Gujarat News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલનગર (Balolnagar) રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતોની શ્રેણી અટકતી નથી. ગઇકાલે (14 મે) મોડી રાત્રે ઓવર સ્પીડમાં જઈ રહેલા એક બાઈક ચાલકનો વળાંક પર કાબૂ ગુમાઈ ગયો હતો, જેના કારણે તેનું વાહન ડિવાઇડર સાથે અથડાયું હતું. અથડામણ બાદ બાઈક ચાલક બ્રિજ પરથી નીચે પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
આ ઘટના સાથે જ બલોલનગર ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. છેલ્લા 10 દિવસમાં વળાંકવાળા આ જ બ્રિજ પર અકસ્માત બાદ નીચે પડવાનો આ બીજો બનાવ છે. 7 મેના અકસ્માત બાદ પણ ન તો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા અને ન તો ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી જોવા મળી, જેના કારણે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે.
કોર્પોરેશનની બેદરકારી યથાવત, સેફટી ગાર્ડ-નોઈસ બેરિયર અંગે નિર્ણય નહીં
એક અઠવાડિયા અગાઉ થયેલા અકસ્માત બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે ઓવરબ્રિજ પર સેફ્ટી ગાર્ડ અથવા નોઈઝ બેરિયર લગાવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
આ ઓવરબ્રિજ પરનો વળાંક અત્યંત જોખમી હોવાથી સતત અકસ્માતોની શક્યતા રહે છે. છતાં પણ વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહન હંકારતા જોવા મળે છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ અંગે સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવાની આવશ્યકતા હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના પરિણામે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે.
