Banaskantha News : ગત 13 તારીખે થરાદની નર્મદા કેનાલમાંથી અમદાવાદના RTI (માહિતી અધિકાર) કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. આ બનાવ આપઘાતનો નહીં પણ હત્યાનો હોવાનું ખુલ્યું છે. હત્યાનો ભેદ થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, બિલ્ડર લોબી દ્વારા હત્યાનું આ કાવતરું રચવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ₹20 લાખની સોપારી આપી બિલ્ડર લોબીએ તેનો કાંટો કાઢી નખાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક રસિક પરમાર RTI એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા. પોલીસની આઠ ટીમોએ હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે, બિલ્ડર લોબીએ તેમની હત્યા માટે ₹20 લાખની સોપારી આપી હતી.થ “થરાદ પોલીસને નર્મદા કેનાલમાં એક મૃતદેહ મળ્યાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હોવાનું થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું હતું. મૃતદેહ જોઈને પ્રથમ દૃષ્ટિએ ગળાના ભાગે કાપાના નિશાન જણાતા હત્યાનો ડાઉટ ગયો હતો. પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં પણ તે કુદરતી મોત કે આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું ખુલ્યું હતું.
”પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરતાં તે અમદાવાદના રસિકભાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે વાવ-થરાદના પોલીસ અધિક્ષકની સૂચનાથી ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સિસના આધારે આઠ અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન એક આરોપીનું લોકેશન મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પુછપરછ કરતાં તે આરોપી ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા સોપારી લઈને કરવામાં આવી હતી.મૃતક રસિક પોતે RTI એક્ટિવિસ્ટ હોવાથી જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં અરજી કરીને તેને ખુલ્લો પાડતા હતા.
ડીવાયએસપીએ જણાવ્યું કે, “આ કેસમાં બિલ્ડર લોબીની સંડોવણી ખુલી છે. ઝૂંપડપટ્ટી કે વસાહતોના પુન:વિકાસ (રી-ડેવલપમેન્ટ) હેઠળ જેમને નવા મકાનો મળવાપાત્ર હતા, ત્યાં આરોપીઓ બોગસ ગ્રાહકો ઊભા કરીને આખી સ્કીમ ચલાવતા હતા, જેથી ખરેખર હકદાર લોકોને મકાન ન મળે.”રસિકભાઈ આ ષડયંત્રનો પર્દાફાશ કરતાં હોવાથી તે આડખીલીરૂપ બન્યા હતા. આ કારણોસર તેમનો ‘કાંટો કાઢી નાખવા’ માટે પૂર્વયોજિત કાવતરું રચી ટોળકી બનાવવામાં આવી હતી.
તપાસમાં ખુલ્યું છે કે એક રિક્ષાચાલક રિક્ષા લઈને સમી સુધી ગયો હતો, જ્યાં વચ્ચે બીજા આરોપીઓ મળ્યા હતા અને તેમણે રસિકભાઈને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ડેડબોડી અને તેમનો મોબાઈલ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ફરિયાદમાં જેનું નામ છે તે કમલેશ નામના વ્યક્તિની પૂર્વભૂમિકા છે અને તેણે જ ₹20 લાખમાં સોપારી આપી હતી.
પોલીસ હાલમાં ચાર આરોપીઓને પકડી ચૂકી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. ડીવાયએસપીએ ખાતરી આપી હતી કે, “આ ગુનામાં સંડોવાયેલા રાજુ કરાટે સહિત કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. અમે આગળ પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરીશું.”
આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા
આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ
આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ
