MANTAVYA Vishesh/ કોળી સમાજમાં પણ પડ્યા ફાંટાઃ વૈકલ્પિક રાજકીય નેતાગીરીને સમર્થન

કોળી સમાજમાં હાલમાં સોલંકી બંધુઓનું વર્ચસ્વ છે, પરંતુ વાસ્તવમાં સમાજ એટલો મોટો છે કે હજી પણ બીજી રાજકીય નેતાગીરીને પૂરતો અવકાશ છે. તેના કારણે લગભગ બે દાયકાથી રાજકારણમાં સક્રિય રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી નવા જ રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવે તેમ માનવામાં આવે છે.

Mantavya Vishesh

નવનીત બાલધિયા વિવાદે કોળી સમાજમાં ચિનગારી પ્રગટાવી છે. આ ચિનગારી છે રાજકીય અસ્તિત્વની ચિનગારી. કોળી સમાજ સમજી ગયો છે કે ન્યાય માટે ઝઝૂમવુ પડે તેવી સ્થિતિ જ શું કામ લાવવી, રાજકીય ક્ષમતા જ એવી કરીએ કે અન્યાય પણ શેનો થાય. આના પગલે કોળી સમાજે વધુને વધુ રાજકીય વિકલ્પો ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યું છે.

કોળી સમાજમાં હાલમાં સોલંકી બંધુઓનું વર્ચસ્વ છે, પરંતુ વાસ્તવમાં સમાજ એટલો મોટો છે કે હજી પણ બીજી રાજકીય નેતાગીરીને પૂરતો અવકાશ છે. તેના કારણે લગભગ બે દાયકાથી રાજકારણમાં સક્રિય રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી નવા જ રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવે તેમ માનવામાં આવે છે. નવનીત બાલધિયાની બેઠકમાં આ બંને સોલંકીને બોલવા દેવામાં ન આવતા તેઓ બરોબરના ગુસ્સે થયા હતા.

રેલ્વેના કર્મચારી તરીકે રાજુ સોલંકી ભાવનગરમાં પોતાનું આગવુ સંગઠન ધરાવે છે. આ સંગઠન વીર માંધાતા સંગઠન છે. આ સંગઠન દ્વારા તે વિદ્યાર્થી સન્માન, બ્લડ ડોનેશન અને સમૂહ લગ્નો જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમણે સારુ એવું કાઠું કાઢ્યું છે. આવું જ બ્રિજરાજ સોલંકીનું છે. રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકી ફિલ્મોમાં હાથ અજમાવી ચૂક્યા છે. ફિલ્મોમાં હાથ અજમાવી ચૂકવાના કારણે રાજકીય ભાષણોમાં તેમની સારી પક્કડ છે. તેમના ઉગ્ર ભાષણોના કારણે તે સમાજના યુવાનોમાં પણ લોકપ્રિય થવા માંડ્યા છે.

રાજુ સોલંકીએ અગાઉની વિધાનસભા ચૂંટણીમાં જીતુ વાઘાણી સામે ઉમેદવારી કરી હતી, પરંતુ તેમને માંડ 26 હજાર મત મળ્યા હતા. જો કે તેઓ આને પરાજય તરીકે નહીં પણ શરૂઆત તરીકે જુએ છે. તે માને છે કે શાસક પક્ષના આટલા જબરદસ્ત વિજય છતાં મને આટલા મત મળ્યાં તો જ્યારે શાસનવિરોધી લહેર આવશે ત્યારે ચોક્કસપણે મને પ્રજા સેવાની તક આપશે.

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ભાવનગરથી ઉના સુધીના છ વિધાનસભા મતવિસ્તાર પર કોળી મતો નિર્ણાયક માનવામાં આવે છે. તેના પર પરસોત્તમ અને હીરા સોલંકીની મજબૂત પક્કડ છે. હવે સોલંકી પિતા-પુત્રએ તેમની પક્કડ વધવાનો રાજકીય જુગાર રમવા માંડ્યો છે. ન્યાયસભામાં સોલંકી પિતાપુત્રને બોલવા જ ન દેવાતા આગામી દિવસોમાં કોળી સમાજ રાજકીય નેતાગીરીને લઈને વિભાજીત થઈ જાય તો આશ્ચર્ય ન થાય.

ન્યાયસભામાં કોળી આગેવાનોને જ ન બોલવામાં દેવામાં આવતા કોળી સમાજનો નોંધપાત્ર હિસ્સો નારાજ થયો છે. આ નારાજગી આગામી દિવસોમાં વધુ વકરે તેમ માનવામાં આવે છે. કદાચ આ નારાજગી વ્યક્ત કરવા માટે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અલગથી સંમેલન બોલાવે તો પણ આશ્ચર્ય નહીં થાય. આ ઉપરાંત તે આગામી દિવસોમાં સમાજના મંચ પર પણ તેમનો બળાપો કાઢી શકે છે. આમ આગામી દિવસોમાં કોળી સમાજ પર રાજકીય પક્કડ વધારવા માટે સોલંકીઓ વચ્ચે જંગ જામે તો આશ્ચર્ય ન થવું જોઈએ.

