ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, જેમાં પણ ભાજપ માટે કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ઇલેક્શન મૂડ બનાવી રહ્યા છે, ગુજરાતમાં ડિસેમ્બર અંતમાં ચૂંટણી પુરી કરવાની ગોઠવણ ચાલી રહી છે, ત્યારે ભાજપે પ્રદેશની કોર કમિટીના સભ્યોને દિવાળીમાં ગુજરાત બહાર નહીં જવાનું કહ્યું છે, તે જોતા ભાજપની કોર કમિટીની દિવાળી કમલમમાં જ ઉજવાશે, તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરવાની હોવાથી ભાજપે તો અલગ અલગ રણનીતિ બનાવી દીધી છે, ખાસ કરીને ભાજપ સંગઠન અને સરકાર બંનેના પ્રચાર કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે, સાથે સાથે દિવાળી પછી તરત જ ચૂંટણી જાહેર થાય તો ઉમેદવારોની પેનલ નક્કી કરવા થી માંડીને સેન્સ લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેના માટે પ્રદેશની કોર કમિટીની સતત બેઠકો મળશે, ખાસ કરીને ઉમેદવાર માટેની સેન્સ પ્રક્રિયામાં કોઈ ગરબડના થાય તે માટે પણ ગુજરાત ભાજપ સિનિયર નેતાઓની કોર કમિટી ને ધ્યાન રાખવું પડતું હોય છે.
ભાજપમાં ટિકિટોના મામલે કોઈ વિવાદના થાય તેને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રમુખ પાટીલે પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, હું કોઈની ટિકીટ કાપવાનો નથી કે કોઈને ટિકીટ આપવાનો નથી આ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ કરશે. તાજેતરમાં જ ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘સી.આર.’ની વન-ટુ-વન બેઠક પણ મળી હતી, જેમાં પણ ટિકિટ ફાળવણી નહીં પણ વધુ માં વધુ બેઠકો મેળવવાની વ્યૂહરચના ઘડવા પાટીલ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અમિત શાહના મીશન કાશ્મીર પછી ગુજરાતમાં ટિકિટ અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટેનું શિડયુલ નક્કી કરવામાં આવી શકે છે, તેમાં જ પછી ‘સેન્સ’ની તારીખો નિશ્ચિત થશે. પરિણામે દિવાળીના દિવસોમાં ગુજરાત ભાજપના કોર ગ્રુપના સભ્યોને રાજય બહાર નહી જવાની સૂચના આપવામાં આવી છે.જેથી કોર કમિટી ના સભ્યોની દિવાળી કમલમમાં જ થઈ શકે છે.