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. પાછળથી નરેન્દ્રનો ગુનાહિત ભૂતકાળ જાણવા મળતાં યુવતીએ તેની સાથેનો સંબંધ ઓછો કરી દીધો હતો. જેથી નરેન્દ્રએ ફોન પર યુવતી જોડે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. તે અગાઉની મુલાકાતોના ફોટો તેના પિતાને દેખાડવાની ધમકી આપતો હતો. કંટાળેલી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. ગત મે માસમાં નરેન્દ્રએ યુવતીના ઘર આગળ આવી મળવા માટે ગાળાગાળી કરી હતી શનિવારે કૉલેજમાં પરીક્ષા આપીને યુવતી બહેનપણી જોડે દ્વિચક્રી પર બપોરે સાડા બારના અરસામાં એન્જિનિયરીંગ કોલેજવાળા રોડ પરથી ઘરે પરત જતી હતી ત્યારે તેનો ટૂ વ્હિલરથી પીછો કરતાં નરેન્દ્રએ યુવતીને વાત કરવા માટે આગળ ઢોળાવ પાસે ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું

ઢોળાવ પાસે યુવતીએ ગાડી ઊભી રાખ્યાં બાદ નરેન્દ્રએ ‘તું મારી જોડે કેમ વાતો કરતી નથી? કહીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ‘તું મને શું જેવો તેવો સમજે છે? મારાથી વાત નહીં કરે તો હું તને કોઈનાથી પણ વાત કરવા જેવી નહીં રાખું.. તું જીવતી હોય તો બીજાથી વાત કરીશ ને… હમણાં જ તને પતાવી નાખું છું’ કહી પેન્ટના ખિસ્સામાં રહેલી છરી બહાર કાઢી યુવતીના પેટમાં હુલાવી દેવા પ્રયાસ કર્યો હતો. યુવતીએ છરીથી બચવા હાથ આડો કરી દેતાં તેના પંજા અને કોણીના ઉપરના ભાગે છરીનો ગંભીર ઘા વાગ્યો હતો. ઘાયલ યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. હુમલાથી બચવા યુવતી અને તેની બહેનપણીએ રાડારાડ કરવા માંડી હતી. હુમલો કરી નરેન્દ્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટના બાદ ઘાયલ યુવતીને ભુજની ખાનગી હોસ્પિટલમાં તત્કાળ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. છરીની ઈજાથી નસો કપાઈ ગઈ હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે મોડી રાત્રે ભુજ એ ડિવિઝન પોલીસે નરેન્દ્ર સામે ફરિયાદ નોંધી હતી..