Rajkot News: ગુજરાતમાં પાટીદાર સમાજ સાથે જોડાયેલા કલાકારોના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નના મુદ્દે ફરી એકવાર ચર્ચા ગરમાઈ છે. લોકગાયિકા રિદ્ધિ રાજપરા (Riddhi Rajpara Marriage)એ ડ્રમર જયેશ વાઘેલા (Jayesh Vaghela) સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા (Ramesh Tilala)એ પણ પોતાનું નિવેદન આપ્યું છે.
ધારાસભ્ય Ramesh Tilalaએ આપી મહત્વની સલાહ
ધારાસભ્ય રમેશ ટીલાળા (Ramesh Tilala)એ જણાવ્યું હતું કે, લગ્ન કરવો એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત અને કાનૂની અધિકાર છે, પરંતુ આવા મહત્વપૂર્ણ નિર્ણયોમાં માતા-પિતા અને પરિવારજનોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે, સમાજમાં બનતા આવા વિવાદાસ્પદ બનાવો ટાળી શકાય તે માટે યુવક-યુવતીઓએ પરિવારના માર્ગદર્શન સાથે આગળ વધવું જરૂરી છે.
રમેશ ટીલાળા (Ramesh Tilala)એ વધુમાં જણાવ્યું કે, માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના યુવાનો અને દીકરીઓએ પોતાના વાલીઓ સાથે ચર્ચા કરીને જીવનના મહત્વના નિર્ણયો લેવા જોઈએ. માતા-પિતાની લાગણીઓ અને અપેક્ષાઓનું પણ સન્માન થવું જોઈએ.
લોકગાયિકા તરીકે કારકિર્દી બનાવવી કે પોતાની પ્રતિભાને મંચ આપવો એ દરેક વ્યક્તિનો સ્વતંત્ર નિર્ણય છે. જોકે, પોતાની સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક મૂલ્યોનું જતન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન સમાજના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. કેટલાક આગેવાનોએ સમાજની સંસ્થાઓ અને આયોજકોને આ મુદ્દે વિચાર કરવા અપીલ કરી છે, જ્યારે અન્ય લોકો વ્યક્તિગત સ્વતંત્રતાનું સમર્થન કરતા જોવા મળ્યા છે. જેના કારણે આ મુદ્દો સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હાલ આ સમગ્ર મામલે વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે. એક તરફ વ્યક્તિગત પસંદગી અને કાનૂની અધિકારોની વાત થઈ રહી છે તો બીજી તરફ પરિવાર અને સામાજિક મૂલ્યોને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નથી વિવાદ, પાટીદાર સમાજમાં રોષ અને બહિષ્કારની માંગ
આ પણ વાંચો:“પ્રેમલગ્ન સામે વાંધો નથી, પણ ગુંડાતત્વો સાથે લગ્ન SPG નહીં ચલાવી લે” લાલજી પટેલનું નિવેદન
આ પણ વાંચો:ખેડા પ્રેમલગ્ન કેસમાં નવો વળાંક: અપહરણના આક્ષેપ વચ્ચે દીકરીનો ખુલાસો
