Exclusive/ પાકિસ્તાન જેવા જ છે ઇજિપ્તના હાલ, ખાવા-પીવાનાં ફાંફા, હવે આગળ શું?

પિરામિડનો દેશ ઈજિપ્ત કેવી રીતે બન્યો પાકિસ્તાન જેવો ‘ભિખારી’ દેશ, ફરીથી ક્રાંતિનો ખતરો, ઈજિપ્ત પર હાલ 170 બિલિયન ડોલરનું દેવું છે. અત્યાર સુધી તો મિત્ર દેશોએ તેને ડિફોલ્ટ થતાં બચાવી લીધો છે. હવે શું થશે?

Mantavya Exclusive
Egypt Situation 2023

Egypt Situation 2023: પિરામિડનો દેશ ઈજિપ્ત કેવી રીતે બન્યો પાકિસ્તાન જેવો ‘ભિખારી’ દેશ, ફરીથી ક્રાંતિનો ખતરો, ઈજિપ્ત પર હાલ 170 બિલિયન ડોલરનું દેવું છે. અત્યાર સુધી તો મિત્ર દેશોએ તેને ડિફોલ્ટ થતાં બચાવી લીધો છે. હવે શું થશે?  આવો જોઈએ મંતવ્ય વિશેષમાં…

 ગત 25 જાન્યુઆરીએ ઇજિપ્તમાં આરબ ક્રાંતિના 12 વર્ષ પૂરા થયા. લગભગ 18 દિવસ સુધી ચાલેલી આરબ ક્રાંતિ બાદ ઇજિપ્તમાં 30 વર્ષ સુધી સત્તા પર રહેલા સરમુખત્યાર હોસ્ની મુબારકે સત્તા પરથી હટી જવું પડ્યું. 11 ફેબ્રુઆરી 2011 ના રોજ, હોસ્ની મુબારકે રાજીનામું આપ્યા પછી પ્રથમ વખત સ્વતંત્ર અને ન્યાયી રીતે ચૂંટણી યોજાઈ. આમાં મોહમ્મદ મુરસી રાષ્ટ્રપતિ બન્યા પરંતુ તેમની સરકાર લાંબો સમય ટકી શકી નહીં. ઇજિપ્તની સેના રાષ્ટ્રપતિ મુર્સીની વિરુદ્ધ થઈ ગઈ અને જુલાઈ 2013 માં બળવો થયો. સેનાએ અબ્દેલ ફતાહ અલ-સીસીને ટેકો આપ્યો હતો, જે મુર્સીના સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે. અલ સીસી 2014ની ચૂંટણીમાં ચૂંટાયા હતા. નિષ્ણાતો કહે છે કે સીસીને સાઉદી અરેબિયા અને યુએઈમાંથી અબજો ડોલરની આર્થિક મદદ મળી હતી પરંતુ હવે દેશની હાલત પાકિસ્તાન જેવા ભિખારી દેશ જેવી થઈ ગઈ છે.

 ઈજિપ્તની ક્રાંતિ પછી IMF, વિશ્વ બેંક, ચીન અને આરબ મોનેટરી ફંડ અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંક તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય પણ મળી. નિષ્ણાતો કહે છે કે ઇજિપ્તે આ નાણાંનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, હાઉસિંગ કે રેવન્યુ જનરેટિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાને બદલે મોનોરેલ, રાષ્ટ્રપતિ મહેલ, લક્ઝરી હોટેલ્સ, રોડવેઝ વગેરે બનાવવા માટે કર્યો હતો. રાષ્ટ્રપતિ સીસીએ પોતે 500 મિલિયન ડોલરનું એરક્રાફ્ટ ખરીદ્યું હતું. 2016 માં, ઇજિપ્તે 50 બિલિયન ડોલરના ખર્ચે તેની વહીવટી રાજધાનીનું બાંધકામ શરૂ કર્યું.

ઇજિપ્તમાં નિર્માણાધીન આફ્રિકાની સૌથી ઊંચી ઇમારત

ઇજિપ્તે આ નવી રાજધાનીમાં આફ્રિકાની સૌથી ઊંચી ઇમારતનું બાંધકામ શરૂ કર્યું… આ સિવાય કરોડો રૂપિયા ખર્ચીને એક વિશાળ મસ્જિદ બનાવવામાં આવી રહી છે, જેનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ્સ સેના સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે અને તે મુખ્યત્વે ઇજિપ્તના ઉચ્ચ વર્ગ માટે છે. નવી રાજધાનીનું સૈન્ય અને સુરક્ષા સંકુલ કૈરોથી 45 કિમી દૂર છે અને કહેવાય છે કે તે ભવિષ્યના બળવાને રોકવા માટે રચાયેલ છે.

ઇજિપ્તને આશા હતી કે આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશમાં આવશે, પરંતુ વર્ષ 2020માં કોરોના વાયરસ અને વર્ષ 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ઇજિપ્તની કમર તૂટી ગઈ હતી. પિરામિડ પર પ્રવાસીઓનું આગમન ઘટ્યું અને ઇજિપ્તનું ચલણ ડોલર સામે નોંધપાત્ર રીતે ઘટ્યું. જેના કારણે બહારથી લાવવામાં આવતો માલ મોંઘો થઈ ગયો હતો. જેના કારણે માલસામાનના ભાવ આસમાને છે. પ્લેટમાંથી ભોજન ગાયબ થઈ ગયું છે અને ઇંડા પણ એક સ્વપ્ન બની ગયું છે.

‘અલ સીસીએ ઇજિપ્તને ભિખારી દેશ બનાવ્યો છે’

અમેરિકન ટીવી ચેનલ સીએનએનએ તેના તાજેતરના અહેવાલમાં એ હદે કહ્યું કે ઇજિપ્તને લોન માંગવાની આદત પડી ગઈ છે. તે જ સમયે, પ્રોફેસર રોબર્ટ સ્પ્રિંગબોર્ગ કહે છે કે રાષ્ટ્રપતિ અલ-સીસીએ ઇજિપ્તને ‘ભિખારી દેશ’ બનાવી દીધો છે. ઘણું દેવું લેવાને કારણે, ઇજિપ્તની સરકારના ખર્ચનો મોટો હિસ્સો ફક્ત વ્યાજની ચૂકવણીમાં જ જાય છે. બીજી તરફ ઈજિપ્તની સરકાર પર આરોપ છે કે તેણે લીધેલી લોનનો દુરુપયોગ કર્યો છે. અન્ય નિષ્ણાત, સ્ટીફન રોલ કહે છે કે ઇજિપ્ત દ્વારા લેવામાં આવેલી લોનનો ઉપયોગ મુખ્યત્વે લશ્કરી સંપત્તિ અને મોટા પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવતો હતો. આમાં સેનાએ ઘણી કમાણી કરી.

અલ સિસીના કાર્યકાળ દરમિયાન ઇજિપ્તનું દેવું ત્રણ ગણું વધીને લગભગ 160 બિલિયન ડોલર થયું છે. હવે અલ સીસી ત્યાં સુધી જ સત્તામાં રહી શકશે જ્યાં સુધી સાઉદી અરેબિયા અને યુએઈ તેમને મદદ કરશે. આ બંને દેશોએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ હવે કોઈને બિનશરતી આર્થિક મદદ નહીં કરે. આ જ કારણ છે કે અલ સીસીને હવે ભારત તરફથી આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ કારણોસર અલ સીસી ભારતની મદદ માંગે છે.

ખાણી-પીણીની ચીજવસ્તુઓ ખરીદવાના ફાંફા

મધ્ય પૂર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઈજિપ્ત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. લોકો સરળતાથી ખાવા-પીવાની ચીજવસ્તુઓની ખરીદી કરી શકતા નથી અને પાયાની જરૂરિયાતો પર પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. નોકરીયાત વર્ગનો પગાર અડધો થઈ ગયો છે અને બેંકોએ ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી લોકો બેંકોમાં જમા કરેલા પોતાના જ પૈસા ઉપાડી નથી શકતા. દેશના ચલણ પાઉન્ડમાં ભારે અવમૂલ્યન થયું છે જેના કારણે ફુગાવો ભયંકર રીતે વધ્યો છે.

કાહિરાનાના શુબ્રામાં રહેતા 40 વર્ષીય એકાઉન્ટન્ટ અહેમદ હસને એક વેબસાઈટને જણાવ્યું કે, તેમના ત્રણ બાળકો છે અને મોંઘવારી વચ્ચે દરેકનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. હસને જણાવ્યું કે, જ્યારે અમે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ત્રણ કિલો ચોખા ખરીદવાને બદલે માત્ર એક કિલો કે અડધો કિલો ચોખા જ ખરીદી શકીએ છીએ. અમે અમારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ અમે ખરીદવાનું બંધ ન કરી શકીએ. બાળકોને ઘણી બધી વસ્તુઓની જરૂર છે.

ઓક્ટોબર 2022 ના અંતથી ઈજિપ્તના ચલણનું લગભગ ત્રીજા ભાગનું અવમૂલ્યન થયું છે અને ફુગાવો હાલમાં 20% થી વધુ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ છે. તેઓ કહે છે કે હાલમાં મોંઘવારી 101% સુધી રહી શકે છે. અનેક એક્સપર્ટ કહી રહ્યા છે કે, ઈજિપ્ત મધ્ય-પૂર્વના દેશ લેબનોનની રાહ પર છે. લેબનાન વર્ષ 2019થી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે.

ઈજિપ્તમાં આવી સ્થિતિ કઈ રીતે ઉભી થઈ

ઈજપ્તની સ્થિતિ માટે દેશની આતંરિક સમસ્યાઓ જવાબદાર છે. જેમાં રાજકીય અશાંતિ, ભ્રષ્ટાચાર અને સરકારી કુપ્રબંધન સામેલ છે. આ સાથે જ કોવિડ-19, રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીએ સ્થિતિને વધુ ખરાબ કરવામાં ભૂમિકા ભજવી છે.

આર્થિક ગેરવહીવટના કારણે ઇજિપ્તની હાલત કથળી છે. કોવિડ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને ઊંડી અસર કરી છે. ઈજીપ્તની આવકમાં પર્યટનની આવક મોટી ભૂમિકા ભજવતી હતી પરંતુ કોવિડ મહામારી દરમિયાન પ્રવાસીઓએ દેશમાં આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે ઈજિપ્તમાં અનાજની અછત સર્જી. વિશ્વનો સૌથી મોટો ઘઉંનો આયાતકાર ઈજિપ્ત રશિયા અને યુક્રેન પાસેથી જ ઘઉં ખરીદતો હતો પરંતુ યુદ્ધ ફાટી નીકળવાના કારણે ઘઉંની આયાત બંધ થઈ ગઈ હતી. વૈશ્વિક બજારમાં ઘઉંના વધતા ભાવે ઈજિપ્તની હાલત પણ ખરાબ કરી દીધી છે.

પાકિસ્તાન બાદ ઈસ્લામિક દેશ ઈજિપ્તમાં પણ ખાવાની ચીજ વસ્તુઓ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક સમયથી ઈજિપ્તમાં પણ ખાદ્યસામગ્રીનો ભાવ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાન બાદ હવે ઈજિપ્તની આર્થિક હાલત બગડી રહી છે. ઈજિપ્તમાં ખાવાની સામગ્રી એટલી મોંધી થઈ ગઈ છે કે ગરીબોને પેટ ભરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે ત્યાં લોકો તેમનું પેટ ભરી શકતા નથી. એવા હાલાતમાં સરકારની એક એજન્સીએ લોકોને કહ્યું છે કે મોંઘવારીના આ સમયમાં પ્રોટીનની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે મરઘાના પગ ખાવાનું કહેવામાં આવ્યું છે. જે અન્ય ચીજ વસ્તુએની સરખામણીએ સસ્તુ પડશે અને શરીરની જરૂરીયાતને પૂરી પણ કરશે.

હાલમાં સરકારી એજન્સીની આ સલાહ પર લોકો ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ સંખ્યામાં લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઈજિપ્તનાં એક સાંસદ કરીમ અલ સાદતે પણ આ વાત ઉપર તેમની પ્રતિક્રિયા આપી છે. કરીમ અલ-સાદતે એજન્સીના આ સલાહને હાલના સંકટની સાચી હકીકતથી એદમક અલગ બતાવી છે. ઈજિપ્તમાં જે મોટા ભાગે ખાધ સામગ્રીના આયાત પર નિર્ભર છે. જેમાં ફ્રૂટ આઈટમ એટલી મોંઘી થઈ ગઈ છે કે 10 કરોડ લોકો આર્થિક સંકટ પર લાવીને ઉભું કરી દીધું છે. ત્યારે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સુપરમાર્કેટમાં ગ્રાહકો માત્ર ત્રણ બોરી ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદી કરી રહ્યા છે.

લોકો ઇજિપ્તમાં આ સંકટને કેવી રીતે વર્ણવે છે?

ઇજિપ્તની રાજધાની કૈરોમાં એક બેકરીમાં સામાન ખરીદવા પહોંચેલી 34 વર્ષની મહિલા રિહેબે જણાવ્યું કે તે જે બ્રેડ એક ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદતી હતી તેની કિંમત હવે 3 પાઉન્ડ થઇ ગઇ છે. રિહેબે જણાવ્યું કે તેના પતિ એક મહિનામાં 6 હજાર પાઉન્ડ કમાય છે. અત્યારે મોંઘવારી હોવાથી જે પગાર આખો મહિનો ચાલતો હતો તે જ પગાર હવે 10 દિવસમાં પૂરો થઈ રહ્યો છે.

13 લોકોના પરિવારને ખવડાવતા 55 વર્ષીય રેડાએ કહ્યું કે જે માંસ રાંધવા માટે સસ્તું હતું તે હવે એટલું મોંઘું થઈ ગયું છે કે તેને વિકલ્પ તરીકે પણ રાખવામાં આવી રહ્યું નથી. રેડાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં માંસની કિંમત બમણી થઈ ગઈ છે. રેડાએ કહ્યું કે તે બે જગ્યાએ કામ કરીને પૈસા કમાઈ રહી છે, તેમ છતાં ઘણી સામાન્ય વસ્તુઓ તેની પહોંચની બહાર છે.

રશિયા અને યુક્રેન યુદ્ધે ઇજિપ્તમાં હાહાકાર મચાવ્યો!

મળતી માહિતી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે ઈજિપ્તની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. યુદ્ધને કારણે, ઘણા વૈશ્વિક રોકાણકારો હતા જેઓ પહેલા ઇજિપ્તમાં મોટું રોકાણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે પાછા ફર્યા. યુદ્ધને કારણે ઘઉંને સૌથી મોટો ફટકો પડ્યો, કારણ કે ઇજિપ્ત મોટા પ્રમાણમાં ઘઉંની આયાત કરે છે. યુદ્ધને કારણે, ઘઉંના વૈશ્વિક ભાવમાં વધારો થયો, જેની સીધી અસર ઇજિપ્તના સામાન્ય માણસ પર પડી.

ઇતિહાસ અને રાષ્ટ્રીય હિતની બાબત

આરબ દેશોમાં ઈજિપ્તની સૌથી વધુ લગભગ 10.93 કરોડની વસતી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ – OICમાં ઈજીપ્ત આતંકવાદ અને ઉગ્રવાદ સામે સૌથી મોટો અવાજ છે. ભારત અને ઈજિપ્ત વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાને પણ 75 વર્ષ થઈ ગયા છે.

ઇજિપ્તનો મુશ્કેલ સમય અને વિશ્વસનીય ભાગીદાર

  • ઈજિપ્તની સૌથી મોટી સમસ્યા તેની કથળતી અર્થવ્યવસ્થા છે. તાજેતરમાં, તેણે IMF પાસેથી $3 બિલિયનનું બેલઆઉટ પેકેજ લીધું હતું. સાઉદી અરેબિયા અને UAE ઇજિપ્તની સાથે મજબૂતીથી ઉભા છે.
  • જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઇજિપ્તમાં ખાદ્યપદાર્થોની કટોકટી હતી, ત્યારે ભારતે 61 હજાર ટન ઘઉંની નિકાસ કરી હતી. સાઉદી અરેબિયાએ તાજેતરમાં ઇજિપ્તને નવી લોન તરીકે $5 બિલિયન આપ્યા છે.
  • ઇજિપ્તના ચલણ પાઉન્ડમાં માર્ચ 2022 થી 50% નો ઘટાડો થયો છે, પરંતુ મિત્ર દેશોએ તેને ડિફોલ્ટ થવા નથી દીધો. મોંઘવારી દર 25%ની આસપાસ રહ્યો છે. ડિસેમ્બર 2022માં વિદેશી દેવું 170 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું.

વિશ્વના દેશો ઇજિપ્તને ખુલ્લેઆમ મદદ કરે છે કારણ કે તે વિશ્વસનીય દેશ માનવામાં આવે છે. ઇજિપ્ત આતંકવાદ, ડ્રગની દાણચોરી અને કટ્ટરતા સામે ખૂબ જ કડક કાર્યવાહી કરે છે. ઈજિપ્તના હાલ પણ પાકિસ્તાન જેવા થઈ રહ્યા છે. તે પણ હાલ વિદેશી લોનના સહારે છે, પરંતુ પાકિસ્તાનને તો હવે લોન આપવાનું પણ બંધ થઈ ગયું છે. જ્યારે ઈજિપ્ત પર ભરોસો રાખનારા ઘણાં દેશો ઈજિપ્તને લોન આપી રહ્યા છે. પાકિસ્તાન આતંકવાદ સામે કાર્યવાહી કરતું ન હોવાથી એફ એ ટી એફની યાદીમાં આવી ગયું અને વિશ્વના દેશોએ તેને મદદ કરવાનું છોડી દીધું. જ્યારે ઈજિપ્ત આતંકવાદને સાંખી નથી લેતું આથી તેને હજુ પણ મદદ મળે છે અને ઈજિપ્તમાં વિદેશી રોકાણો થાય છે.

આ પણ વાંચો: સુરત/જમ્મુ કાશ્મીરમાં યોજનાર આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતના 20 ખેલાડી રમશે