ગુજરાતીઓને દિવાળીને ભેટ સમાન સી પ્લેન સેવા એક મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ડચકા ખાઈ રહી છે. આવા જ હાલ વર્ષ 2017માં ઘોઘા દહેજ વચ્ચે રો-રો ફેરી ના છે. ૩૧ ઓક્ટોબર 2020ના રોજ અમદાવાદ કેવડિયા વચ્ચે સી-પ્લેન નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું. સી-પ્લેનની સેવા હોય કે રો-રો ફેરીની ગુજરાતની પ્રજા બુકિંગના ધાંધિયાઓ વચ્ચે પરેશાન છે.
મેઈન્ટેનેન્સના નામે સી-પ્લેન સેવા બંધ
50 વર્ષ જૂના સી-પ્લેનમાં કેવડિયાથી અમદાવાદની સફર કરી 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ તેનો આરંભ કરાવ્યો હતો. હજુ એક મહિનો પણ પૂર્ણ નથી થયો ત્યાં તો આ સેવા બંધ થઈ ગઈ છે. શનિવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનેન્સ માટે માલદિવ જવા રવાના થયું છે. સી-પ્લેન પરત ક્યારે ફરશે તે કહેવું મુશ્કેલ છે. સ્પાઈસજેટના સૂત્રોના જણાવ્યાનુસાર પ્લેનનું મેઈન્ટેનેન્સ કામ પૂરૂ થશે તે પછી પછી પરત આવશે. સી-પ્લેનના બુકિંગમાં અને નિયમિતતામાં ધાંધિયાઓ હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. છેલ્લાં એક મહિનામાં મોટાભાગે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી.
નોધનીય છે કે આવા જ હાલ રો-રો ફેરીના પણ છે જે પણ અનેક વખત બંધપડી છે. સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટે તે હેતુથી ઘોઘા દહેજ રો-રો ફેરી વર્ષ 2017માં 22 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી. કેન્દ્ર સરકારે રો-રો ફેરી માટે 117 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે, રો-રો ફેરી શરૂ થતાની સાથે જે ખોટકાવા લાગી હતી. જુદાજુદા બહાના હેઠળ મોટાભાગે આ સર્વિસ બંધ રહેતી હતી. જેના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે રો-રો ફેરી સર્વિસના સંચાલકોને નોટિસ આપી સેવા બંધ કરવા કહી દીધું હતું. રો-રો ફેરી સર્વિસનું નામ બદલી સરકારે રો પેક્સ ફેરી સર્વિસ કરી નાંખ્યું છે અને તે હાલમાં ઘોઘા હજીરા વચ્ચે ચલાવવામાં આવે છે. 8 નવેમ્બરથી રો પેક્સ ફેરી શરૂ થઈ ગઈ છે.