પરસોત્તમ અને હીરા સોલંકી વિરુદ્ધ રાજુ અને બ્રિજરાજ સોલંકી વચ્ચેનું રાજકીય દ્વંદ અહીંથી સ્પષ્ટ દેખાય છે. કોળી સમાજ પણ ઇચ્છે છે કે નવુ લોહી રાજકારણમાં આગળ આવે અને તેના કારણે જ રાજુ-બ્રિજરાજ સોલંકીને કોળી સમાજના એક હિસ્સાનું અને તેમા પણ ખાસ કરીને યુવાનોનું નોંધપાત્ર સમર્થન છે. તેમા પણ કોળી સમાજના કેટલાય યુવાનો બ્રિજરાજને આદર્શ માને છે. કોળી સમાજ પણ માને છે કે તેમનો સમાજ એટલો મોટો છે કે હવે નેતાગીરીનો વ્યાપ પણ વધારવાની જરૂર છે. એક કે બે નેતાઓથી તેમનું રાજકીય અસ્તિત્વ નહીં અનુભવાય. પાટીદાર સમાજની જેમ કોળી સમાજે પણ તેમના નેતાઓની ફોજને રાજકારણમાં ખડકવી પડશે તો જ સમાજથી લઈને આર્થિક ક્ષેત્ર અને રાજકારણમાં તેમનો પડ્યો બોલ ઝીલાશે.

આના પગલે રાજુ સોલંકીએ કરેલા કાર્યો હવે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીને રાજકીય વળતરના સ્વરૂપમાં મળી શકે છે. આમ કોળી સમાજની અંદર જ સોલંકી બંધુઓ અને રાજુ-બ્રિજરાજ સોલંકીની પિતાપુત્રની જોડીવચ્ચે એક રાજકીય કુરુક્ષેત્ર તૈયાર જ થઈ ગયું છે. આના કારણે આગામી દિવસોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સોલંકી બંધુઓ અને રાજુ-બ્રિજરાજ સોલંકી માટે તેમની લોકપ્રિયતાના માપદંડની ચકાસણી માટે અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ શકે છે.

બંનેના જૂથ તેના માટે અત્યારથી જ હડિયાપાટુ કરવા લાગ્યા છે. બંનેમાંથી જેના જેટલા સમર્થકો જીતશે તેનો તેટલો રાજકીય પ્રભાવ અને સામાજિક પ્રભાવ વધશે. આમ બંને બેલડી વચ્ચે રાજકીય ખેલ શરૂ થઈ ગયો છે.  નવનીત બાલધિયાની ન્યાયસભામાં રાજુ-બ્રિજરાજ સોલંકીને ન બોલવા દેતા તે તો નિશ્ચિત થઈ ગયુ છે કે આ સભાને સોલંકી બંધુઓનું મૂક સમર્થન છે, પછી ભલેને તેમા તે હાજર રહ્યા ન હોય. આ ન્યાય સભામાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સામે થયેલા સૂત્રોચ્ચારે પણ વર્તમાન પ્રકરણમાં જે ભૂમિકા ભજવી તેના તરફ ઇશારો કર્યો છે.

આના કારણે રાજુ-બ્રિજરાજ સોલંકીએ પોતાની ન્યાયસભા અલગથી બોલાવે તેવી પૂરી સંભાવના છે. નવનીત બાલધિયાને જે રીતે ન્યાય મળ્યો તે જોતાં આગામી દિવસોમાં પિતાપુત્રની જોડી અન્ય કોઈ પીડિત કોળી વ્યક્તિને ન્યાય અપાવવા આ રીતે મેદાનમાં ઉતરશે તો આશ્ચર્ય નહીં લાગે. રાજકીય ક્ષેત્રે આગળ વધવુ હોય તો આ જ એકમાત્ર રસ્તો છે કે પીડિતને કે શોષિતને ન્યાય અપાવો. તેના માટે રસ્તા પર ઉતરો. આખા સમાજને લઈને સરકાર પર ઉતરોને દબાણ બનાવો. સોલંકી બંધુઓએ અપનાવેલી આ પ્રક્રિયાને રાજુ-બ્રિજરાજ સોલંકીની પિતાપુત્રની બેલડી નવા જ સ્વરૂપમાં રજૂ કરે તો નવાઈ ન પામવું જોઈએ. છતાં તે વાત નિશ્ચિત છે કે કોળી સમાજ પામી ગયો છે કે આપણા ધારાસભ્યો ફક્ત શાસક પક્ષમાં જ હોય તેવું ન હોવું જોઈએ, વિપક્ષમાં પણ જોઈએ. આગામી દિવસમાં કોળી સમાજ કયા પ્રકારનો રાજકીય રંગ ધારણ કરે છે કે રાજકીય પ્રતિનિધિત્વને આકાર આપે છે તે સમાજ માટે અને તેના રાજકારણ માટે મહત્વનું રહેશે. છતાં એટલું નિશ્ચિત થઈ ગયું છે કે કોળી સમાજમાં એક વૈકલ્પિક નેતાગીરી ઊભી થઈ રહી છે.


આ પણ વાંચો: ભાવનગર સંમેલનથી હીરા સોલંકી અજાણ, આમંત્રણ ન મળતા રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: નવનીત બાલધિયા વિવાદમાં પહેલી વખત માયાભાઈ આહિર-હીરા સોલંકી સામસામે

આ પણ વાંચો: બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા