લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના પ્રચારનો આજે સાંજે અંત આવશે.પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાવાનું છે જેમાં 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો પર મતદાન થશે.
પહેલા તબક્કાની મતદાનમાં નિતિન ગડકરી, ચૌધરી અજિત સિંહ, વી.કે. સિંહ, જયંત ચોધરી સહિતના દિગ્ગજ નેતાઓના ભાગ્યનો ફેંસલો થશે.
નિતિન ગડકરી મહારાષ્ટ્રની રાજનીતિના મોટા ચહેરા છે. ગડકરી ફરી એક વખત ભાજપની ટિકિટ પર નાગપુર સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે સામે છે. આરએસએસના પ્રભાવવાળી નાગપુર બેઠક પર 2014માં ગડકરીએ અઢી લાખથી પણ વધારે મતોથી વિજય મેળવ્યો હતો.
આરએલડીના સ્થાપક ચૌધરી અજિત સિંહ મુઝફ્ફરનગર સીટથી પોતાની કિસ્મત અજમાવશે. તેમનો મુકાબલો ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાન સામે છે. તો તેમના પુત્ર જયંત ચૌધરી બાગપત બેઠક પરથી ઝંપલાવી રહ્યાં છે. એ જ રીતે ભૂતપૂર્વ સેના પ્રમુખ અને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહ ફરી એક વખત ગાઝિયાબાદની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવી રહ્યાં છે.
રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન એનડીએ ગઠબંધન અંતર્ગત બિહારની જમુઇ બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટી વતી ચૂંટણીના મેદાનમાં છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક જીતનરામ માંઝી બિહારના ગયા સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તો કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણીના રણમાં છે.
AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી ઝંપલાવી રહ્યાં છે. તેઓ અહીંયાથી સતત ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. મેરઠની બેઠક મહાગઠબંધનની વ્યવસ્થા અનુસાર બસપાને મળી છે. અહીંયાથી બસપાના હાજી યાકૂબ કુરેશી મેદાનમાં છે. તો બસપામાંથી કોંગ્રેસમાં આવેલા નસીમુદ્દીન સિદ્દીકી આ વખતે ઉત્તરપ્રદેશની બિજનૌર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.