રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સૂર્ય શક્તિ કિસાન યોજનાને કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરવા માટેની વધુ એક યોજના ગણાવી છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકારોની ઝાટકણી કાઢી હતી.
ખેડૂત પોતાનાં ખેતરમાં જ સૂર્યશક્તિથી વીજળી ઉત્પન્ન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને સોલાર પેનલ આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ સૂર્ય શક્તિ કિસાન યોજનાને કોંગ્રેસે ભ્રષ્ટાચારની વધુ એક યોજના ગણાવી છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરકારની યોજનાને આગામી 2019 ની લોકસભા ચૂંટણીમાં ખેડૂતોનાં મત મેળવવા માટે રાજ્ય સરકારનું ગતકડું ગણાવ્યું હતું.
વડોદરા આવેલાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી ભ્રષ્ટાચાર, વિદેશનીતિ, શિક્ષણનીતિ, મોંઘવારી, પેટ્રોલ ડીઝલનાં ભાવ, ખેડૂતોની સમસ્યા, કાશ્મીર હિંસા સહિતનાં મુદ્દે કેન્દ્રની મોદી સરકારની એક એક કરીને નિષ્ફળતાઓ ગણાવી એનડીએ સરકારને વાયદાઓવાળી સરકાર ગણાવી હતી.
https://api.mantavyanews.in/gujarat-cm-vijay-rupani-launched-sky-suryashakti-kisan-scheme/
રાફેલ લડાકુ વિમાનની ખરીદીમાં કેન્દ્રની મોદી સરકારે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. મોદી સરકાર પર રાફેલ લડાકુ વિમાનની ખરીદીમાં 41205 કરોડનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવી આને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. શક્તિસિંહે કહ્યું કે, કોંગ્રેસ મોદી સરકારનાં આ ભ્રષ્ટાચારને જનતાની અદાલતમાં લઇ જશે.